Gujarati News

Gujarati News

News of Thursday, 16th September 2021

મેગા વેકસીનેશન ડ્રાઇવ : આવતીકાલે વડાપ્રધાનના જન્મદિવસે અમેરલી જીલ્લામાં ૫૦,૦૦૦ લોકોને વેકસીન આપવાનો લક્ષ્યાંક

૪૩૭ આરોગ્યકર્મીઓ ૪૦૦ સ્થળોએ વેકસીનેશન મહાઅભિયાન અંતર્ગત રસી આપશે

અમરેલી તા. ૧૬: આવતીકાલે તા. ૧૭ સપ્ટેમ્બરના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિતે વેકસીનેશન મહાઅભિયાન અંતર્ગત અમરેલી જિલ્લાના ૫૦,૦૦૦ લોકોને કોરોના વેકસીનના ડોઝ આપવાનું આયોજન કરવામાં આવ્યું છે. જિલ્લામાં કુલ ૪૦૦ સ્થળોએ ૪૩૭ જેટલા આરોગ્ય કર્મીઓ લોકોને વેકસીન આપશે.

મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. જે. એચ. પટેલએ આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે વેકસીનેશન મહાઅભિયાન અંતર્ગત જે લોકો હજુ પણ વેકસીનનો પહેલો કે બીજો ડોઝ લેવામાં બાકી હોય તેવા તમામ લોકો નજીકના આરોગ્ય કેન્દ્ર ઉપર જઈને વિનામૂલ્યે રસી અપાવી શકશે.

અમરેલી તાલુકામાં ૫૨ સ્થળોએ, બાબરા તાલુકામાં ૩૨ સ્થળોએ, બગસરા તાલુકામાં ૨૨ સ્થળોએ, ધારી તાલુકામાં ૪૬ સ્થળોએ, જાફરાબાદ તાલુકામાં ૨૬ સ્થળોએ, ખાંભા તાલુકામાં ૨૮ સ્થળોએ, કુંકાવાવ તાલુકામાં ૩૭ સ્થળોએ, લાઠી તાલુકામાં ૩૮ સ્થળોએ, લીલીયા તાલુકામાં ૧૭ સ્થળોએ, રાજુલા તાલુકામાં ૪૦ સ્થળોએ અને સાવરકુંડલા તાલુકામાં ૬૨ સ્થળોએ વેકસીનેશન કરવામાં આવશે. આરોગ્ય તંત્ર દ્વારા જાહેર જનતાને આ વેકસીનેશન મહાઅભિયાનનો વધુમાં વધુ લાભ લેવા અપીલ કરવામાં આવી છે. 

(1:14 pm IST)