Gujarati News

Gujarati News

News of Thursday, 16th September 2021

લોધીકા તાલુકાના છાપરા ગામે નદીના વહેણમાં તણાયેલી કાર અને તેમાં પ્રવાસ કરતા વ્યકિતઓને શોધવાની કપરી કામગીરીને બીરદાવતા કલેકટર અરૂણ મહેશ બાબુ

રાજકોટ જિલ્લામાં ભારે વરસાદમાં ઇન્ડીયન નેવીની પોરબંદર ટીમની કવીક રીસ્પોન્સ અને સરાહનીય કામગીરી

રાજકોટ તા.૧૫  : ગઇ તા. ૧૩મી ના રોજ ભારે વરસાદને કારણે રાજકોટ જિલ્લામાં નદીઓ માં આવેલા ધોડાપુરમાં ફસાયેલા લોકોને બચાવ માટે જીલ્લા વહિવટીતંત્ર દ્વારા ત્વરીત કામગીરી કરાઇ હતી. લોધીકા તાલુકાના છાપરા ગામે નદીના વહેણમાં તણાયેલી કાર અને તેમાં પ્રવાસ કરતા વ્યકિતઓની ભાળ મેળવવામાં ત્વરીત રીસપોન્સ સાથે સતત કાર્યરત રહેલ પોરબંદર નેવીના કલીયરન્સ અને ડાઇવીંગ ટીમની કામગીરીને કલેકટર  અરૂણ મહેશ બાબુએ બિરદાવી હતી.

બનાવની વિગતો મુજબ તા. ૧૩મી એ ભારે વરસાદને પગલે રાજકોટ જિલ્લાના વિવિધ નદીઓમાં ઘોડાપુર સમા પાણી વહેતા હતા. રાજકોટ જિલ્લાના લોધીકા તાલુકાના છાપરા ગામ પાસેથી પસાર થતી રાજકોટના ઉદ્યોગપતિ અને પેલીકન કંપનીના માલીક એવા કિશનભાઇ શાહ, ડ્રાઇવર તથા અન્ય વ્યકિત નદીના વહેતા પાણીમાં કાર સાથે તણાયાની માહિતી મળતા કલેકટર  અરૂણ મહેશ બાબુએ ત્વરીત એકશન લઇને ઇન્ડીયન નેવીના ગુજરાત એરીયાના ફલેગ ઓફીસર રીઅર એડમીરલ પુરૂવિર દાસને મદદ માટે ટીમની માંગ કરી હતી. બનાવને ધ્યાને લઇને તુરત જ પોરબંદર નેવીની ચીફ ડાઇવીંગ સાથેની કલીયરન્સ અને ડાઇવીંગ ટીમ રાજકોટ ખાતે રવાના કરી હતી.ચિફ ડાઇવર અને ટીમ ઇનચાર્જ વિજય કુમાર અને ૧૯ સભ્યો સાથેની આ ટીમ રાત્રે ૧૨ વાગ્યે રાજકોટ  ખાતે આવી પહોંચ્યા હતા. તા. ૧૪મી એ સવારે ૬-૦૦ કલાકે આ ટીમે ઘટના સ્થળે પહોંચી પ્રાંત અધિકારી  વિરેન્દ્રભાઇ દેસાઇના માર્ગદર્શન હેઠળ તુરત તેમના સાધનો સાથે તણાયેલી કાર અને વ્યકિતઓની ભાળ માટે સર્ચ ઓપરેશન શરૂ કર્યુ હતું. રોપ (દોરડા) સાથે ખાસ પ્રકારના હુક ગોઠવી આધુનીક ટેકનીક દ્વારા પ્રથમ કાર અને ત્યારબાદ કિશનભાઇ શાહનો મૃતદેહ બહાર કાઢયો હતો.તણાયેલી કાર અને વ્યકિતની ભાળ મેળવવાની કામગીરીમાં ત્વરીત રીસ્પોન્સ માટે પોરબંદર નેવીના કલીયરન્સ અને ડાઇવીંગ ટીમની કામગીરીને કલેકટર  અરૂણ મહેશ બાબુએ બિરદાવી હતી.

(11:48 am IST)