Gujarati News

Gujarati News

News of Tuesday, 16th November 2021

મુખ્યમંત્રીની ઉપસ્થિતીમાં જૂનાગઢ નૂતનવર્ષ સ્નેહમિલન યોજાયું

જૂનાગઢ,તા.૧૬: મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં જૂનાગઢ મહાનગર ભાજપ પરિવાર દ્વારા આયોજિત નૂતનવર્ષ સ્નેહમીલન કાર્યક્રમ અક્ષરપુરૂષોત્ત્।મ સ્વામીનારાયણ મંદિર જૂનાગઢ ખાતે યોજાયો હતો.

મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયેલ સ્નેહમીલનમાં તેમણે જણાવ્યું હતું કે, કોવિડ-૧૯ મહામારીમાં ભારતીય જનતાપાર્ટીના કાર્યકર્તાઓએ દિવસ રાત ખડે પગે પ્રજાની સેવા કરી છે. આજે પ્રજાના હૃદયમાં ભારતીય જનતા પાર્ટી રહે છે. પાર્ટીના દરેક કાર્યકર્તા, પદાધિકારીઓ ખૂબ જ નિષ્ઠાથી કામ કરી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટીના પાયામાં કાર્યકરો છે.

મુખ્યમંત્રીશ્રીએ સરકારશ્રીની વિવિધ યોજનાઓનો ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે, નિરામય ગુજરાત અભિયાન હેઠળ ૩૦ વર્ષ થી વધુ વયના લોકોને કોઇ ગંભીર બીમારી જ ના થાય એની માટે સરકાર કટીબધ્ધ છે. વધુમાં ૩૦ વર્ષથી વધુ વયના દરેકનું સ્ક્રીનીંગ સારવાર થશે. જેથી ડાયાબીટીસ, બીપી, કીડનીની ગંભીર બીમારી, કેન્સર જેવી બીમારીઓની તુંરત તપાસ થાય, અને સારવાર નિદાન સરકાર દ્વારા કરાશે.

મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, અમારી સરકાર લોકોના આરોગ્યની ચિંતા કરી રહી છે. રાજયમાં પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા સાથે સરકારશ્રી દ્વારા લોકોને રાસાયણિક ખાતર, દવા મુકત ખોરાક મળે એ માટે ખેડૂતોને પ્રાકૃતિક ખેતી માટે પ્રોત્સાહન આપી નિરામય ગુજરાતની ભાવના સાર્થક કરવી છે.

મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, જૂનાગઢ મહાનગરની આજુબાજુમાં પણ પ્રાથમિક સુવિધાના કામ થશે. જેથી ગામડેથી લોકોનું શહેરમાં સ્થળાંતર દ્યટાડી શકાય.

મુખ્યમંત્રીશ્રીએ નવા વર્ષે  પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીના આત્મનિર્ભર ભારતના સંકલ્પમાં જોડાઇને આત્મનિર્ભર ગુજરાતમાં સૌને સહભાગી થવા ભારપૂર્વક અનુરોધ કર્યો હતો.

સ્નેહમીલન કાર્યક્રમ પુર્વે મુખ્યમંત્રીશ્રીએ શ્રી સ્વામીનારાયણ મંદિરના કોઠારીશ્રી તેમજ અન્ય સંત ગણોના આશીર્વાદ મેળવ્યા હતા.

આ પ્રસંગે જૂનાગઢ જિલ્લા પ્રભારીમંત્રીશ્રી અરવિંદભાઇ રૈયાણીએ જણાવ્યું હતું કે,  અમે દરેક લોકો સમાજના કામ કરવા પ્રતિબધ્ધ છીએે તેમજ જૂનાગઢ જિલ્લાને દરેક ક્ષેત્રે રોલ મોડેલ બનાવવા હંમેશા પ્રયત્નશીલ રહીશુ. સાસંદશ્રી રાજેશભાઇ ચુડાસમાએ જણાવ્યું હતું કે, રાજયને નવી દિશા આપવાનું કામ સરકાર કરી રહી છે.

મેયરશ્રી ધીરૂભાઇ ગોહેલે જણાવ્યું હતું કે, જૂનાગઢ શહેરમાં રૂ.૫૦૦ કરોડના વિકાસ કામો કાર્યરત છે. તોમણે લોક લાગણીને ધ્યાને લઇ ૪૦૦-૪૦૦ના જૂથમાં પરિક્રમા મંજૂરી આપવાનો નિર્ણય કરવા બદલ સરકારશ્રીનો આભાર માન્યો હતો.

કાર્યક્રમના આરંભે જૂનાગઢ શહેર ભાજપ પ્રમુખ શ્રી પુનીતભાઇ શર્માએ સ્વાગત પ્રવચન કર્યું હતું.આ તકે મુખ્યમંત્રીશ્રીનું સંતો-મહંતો, પદાધિકારીઓ, અગ્રણીઓ, વિવિધ સમાજની સંસ્થાઓ દ્વારા ભાવભર્યું સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે ગૌસંવર્ધન અને પશુપાલન રાજયમંત્રીશ્રી દેવાભાઇ માલમ, પૂર્વ કેબીનેટ મંત્રી અને માણાવદરના ધારાસભ્યશ્રી જવાહરભઇ ચાવડા, સંગઠન પ્રભારીશ્રી ચંદ્રશેખરભાઇ દવે, ડેપ્યુટી મેયરશ્રી, હિમાંશુભાઇ પંડ્યા, સ્ટેન્ડીગ કમીટીના ચેરમેનશ્રી રાકેશભાઇ ધુલેશિયા, પૂર્વ ધારાસભ્યશ્રી મહેન્દ્રભાઇ મશરૂ, પ્રદીપભાઇ ખીમાણી, ડોલરભાઇ કોટેચા, સંજયભાઇ કોરડિયા, શશીકાંતભાઇ ભીમાણી, ગીરીશભાઇ કોટેચા, જયોતીબેન વાછાણી, પૂર્વ મેયરશ્રી આદ્યાશકિતબેન મજમુદાર,ભરતભાઇ શીંગાળા, નટુભાઇ પટોળિયા, ધરમણભાઇ ડાંગર, નીરૂબેન કાંબલિયા, પલ્લવીબેન ઠાકર, સંજયભાઇ મણવર,શૈલેષભાઇ રાવલ, પૂજય શેરનાથ બાપુ, ચાંપરડાના મહંતશ્રી મુકતાનંદ બાપુ, પૂજય હરિહરાનંદ બાપુ, કોઠારી સ્વામી સહિતના સંતો મહંતો ઉપસ્થિત રહ્યા હતા.ઙ્ગ

આ પ્રસંગે મુખ્યમંત્રીએ ભગવાનશ્રી સ્વામીનારાયણ, શ્રી ગુણાતીતાનંદ સ્વામીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. તેમજ શ્રી નીલકંઠીવર્ણી મહારાજને શ્રધ્ધાપૂર્વક જલાભિષેક કરી સંતોના આશીર્વાદ મેળવ્યા હતા.ઙ્ગમુખ્યમંત્રીશ્રી બન્યા બાદ જૂનાગઢની પ્રથમ મુલાકાત હોય સ્નેહમીલન પૂર્વે બાયક રેલી સાથે ભાજપ કાર્યકરો દ્વારા મુખ્યમંત્રીશ્રીનું સ્વાગત કરાયુ હતુ.

(12:55 pm IST)