Gujarati News

Gujarati News

News of Thursday, 16th September 2021

ઇતની શકિત હમે દેના દાતા, મન કા વિશ્વાસ કમજોર હો ના...

બાર - બાર મંત્રીઓના પી.એ. - પી.એસ. રહી ચૂકેલા બ્રિજેશ મેરજા હવે ખુદ મંત્રી

મોરબી અલગ જિલ્લો બન્યા પછી પ્રથમ વખત પ્રતિનિધિત્વ

રાજકોટ તા. ૧૬ : આજે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલના નવા મંત્રી મંડળમાં મોરબીના ભાજપના ધારાસભ્ય શ્રી બ્રિજેશ મેરજાને સ્થાન મળતા વિસ્તારમાં અને તેમના ટેકેદારોમાં ચોમેર ખુશી વ્યાપી ગઇ છે. ૨૦૧૩માં મોરબી નવો જિલ્લો બન્યા બાદ કેન્દ્રમાં મોહનભાઇ કુંડારિયાને મંત્રી પદ મળેલ પણ રાજ્યમાં મોરબી જિલ્લામાંથી મંત્રી પદ મેળવનારા બ્રિજેશ મેરજા પ્રથમ ધારાસભ્ય છે.

શ્રી મેરજાએ કારકિર્દીની શરૂઆત રાજકોટ જિલ્લા સહકારી બેંકના જનસંપર્ક અધિકારી પદેથી કરેલ. ત્યારબાદ તેઓ માહિતી ખાતાના અધિકારી તરીકે જોડાયા હતા. બે દાયકાની સરકારી નોકરીમાં બાર અલગ-અલગ મંત્રીઓના અંગત મદદનિશ કે અંગત સચિવ તરીકે કામગીરી કરેલ. મંત્રીના પી.એ. કે પી.એસ. રહ્યા બાદ મંત્રી બનવાનો તેમને લ્હાવો મળ્યો છે. બાર-બાર મંત્રાલયોમાં રહેલ પૂર્વ અધિકારી મંત્રી બને તેવું ગુજરાતમાં પ્રથમ વખત બન્યું છે. જાહેર જીવન અને જાહેર વહીવટ બન્નેનો તેમને બહોળો અનુભવ છે. ૨૦૧૭માં કોંગ્રેસના ધારાસભ્ય તરીકે ચૂંટાયા પછી ૨૦૨૦માં રાજીનામુ આપીને ભાજપના ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. નિષ્ઠા અને પ્રતિષ્ઠાથી ધબકતું - ઝબકતું વ્યકિતત્વ છે. તેમના પર અભિનંદન વર્ષા (મો. ૯૮૭૯૫ ૨૩૦૭૯) પર થઇ રહી છે.

અત્રે ઉલ્લેખનિય છે કે, શ્રી બ્રિજેશ મેરજાના લઘુબંધુ શ્રી રમેશ મેરજા આઇ.એ.એસ. કેડરના અધિકારી છે. તેઓ હાલ પાટણ જિલ્લા વિકાસ અધિકારી તરીકે ફરજ બજાવી રહ્યા છે.

(3:18 pm IST)