Gujarati News

Gujarati News

News of Monday, 17th January 2022

વાંકાનેર નજીક શ્રીરામધામ નિર્માણ કાર્ય અંતર્ગત પૂ. હરીચરણદાસજી મહારાજની અધ્યક્ષતામાં રામ મહાયજ્ઞ યોજાશે

જીતુભાઇ સોમાણીની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં નિર્ણય

(હીતેશ રાચ્છ દ્વારા) વાંકાનેર, તા.,૧૭:  વાંકાનેરમાં શ્રી લોહાણા મહાજનવાડી ખાતે જીતુભાઇ સોમાણીના અધ્યક્ષ સ્થાને મીટીંગ મળી હતી.

આગામી ૧૦-૧૧-૧ર ફેબ્રુઆરીના રોજ રામ મહાયજ્ઞ પૂજય ગુરૂદેવશ્રી હરીચરણદાસજી મહારાજશ્રીના  પાવન અધ્યક્ષતામાં યોજાશે. જે રામ મહાયજ્ઞનું ભવ્ય આયોજન રામધામ ખાતે થયેલ હોય સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છ-ગુજરાત-મહારાષ્ટ્ર સહીત આ પત્રિકા મોકલવાની રહેશે. જેની જુદી જુદી ટીમ દરેક ગામોમાં જઇને આમંત્રણ પડશે. રસોડાની સુંદર વ્યવસ્થા કરવામાં આવશે. વાંકાનેર રઘુવંશી સમાજની ટેક છે. સહુ જ્ઞાતિજનો ધ્યાન દેજો આ ત્રણ દિવસના યજ્ઞમાં પંચકુંડી યજ્ઞમાં રામ મહાયજ્ઞનો લાભ લેવો હોય તો લઇ શકો છો.

આ પ્રસંગે જીતુભાઇ સોમાણીએ જણાવ્યું કે જય જય રઘુવીરના બુલંદના નાદથી કહેલ રામધામ બનશે. એ એક ઐતિહાસીક રામધામ બનશે અને અમે તો એવું ઇચ્છી કે અહીંયા હરીહર પણ ચાલુ રહે. પછીની યોજનામાં ગૌશાળા-હોસ્પીટલ-શિક્ષણ ક્ષેત્ર, પૂ.જલારામ બાપા હોય ત્યા રોટલો તો હોય જ બાપ, કદાચ ગીનીશ બુકમાં પણ રામધામનું નામ લખાય તો નવાઇ નહી...જયાં આપણા આરાધ્ય દેવ શ્રી વિરદાદા જશરાજજી, પૂ. સંત શિરોમણી શ્રી જલારામ બાપા અને શ્રી રામ દરબાર બીરાજશે.

આ પ્રસંગે ગીરીશભાઇ ઘેલાણીએ કહેલ કે રામધામ માટેની તૈયારી અને આ વાંકાનેર રઘુવંશી સમાજનું ગૌરવ છે.

વધુમાં શ્રી જીતુભાઇ સોમાણીએ કહેલ કે રામધામના નિર્માણ માટે સમગ્ર વિશ્વમાંથી રઘુવંશીઓ પાસે જ ફાળો લેવામાં આવશે. વિશ્વમાં વસતા રઘુવંશી સમાજ પાસે લેવાના છીએ. આપે ઇ કોઇ દિવસ ખુટે નહી, જેટલુ દેશો એનાથી વધારે આવી જાય જ છે, દેવાવાળો આપણો રામધણી છે.

૧૦-૧૧-૧૨ ફેબ્રુઆરીના રામ મહાયજ્ઞમાં મહાપ્રસાદ પણ ચાલુ રહેશે. જલારામ બાપા રોટલો ખવડાવતા મારૂ તો એવુ સપનું છે કે દરરોજ હજારો ભાવીકો પ્રસાદ લ્યે દેવાવાળા તો દેવાના જ છે એમ જીતુભાઇ સોમાણીએ કહેલ હતું.

પ.પૂ. ગુરૂદેવ શ્રી હરીચરણદાસજી મહારાજ શ્રીની તબીયત જલ્દી સારી થઇ જાય એ માટે વાંકાનેર લોહાણા મહાજનવાડી ખાતે સમુહમાં સૌએ શ્રી હનુમાન ચાલીસાના પાઠ કરેલા હતા. આ પ્રસંગને અનુરૂપ શ્રી વિનુભાઇ કટારીયા, શ્રી બટુભાઇ બુધ્ધદેવે પ્રાસંગીક પ્રવચન-કાર્યક્રમની રૂપરેખા આપેલ હતી.

વાંકાનેર લોહાણા મહાજનના પ્રમુખ કાકુભાઇ મોદી-ગીરીશભાઇ ધેધાણી (મોરબી મહાજન પ્રમુખશ્રી) અરવિંદભાઇ કોટક (મોરબી), જગદીશભાઇ સેતા (મોરબી), રમેશભાઇ (જલારામ) વાંકાનેર, સુબા સાહેબ વાંકાનેર, પુજારા સાહેબ વાંકાનેર, ગીરીશભાઇ કાનાબાર વાંકાનેર, જીજ્ઞેશભાઇ કાનાબાર, દિપક સંઘાણી, વિનુભાઇ કંટારીયા, બટુકભાઇ બુધ્ધદેવ, રાજકોટથી હસુભાઇ ભગદેવ, પરેશભાઇ વિઠલાણી, પ્રતાપભાઇ કોટક, શાંતુભાઇ રૂપારેલીયા, હસુભાઇ ચંદારાણા, મેહુલ નથવાણી, જતીનભાઇ દક્ષીણી, રાજુભાઇ રાજવીર, રસીકભાઇ ભીંડોરા સહીતના ઉપસ્થિત રહયા હતા.

(11:41 am IST)