Gujarati News

Gujarati News

News of Thursday, 16th September 2021

ગીર-સોમનાથ જીલ્લાનો હિરણ-ર ડેમ છલકાયોઃ એક દરવાજો ખોલાયો

(મીનાક્ષી-ભાસ્કર વૈદ્ય દ્વારા) પ્રભાસ-પાટણ તા. ૧૬ :..  તાલાલા તાલુકાના ઉમરેઠી ગામ પાસે આવેલ હિરણ-ર જળાશયમાં ઉપરવાસમાં વરસાદના કારણે પાણીની આવક વધતાં હિરણ-ર ડેમ તેના ડીઝાઇન સ્ટોરેજના ૧૦૦ ટકા એટલે કે એફ. આર. એલ. ૭૧.ર૬ મીટર ઊંડાઇ ૮.૮૪ મીટર તથા જીવંત જથ્થો ૩પ.૦ર૪ પુરવઠા વિભાગના પરિપત્ર મુજબ હિરણ-ર જળાશયના હેઠવાસમાં આવતા ગામોના લોકોને નદીના પટમાં અવર-જવર ન કરવા તેમજ ઢોર-ઢાંખર ન લઇ જવા હાઇ એલર્ટ કરાયા છે.

ડેમની સલામતીને ધ્યાને રાખીને કુલ રીઝરવોયર લેવલ જાળવવા એક દરવાજો બપોરે ર.૩૦ કલાકે ખોલવામાં આવ્યો જે ડીસ્ચાર્જ વોટર ૧૧૭ર કયુસેક અને ઇનફલો ર૦૮૪ કયુસેક ગણાવાય છે. આ ડેમના દરવાજા ખોલવાથી અસરગ્રસ્ત ૧૩ ગામોને સાવચેત કરાયા છે.

જીલ્લા સિંચાઇ અધિકારી એ. પી. કલસરીયા, નિર્મલ સિંધલ અને એસ. જે. ગાધે એ આ ડેમ સંપૂર્ણ પણે ભરાતાં ખુશી વ્યકત કરી કારણ કે આ વરસે ચોમાસાના ખરેખર મહિનાઓમાં વરસાદ પડયો ન હતો અને જળ સંકટ ઘેરાતુ હતું.

સિંચાઇ અધિકારી નિર્મલ સિંધલ જણાવે છે કે આ સિંચાઇ વિભાગ હેઠળના હિરણ-ર, રાવલ, મચ્છુદ્રી-સંપૂણપણે છલકાઇ ચુકેલા છે જયારે હિરણ-૧ માં ૪૮ ટકા અને સીંગવડા ડેમમાં ૬૮ ટકા પાણી ભરાયેલ છે સમય ચક્ર બપોરે ૧.૩૦ હિરણ-ર ડેમ સંપૂર્ણપણે છલકાયો, બપોરે ર.૩૦ હેઠવાસના ગામોને એલર્ટ કરાયા, બપોરે ૩.૩૦ કલાકે ડેમનું સાયરન વગાડી નદી કાંઠાના વિસ્તારોને આખરી ચેતવણી આપી એક ફુટ દરવાજો ખોલાયા અને હવે જે પાણી આવશે જે ધીમે ધીમે આવી જ રહયું છે તેને ખુલેલા ગેટ દ્વારા નદીમાં છોડવામાં આવશે.

(11:52 am IST)