Gujarati News

Gujarati News

News of Monday, 17th January 2022

દ્વારકાધીશ જગતમંદિરની સાથો-સાથ બેટ દ્વારકા, હનુમાન દાંડી મંદિરે પણ ભાવિકોને પ્રવેશ બંધ

(વિનુભાઇ સામાણી દ્વારા) દ્વારકા,તા. ૧૭ : હાલના સમયમાં કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યા છે જે ધ્યાનમાં લઇ તા. ૧૭ થી તારી ૨૩ સુધી જગત મંદિર બંધ રાખવા નિર્ણય કરવામાં આવેલ છે. જગત મંદિરમાં પુજારી પરિવાર દ્વારા પારંપારીક નિત્યક્રમ કરવામાં આવશે. જે દર્શનનો લાભ સંસ્થાની વેબસાઇટ www.dwarkadhish.orgમાં લાઇવ નીહાળી શકાશે. તેમ વહીવટદાર શ્રી દ્વારકાધીશ મંદિર (દ્વારકા)એ જણાવ્યું છે.

ખંભાળિયા

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળિયાઃ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કોરોનાનું સંક્રમણ દિવસે દિવસે વધી રહ્યુ છે. હાલ જિલ્લામાં એકિટવ કેસની સંખ્યાએ બેવડી સદી ફટકારી છે. મહત્વની બાબત તો એ છે કે અહીંના સુવિખ્યાત યાત્રાધામ દ્વારકા તાલુકામાં જ સૌથી વધુ અને પડકારરૂપ નવા કેસો નોંધાઇ રહ્યા છે. હાલની પરિસ્થિતીને ધ્યાને લઇ અને મંદિર તંત્ર તથા સરકારી તંત્ર દ્વારા દ્વારકાના જગતમંદિર, બેટ દ્વારકા તથા હનુમાન દાંડીના મંદિરોમાં ભાવિકો માટે એક સપ્તાહ સુધી દર્શન બંધ રાખવામાં આવ્યા છે.

આ સાથે દ્વારકા તાલુકામાં આવેલા જાણીતા બેટ દ્વારકા તેમજ હનુમાન દાંડી ખાતે પણ તારીખ ૧૭ તથા ૨૩મી જાન્યુઆરી સુધી દર્શનાર્થીઓ માટે સંપૂર્ણપણે દર્શન બંધ રહેનાર છે. જો કે આ મંદિરોમાં વ્યવસ્થાપક તેમજ સરકારી અધિકારીઓ તેમની ફરજ બજાવી શકશે.

પૂર્ણિમાનો મહત્વનો દિવસ છે અને મોટી સંખ્યામાં ભકતો પૂનમ નિમિતે દ્વારકા ખાતે દર્શનાર્થે જાય છે. ત્યારે તંત્ર દ્વારા સાવચેતીના પગલારૂપે અને સંક્રમણ ન ફેલાય તે માટે લેવામાં આવેલા નિર્ણય વચ્ચે હાલ એક સપ્તાહ સુધી ભકતો કાળીયા ઠાકોર તથા બેટ દ્વારકા ખાતે હનુમાનજીના દર્શનથી વિમુખ રહ્યા છે.

(12:13 pm IST)