Gujarati News

Gujarati News

News of Tuesday, 16th November 2021

આઝાદી બાદ કચ્છના નાના રણના અગરિયા પહેલીવાર રેકોર્ડ પર આવશે

રણના અંદાજે 5000 અગરિયા પરીવારોની સંપૂર્ણ વિગત ઓનલાઇન મળવાની સાથે એમને ડીજીટલ સરનામું મળશે

કચ્છના નાના રણનો આજ દિન સુધી ક્યારેય સર્વે થયો નથી અને સરકાર દ્વારા આ રણને સર્વે નંબર ‘ઝીરો’ નામ અપાયું છે. હાલમાં રણમાં મીઠું પકવતા અગરિયાઓનો ડીજીટલ સર્વેનું કામ ચાલતુ હોઇ આગામી દિવસોમાં રણના અંદાજે 5000 અગરિયા પરીવારોની સંપૂર્ણ વિગત ઓનલાઇન મળવાની સાથે એમને ડીજીટલ સરનામું મળશે. અગરિયાઓ હવેથી 7/12 ની જેમ તેમના પાટાની સ્થળ સ્થિતીની નકશા સાથેની વિગતો ડાઉનલોડ કરી ઉતારા તરીકે ઉપયોગમાં લઇ શકશે.

અગરિયા સમુદાય પેઢીઓથી કચ્છ નાના રણમાં વર્ષના આઠ માસ માટે સ્થળાંતર કરી, પરંપરાગત પદ્ધતિથી, બાવડાના જોરે મીઠું પકવે છે. અગરિયા સમુદાયમાં મુખ્યત્વે ચુંવાળીયા કોળી, સંધી અને મિયાણા સમુદાયના લોકો છે. અગરિયાઓ સુરેન્દ્રનગર, પાટણ, મોરબી અને કચ્છ જીલ્લાના 170 ઉપરાંતના ગામોમાંથી રણમાં સ્થળાંતર કરે છે. 5000 ચોરસ કિમીનો વિસ્તાર ધરાવતું કચ્છનુ નાનુ રણ એવો ગુજરાત અને દેશનો એકમાત્ર પ્રદેશ છે, કે જેનો ક્યારેય સર્વે હાથ ધરાયો જ નથી.

હમણાં સુધી તેનો કોઈ સર્વે નંબર નહોતો. સરકારના ધ્યાન પર લાવતાં, આ વિસ્તારનો એરિયલ સર્વે કરી તેને આઝાદી પછી પહેલીવાર સરકારે સર્વે નંબર ઝીરો – આપ્યો. અહીં સ્થળાંતર કરતા અગરિયા ખારાગોઢાં રણમાં હોય કે ત્યાંથી 100 કી.મી દુર આડેસર વિસ્તાર હોય કે પછી માળિયા હરીપર વિસ્તાર હોય બધાને એક જ સર્વે નંબર ‘શૂન્ય’ લાગુ પડે છે. આ 5000 ચો.કી.મી.નો સમગ્ર વિસ્તાર અન-સર્વે લેન્ડ હોવાથી અને કોઈપણ રેવન્ય વિલેજની હદ-હકુમતમાં આવતી ના હોવાથી ચારેય જીલ્લાના એકપણ ગામ પાસે આ વિસ્તારનું રેવન્યુ રેકર્ડ ઉપલબ્ધ નથી. જે જમીનનો જ કોઈ સર્વે ન થયો હોય, કોઈ 7/12નો ઉતારો ન નીકળતો હોય ત્યાં અગરિયાના પાટાનો સર્વે કોણ કરવાનું હતું ?

આઝાદી પૂર્વે બ્રિટીશ હકુમતમાં મીઠું બનાવવા અને વેચવા પર અંકુશ હતો પણ 1949માં કેન્દ્ર સરકારના ઉદ્યોગ મંત્રાલયના જાહેરનામાં અનુસાર 10 એકરથી નીચે, નાના પાયે જાતે મીઠું પકવતા અગરિયાઓને કોઈ પરવાનગી અથવા નોંધણીની જરૂર ન હતી. અને તેમને મીઠા ઉત્પાદનને પ્રોત્સાહન આપવા સોલ્ટ-સેસમાંથી પણ મૂકતી આપવામાં આવી હતી. આઝાદીના ગાળામાં આપણે મીઠું આયાત કરતા હતા. ગુજરાતના નાના-રણના અગરિયાઓએ મીઠામાં દેશને સ્વાવલંબન અપાવ્યું. તેમ છતાં આજદિન સુધી સરકાર કે ગામો પાસે અગરિયાઓની ચોક્કસ માહિતી કે, કોણ ક્યાં ક્યારથી કેટલું મીઠું પકવે છે ? તે ઉપલબ્ધ નથી. સેન્ટ્રલ સોલ્ટ કમિશ્નરના રીપોર્ટમાં કચ્છના નાના રણમાં અગરિયાઓ દ્વારા પકવવામાં આવતા મીઠાના કુલ ઉત્પાદને ‘સોલ્ટ-પ્રોડક્શન બાય અન-રેક્ગ્નાઈઝ યુનિટ’ તરીકે બતાવવામાં આવે છે.

સ્વતંત્ર ભારતના ઈતિહાસમાં પહેલી જ વાર પાટે પાટે જઈને રણ અને અગરિયાઓનો ડીજીટલ સર્વે હાથ ધરવામાં આવી રહ્યો છે. તેમાં દરેક અગર પર જઈ તેમાં અગરિયા પરિવારની માહિતી, બાળકોનું શિક્ષણ, મીઠા ઉત્પાદન, પાટાનું લોકેશન (સ્થળ) અક્ષાંશ – રેખાંશ માં, ડીઝલ ખર્ચ, પરિવારનો કુલ માસવાર ખર્ચ, આરોગ્ય પર કરેલ ખર્ચ વગેરે તમામ વિગત લેવામાં આવી રહ્યા છે. ત્યારબાદ અગરિયા જયારે પોતાના ગામમાં પાછા ફરે ત્યારે તેમના ગામમાં જઈ, ગામની વિગત, અને તેમના ગામમાં રહેઠાણની વિગત, અને ફરીથી અક્ષાંશ રેખાંશમાં સરનામું લઇ રહ્યા છે.

આ સર્વેની વિગતો એક વેબસાઈટ પર અપલોડ કરવામાં આવશે. જેથી કરીને અગરિયા કયા ગામોમાંથી રણમાં ક્યાં જઈ રહ્યા છે? તેમનો પાટો ક્યાં છે? તે દુનિયા જોઈ શકશે. સર્વે નંબર ઝીરોમાં સદીઓથી હોવા છતાં અદ્રશ્ય રહેલા અગરિયાઓ ડીજીટલ સર્વે થકી દ્રશ્યમાન થશે. આ ડેટાબેઝનો ઉપયોગ સરકાર પણ કરી શકશે. અગરિયા 7/12ની જેમ તેમના પોતાની સ્થળ-સ્થિતિની નકશા સાથેની વિગતો ડાઉન-લોડ કરી ઉતારા તરીકે ઉપયોગમાં લઇ શકશે

(9:22 pm IST)