Gujarati News

Gujarati News

News of Monday, 17th January 2022

જામકંડોરણા પંથકમાં ખેડૂતોની હાલત દયનિય : ટમેટાના પુરા ભાવ નહિ મળતા ફેંકી દેવા મજબુર

કિલો ટામેટાનો અંદાજિત ઉત્પાદન ખર્ચ 9 -10 રૂપિયા છે જેની સામે બજાર ભાવ માત્ર ત્રણથી પાંચ રૂપિયા જ મળે

રાજકોટ જિલ્લાના જામકંડોરણા તાલુકાના ટામેટાની ખેતી કરતા ખેડૂતોની હાલત દયનીય થઇ છે. ખેડૂતો ટામેટાનું વાવેતર ડીપ ઇરીગેશનથી કરે છે. આ અગાઉ ચોમાસાની સિઝનમાં અતિ વરસાદને કારણે પાક નિષ્ફળ ગયો હતો. જ્યારે ચાલુ સિઝનમાં પાક સારો થયો છે તો ભાવ ન મળતા ખેડૂતોની હાલત કફોડી થઇ છે

 ખેડૂતોના કહેવા મુજબ એક વીઘામાં ટામેટાનું વાવેતર કરવા માટે અંદાજિત 7 – 8 હજાર રૂપિયાનો ખર્ચ થાય છે. જ્યારે પાક તૈયાર થતા ત્રણ માસનો સમય લાગે છે. 1 કિલો ટામેટાનો અંદાજિત ઉત્પાદન ખર્ચ 9 -10 રૂપિયા છે જેની સામે બજાર ભાવ માત્ર ત્રણથી પાંચ રૂપિયા જ મળે છે. ત્યારે ખેડૂતોને પાક ફેંકી દેવાનો વારો આવ્યો છે. ગુજરાતના અનેક જિલ્લામાં ટામેટાના વધતા ઉત્પાદનને લઇને આ સ્થિતિ ઉભી થઇ છે.

જેમાં ખેડૂતોને પાકને બજારમાં લઇ જવાના ખર્ચ કરતાં પણ ઓછા નાણાં મળતા ખેડૂતોને ના છૂટકે પાકને ફેંકી દેવાનો કે ઢોરને ખવડાવી દેવાનો વારો આવે છે.

(9:00 pm IST)