Gujarati News

Gujarati News

News of Thursday, 16th September 2021

મોરબીમાં હત્યાનો સિલસિલો યથાવત: વધુ બે હત્યાઓથી પોલીસના અસ્તિત્વ સામે અનેક સવાલ : મોરબીમાં લુખ્ખા-ગુંડા તત્વો બેખોફ

મોરબીમાં છેલ્લાં દિવસોમાં હત્યા ઉપર હત્યાથી શાંત ઔધોગિક નગરી હચમચી :છેલ્લા ૧૫ દિવસમાં સરાજાહેર હત્યા, ખૂની હુમલા, લૂંટ, ચોરી જેવા ગંભીર બનાવોની હારમાળા કાયદો – વ્યવસ્થા ચીંથરેહા

મોરબીમાં કાયદો અને વ્યવસ્થાના કડક અમલ માટે ઉચ પોલીસ અધિકારીથી માંડી જવાબદાર પોલીસ અધિકારીઓ કડક હાથે કામ લે તે હવે ખૂબ જરૂરી બન્યું છે.

મોરબી એક્દમ શાંત ગણાતી સીરામીક નગરી મોરબીની શાંતિ છેલ્લા ૧૫ દિવસથી હણાઈ ગઈ છે. મોરબી જાણે બીજું બિહાર હોય તેમ લુખ્ખા તત્વો અને ગુંડાતત્વો બેખોફ બની પોલીસ અને કાયદાના ડર વગર સરાજાહેર ગંભીર ગુન્હાઓ આચરીને કાયદો અને વ્યવસ્થાના ચીંથરેહાલ કરી દીધા છે. લુખ્ખા તત્વો અને ગુંડા તત્વોના બેખોફ સામે પોલીસ જાણે ઘુંટણીયે પડી હોય એમ ગંભીર બનાવો બન્યા બાદ જ ફિલ્મોની જેમ એન્ટ્રી કરીને મુંગામોઢે તમાશો જોયા કરે છે. ગુંડા તત્વોની ખુલ્લેઆમ ગુંડાગિરીથી મોરબીમાં હાલ પોલીસ કે કાયદો અને વ્યવસ્થાના અસ્તિત્વ સામે સવાલ ખડા થયા છે. તેથી, મોરબીમાં કાયદો અને વ્યવસ્થાના કડક અમલ માટે પોલીસ ના અસામાજિક તત્વો સાથેનાં સંબંધો નેવે મૂકી, સાંઠ ગાંઠ તોડી નિષ્ઠાપૂર્વક પોતાની ફરજ બજાવે તે જરુરી છે.
મોરબી શહેરમાં છેલ્લા ૧૫ દિવસમાં ગુનાખોરીનો ગ્રાફ સતત ઊંચે ચડ્યો છે. જેમાં સરાજાહેર હત્યા, ખૂની હુમલા, લુંટફાટ, ચોરી જેવા ગંભીર બનાવો સામાન્ય થઈ ગયા છે. પોલીસ અને કાયદાને ખિસ્સામાં લઈને ફરતા લુખ્ખા તત્વો અને ગુન્હેગારોની એટલી હિંમત વધી ગઈ છે કે ધોળે દિવસે ખુલ્લેઆમ હથિયારો લઈને ગુંડાગિરી આચરતા સહેજ પણ અચકાતા નથી. પોલીસ અને કાયદાનું જાણે અસ્તિત્વ જ ન હોય તેમ લુખ્ખા તત્વો અને અસામાજિકો ગંભીર ગુનાહિત પ્રવૃત્તિઓને અંજામ આપતા હોવાથી મોરબીની શાંતિ હણાઈ ગઈ છે. મોરબી જાણે યુ.પી., બિહાર હોય એ રીતે છેલ્લા ૧૫ દિવસમાં છ હત્યાઓ, સંખ્યાબંધ ખૂની હુમલા, લૂંટફાટ અને ચોરીના અનેક બનાવો બન્યા છે.
મોરબીમાં ગુનાખોરી વધતા લોકોમાં જબરો આક્રોશ છે કે, ખરેખર આટલા બધા ગંભીર બનાવો બનાવ છતાં પોલીસ કરે છે શું? જો કે લુખ્ખા તત્વો અને ગુન્હેગારોની આટલી બધી હિંમત વધી એમાં પોલીસની હપ્તાખોરી જ કારણભૂત છે. પોલીસ તંત્રમાં હપ્તાખોરી એટલી હદે ઘર કરી ગઈ છે કે કાયદો અને વ્યવસ્થાનો અમલ અને પ્રજાના જાનમાલની રક્ષાની જવાબદારી ભુલાઈ ગઈ છે. આજે મોરબીમાં ગુંડાગિરીએ જે આંતક મચાવ્યો છે, તેમાં પોલીસની રહેમનજર જવાબદાર છે. પોલીસ ખરેખર નિષ્ઠાથી કામ કરે તો મોરબીના આજે જે હાલ થયા છે, એવા હાલ ક્યારેય ન થાય. ખરેખર તો મોરબીમાં પોલીસની ગુન્હેગારો કે લુખ્ખાઓ ઉપર કોઈ ધાક જ રહી નથી. તે છેલ્લા ૧૫ દિવસમાં બનેલા ઘટનાક્રમથી પુરવાર થાય છે.
મોરબીમાં ૧૫ દિવસથી ગંભીર બનાવો બન્યા હોવા છતાં ઉચ્ચ પોલીસ અધિકારીથી માંડીને અન્ય કોઈ પોલીસે ગુંડાગીરીને નાથવા કોઈ પગલાં લીધા હોય તેવું લાગતું નથી. પોલીસની આવી બેપરવાહી ગુંડાગીરીને ઉત્તેજન પૂરું પાડે છે. જો પોલીસ આવી રીતે બેજવાબદારીથી વર્તશે તો મોરબીને બીજું બિહાર બનતા વાર નહિ લાગે. આથી,મોરબી  પોલીસે પોતાનું ત્રીજુ નેત્ર ખોલી ગુંડા લૂખાતત્વોને ચમત્કાર બતાવવા સાથે અસ્સલ પોલીસનો પરિચય કરાવવો પડશે. તોજ ગુંડાગીરી કાબુમાં આવશે તેવું લોકો જણાવી રહ્યાં છે.

(12:24 am IST)