Gujarati News

Gujarati News

News of Thursday, 16th September 2021

કેશોદમાં એકીસાથે ૧૧ દુકાનોના તાળા તુટયા

પોલીસ સ્ટેશનની બરાબર સામે આવેલ મયુર માર્કેટમાં ૯ તથા શ્રીનાથજી માર્કેટમાં ર દુકાનો બની તસ્કરોનું નિશાનઃ ચડ્ડી બનીયનધારી ટોળકીનું પરાક્રમ હોવાની ચર્ચાઃ કયાંથી કેટલો મુદામાલ ગયો તેનો તાગ મેળવતી પોલીસ

(સંજય દેવાણી દ્વારા) કેશોદ તા.૧૬ : અત્રે ગત મોડી રાત્રીના પોલીસ સ્ટેશનની બરાબર સામે આવેલ મયુર માર્કેટ તથા ચાર ચોકમાં આવેલ શ્રીનાથજી માર્કેટની મળી એકી સાથે ૧૧ જેટલી દુકાનોના તાળા તુટતા પોલીસ ઘટના સ્થળે પહોંચેલ છે.

ગત રાત્રીના ઝરમરીયા વરસાદનો લાભ લઇ તસ્કર ટોળી સક્રિય બનેલ હતી.  જે શહેરના મધ્ય ભાગ  આવેલ મયુર માર્કેટ અને શ્રીનાથજી માર્કેટ પર ત્રાટકી પોતાની મનની મુરાદ પુરી કરેલ હોવાનું કહેવાય છે.

મયુર માર્કેટમાંથી તસ્કરોએ ૯ દુકાનો તથા શ્રીનાથજી માર્કેટમાં ર દુકાનો મળી કુલ ૧૧ દુકાનોના તાળા તથા શટર તોડી દુકાનમાં પ્રવેશી ચોરી કરેલ હોવાનું જાણવા મળેલ છે.

આ અંગે પોલીસને જાણ કરતા ઇન્ચાર્જ પી.આઇ. ચૌહાણ સહિત પોલીસ ટીમ બનાવ સ્થળે પહોંચી જરૂરી તપાસ હાથ ધરેલ છે. કઇ દુકાનમાંથી કેટલી રોકડ કે મુદામાલ ગયો છે એ અંગેની જરૂરી વિગત મેળવાઇ રહી છે.

નોંધનીય છે કે, મયુર માર્કેટમાં શ્રીનાથજી માર્કેટ બરાબર પોલીસ સ્ટેશનની સામે જ આવેલ છે. આમ છતાં તસ્કર ટોળકીએ હિંમત દાખવી ૧૧ જેટલી દુકાનોના શટર ઉંચકી પોલીસ સામે પડકાર ફેકેલ છે.

દરમિયાન આ પરાક્રમ ચડી બનીયન ધારી હોવાનું કહેવાય છે અને આસપાસમાં રહેલ સીસી ટીવી કેમેરામાં પણ તસ્કરો શટર ઉંચકાવતા હોવા સહિતની ઘટના કેદ થયેલ હોવાનું અને તસ્કરોએ ચડ્ડી બનીયન તથા મોઢા ઉપર માસ્ક પહેરેલ હોવાનું જાણવા મળેલ છે.

આરોપીઓનું પગેરૂ મેળવા પી.આઇ. ચૌહાણના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફે તપાસના ચક્રો ગતિમાન કરેલ છે.

(1:19 pm IST)