Gujarati News

Gujarati News

News of Thursday, 16th September 2021

જુનાગઢના બંગાળી સોની વેપારીને બે બંગાળી સોની વેપારીનો જ રૂ.૧.પ૬ કરોડનો ધુંબો

હોલસેલ વેપાર માટે લીધેલા નાણા અને દાગીના પરત નહિ આપતા ફરીયાદ

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા.૧૬ : જુનાગઢના બંગાળી સોની વેપારીને બે બંગાળી સોની વેપારીએ રૂ. ૧ કરોડ પ૬ લાખ ર૬ હજારનો ચુનો ચોપડી દઇ વિશ્વાસઘાત આચરતા શહેરની સોની બજારમાં ખળભળાટ મચી ગયો હતો.

આ અંગેની વિગતો એવી છે કે જુનાગઢના છાયા બજાર ગંધૃપવાડામાં છેલ્લા રપ વર્ષથી રહેતા પશ્ચિમ બંગાળના વતની દિપુભાઇ ખુદીરામ બેરા-બંગાળી (ઉ.૪૯) અહિં હરિ હિરાના નામની સોના-ચાંદી દાગીનાની વેપારી પેઢી ધરાવે છે.

ફેબ્રુઆરી-ર૦૧૦માં પ-બંગાળમાં સોના-ચાંદીના દાગીનાનો હોલસેલ વેપાર કરતા કોલકતાનો કેસ્ટોદાસ અને બારાસાત થાના વિસ્તારમાં રહેતો સમ્રાટ અધિકારી નામના શખ્સે દિપુભાઇ બેરાનો સંપર્ક કરેલ અને સોનાના હોલસેલ વેપાર-ધંધા માટે નાણાંની જરૂર હોવાનું જણાવેલ.

આથી બંને શખ્સો પર વિશ્વાસ કરી પ્રારંભમાં દિપુભાઇએ રૂ.૩પ લાખ આપ્યા હતા.

આ શખ્સોએ સમયે જુનાગઢ આવેલ અને ૧૦ દિવસ રોકાયા હતા ધંધાના કામ સબબ દિપુભાઇએ રૂ.૩પ લાખ બાદ સોનાના દાગીના તેમજ બેંક ખાતામાં જમા રહેલ નાણા મળી કુલ રૂ.૧,પ૬,ર૬,૦૦૦ અલગ અલગ સમય અને તારીખે કેસ્ટોદાસ અને સમ્રાટ અધિકારીનો હાથ ઉછીના આપ્યા હતા.

જે પરત નહિ આપી દિપુભાઇએ તેમની સાથે વિશ્વાસઘાત કરી છેતરપીંડી આચરી હોવાનું જણાતા તેમણે ગત રાત્રે એ ડીવીઝન પોલીસમાં ફરીયાદ કરતા પોલીસે કેસ્ટો અને સમ્રાટ અધિકારી સામે કલમ ૪૦૬, ૪ર૦, અને ૧૧૪ મુજબ ધોરણસરની કાર્યવાહી કરી હતી.

વિશેષ તપાસ પી.એસ.આઇ. એ.કે. પરમાર ચલાવી રહ્યા છે.

(1:19 pm IST)