Gujarati News

Gujarati News

News of Thursday, 16th September 2021

ચૂંટણીના વેરઝેરમાં મોરબી પાલિકાના પૂર્વ ઉપપ્રમુખ અને તેના પુત્રની હત્‍યા

સીરામીકનગરી જાણે ક્રાઇમનગરી બની હોય તેમ સરાજાહેર ફાયરીંગ - હત્‍યા બાદ વધુ એક બેવડી હત્‍યા થતાં ખળભળાટ : મુસ્‍લિમ સમાજના અગ્રણી ફારૂકભાઇ મોટલાણી (ઉ.વ.૫૨) તથા તેના પુત્ર ઇમ્‍તીયાઝની હત્‍યા કરનાર દાદુ ઉર્ફે રફીક તાજમહમદ, અસગર ભટ્ટી, જુસ્‍સા ભટ્ટી, આશીફ સુમરા અને મોઇન પીંજારાની શોધખોળ : હત્‍યારાઓ ગુન્‍હાહીત ઇતિહાસ ધરાવે છે : પોલીસ તપાસનો ધમધમાટ

તસ્‍વીરમાં મોરબી પાલીકાના પૂર્વઉપપ્રમુખ અને તેના પુત્રની હત્‍યા બાદ હોસ્‍પિટલે એકત્રીત લોકોના ટોળા અને જ્‍યાં હત્‍યા થઇ તે ઘટના સ્‍થળ, પાલીકાના પૂર્વ ઉપપ્રમુખનું ઘર અને પોલીસ ઘટના સ્‍થળે નજરે પડે છે. છેલ્લી તસ્‍વીર હત્‍યાનો ભોગ બનનારની છે.
(પ્રવિણ વ્‍યાસ દ્વારા) મોરબી તા. ૧૬ : સીરામીકનગરી મોરબી જાણે ક્રાઈમ નગરી બની ગઈ હોય અને સનસીખેજ હત્‍યા જેવા ગંભીર ગુન્‍હાઓનો સિલસિલો સામાન્‍ય બની ગયો હોય તેમ થોડા દિવસ પહેલા મમુ દાઢીની નિર્મમ હત્‍યા બાદ ગત મોડી રાત્રીના વધુ એક મુસ્‍લિમ અગ્રણી ફારૂકભાઈ મોટલાણી અને તેના યુવાન પુત્રની તીક્ષ્ણ હથિયારો વડે નિર્મમ હત્‍યા થતાં ચકચાર જાગી છે.
મળતી વિગત મુજબ ગત મોડી રાત્રીના વિશિપરામાં મુસ્‍લિમ સમાજના અગ્રણી તેમજ મોરબી નગર પાલિકાના પૂર્વ ઉપપ્રમુખ તેમજ રાજકીય આગેવાન ફારૂકભાઈ મોટલાણી(ઉ.૫૨) અને તેમના પુત્ર ઈમ્‍તિયાઝ મોટલાણી (ઉ.૨૪) તેમના ઘરે હતા ત્‍યારે અમુક શખ્‍સો દ્વારા બંને પિતા-પુત્ર પર તીક્ષ્ણ હથિયારો વડે હુમલો કરવામાં આવ્‍યો હતો. આ નિર્મમ અને જીવલેણ હુમલામાં બંને પિતા પુત્રના મોત નિપજતા મુસ્‍લિમ સમાજ સહિત સમગ્ર મોરબીમાં ભારે અરેરાટી વ્‍યાપી ગઇ હતી. હાલ બંને મૃતકોના મૃતદેહોને સરકારી હોસ્‍પિટલમાં લઈ જવાયા છે. ઘટનાની જાણ થતાં મોરબી જિલ્લા પોલીસના ઉચ્‍ચ અધિકારીઓનો કાફલો ઘટના સ્‍થળે દોડી ગયો છે. તેમજ સિવિલ હોસ્‍પિટલમાં મોટી સંખ્‍યામાં લોકો એકઠા થઇ ગયા છે.
પોલીસ દ્વારા ફારૂકભાઈ અને તેમના પુત્રની નિર્મમ હત્‍યા કરનાર હત્‍યારાઓની શોધખોળ આદરી તેમને ઝડપી લેવા તેમજ હત્‍યાના કારણ અંગે તપાસના ચક્રો ગતિમાન કર્યા બંને પિતા-પુત્ર પર થયેલા આ જીવલેણ હુમલામાં બંનેના મોત થતાં મોરબી મુસ્‍લિમ સમાજ સહિત સમગ્ર મોરબીમાં ભારે અરેરાટી વ્‍યાપી ગઇ હતી. હાલ બંને મૃતકોના મૃતદેહોને સરકારી હોસ્‍પિટલ ખાતે પોસ્‍ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્‍યા છે તેમજ બનાવની જાણ થતાં જ મોરબી જિલ્લા પોલીસ વડા સહિતના ઉચ્‍ચ અધિકારીઓ ઘટનાસ્‍થળે દોડી ગયા હતા અને બનાવની તપાસ શરૂ કરી છે.છે.સનસીખેજ બનાવ સામે આવતા મોરબીમાં ભારે અરેરાટી વ્‍યાપી ગઈ છે.
દરમિયાન હત્‍યાના આ બનાવ અંગે મૃતક ફારૂકભાઈના પત્‍ની રજીયાબેન મોટલાણીએ દાદુ ઉર્ફે રફીક તાજમહમદ, અસગર જાકબ ભટ્ટી, જુસા જાકબ ભટ્ટી, આસિફ સુમરા અને મોઇન હાસમ દાવલિયા ઉર્ફે લાલો પિંજરા વિરુદ્ધ બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. જેમાં અગાઉ ચૂંટણીના વેરઝેરમાં ઉપરોકત પાંચેય શખ્‍સોએ એક સંપ કરી પોતાના પતિ અને પુત્રને છરી, ધારીયા જેવા તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી મોત નિપજાવ્‍યું હોવાનું ફરિયાદમાં જણાવ્‍યું છે.
ઉલ્લેખનીય છે કે મોરબી પાલિકાના પૂર્વ ઉપ પ્રમુખ અને તેમના પુત્રના હત્‍યારાઓ ગુન્‍હાહિત ઇતિહાસ ધરાવનાર અને નામચીન હોવાનું પોલીસ સૂત્રો જણાવી રહ્યા છે. હાલ આ સનસનીખેજ બેવડી હત્‍યા મામલે હાલ બી ડિવિઝન પોલીસે આઈપીસી કલમો મુજબ ગુન્‍હો દાખલ કર્યો છે અને ગંભીર બનાવ મામલે એલસીબી, એસઓજી સહિતની ટિમો દ્વારા આરોપીઓને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.
મોરબી પંથકમાં સરાજાહેર ફાયરીંગ અને હત્‍યા બાદ વધુ એક બેવડી હત્‍યા થતાં મોરબી પંથકમાં ખળભળાટ મચી ગયો છે.

 

(11:24 am IST)