Gujarati News

Gujarati News

News of Monday, 17th January 2022

રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની કર્મભૂમિ રાણપુર ખાતે 'મેઘાણી-તકતી'ની સ્થાપના

ગુજરાત રાજયના પૂર્વ મંત્રી ભુપેન્દ્રસિંહજી ચુડાસમા, દસક્રોઈના ધારાસભ્ય બાબુભાઈ જમનાદાસ પટેલ, બોટાદ જિલ્લા વિકાસ અધિકારી લલિત નારાયણ સિંઘ સાંદુ (આઈએએસ), ઝવેરચંદ મેઘાણીના પૌત્ર પિનાકી મેઘાણી, લોકગાયક અભેસિંહ રાઠોડની વિશેષ ઉપસ્થિતિ

રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની કર્મભૂમિ રાણપુર સ્થિત પોલીસ સ્ટેશનની સામે આવેલ મેઘાણી-પ્રતિમાની આગળ મેઘાણી-તકતીની સ્થાપના કરવામાં આવી છે. ૪.૫ * ૩.૫ ફૂટની કાળા ગ્રેનાઈટ અને સોનેરી અક્ષરોવાળી કલાત્મક તકતીમાં ઝવેરચંદ મેઘાણીનું રેખાચિત્ર, હસ્તાક્ષર અને ઈતિહાસનું આલેખન કરવામાં આવ્યું છે. આઝાદી કા અમૃત મહોત્સવ તથા રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની ૧૨૫મી જન્મજયંતી વર્ષ અંતર્ગત આનું સવિશેષ મહત્વ છે.

ગુજરાત રાજયના પૂર્વ મંત્રી ભુપેન્દ્રસિંહજી ચુડાસમા, દસક્રોઈના ધારાસભ્ય અને શ્રી ઉમિયા માતાજી સંસ્થાન – ઉંઝાના પ્રમુખ બાબુભાઈ જમનાદાસ પટેલ, બોટાદ જિલ્લા વિકાસ અધિકારી લલિત નારાયણ સિંઘ સાંદુ (આઈએએસ), ઝવેરચંદ મેઘાણીના પૌત્ર અને ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાનના સ્થાપક પિનાકી નાનકભાઈ મેઘાણી, લોકગાયક અભેસિંહ રાઠોડ,   નવા સરપંચ ગોસુભા પરમાર, ભાલ નળકાંઠા પ્રાયોગિક સંઘ (મુનિશ્રી સંતબાલજી આશ્રમ)ના પ્રમુખ અને ખેડૂત-સહકારી આગેવાન દાજીભાઈ ફલજીભાઈ ડાભી, ભાલ નળકાંઠા ખાદી ગ્રામોદ્યોગ મંડળ અને ભારત સરકારના ખાદી અને ગ્રામોદ્યોગ આયોગ (કે.વી.આઈ.સી.)ની સેન્ટ્રલ ખાદી માર્ક કમિટીના ચેરમેન ગોવિંદસંગ ડાભી, સહકારી ક્ષેત્રના અગ્રણીઓ મનુભાઈ ચાવડા (રાજા) અને ગગુભાઈ ગોહિલ, અગ્રણી નરેન્દ્રભાઈ દવે, રાણપુર સાર્વજનિક એજયુકેશન સોસાયટીના પ્રમુખ મુકુંદભાઈ વઢવાણા, સભ્યો પ્રકાશભાઈ સોની અને વામનભાઈ સોલંકી, અનિરુદ્ઘસિંહ ગોહિલ, રમેશભાઈ બદ્રરેશિયા, હરદેવસિંહ રાણા, ચોટીલા એજયુકેશન એન્ડ ચેરિટી ટ્રસ્ટના મહિપતસિંહ વાઘેલા, ઉગ્રસેનસિંહ ગોહિલ, ભરતસિંહ ડાભી, લલિતભાઈ વ્યાસ, જ્ઞાનદેવસિંહ રાઠોડની મેઘાણી-તકતીના અનાવરણ પ્રસંગે વિશેષ ઉપસ્થિતિ રહી હતી.મેઘાણી-તકતીની પરિકલ્પના અને આલેખન પિનાકી મેઘાણીનું છે. મેઘાણી-તકતીની સ્થાપના માટે જતીનભાઈ મનુભાઈ શેઠ (સૌરાષ્ટ્રના સિંહ અમૃતલાલ શેઠના પૌત્ર), ગોવિંદસંગ દાજીભાઈ ડાભી (ભાલ નળકાંઠા ખાદી ગ્રામોદ્યોગ મંડળ), મુકુંદભાઈ લાલજીભાઈ વઢવાણા (લાલજીભાઈ છોટાલાલ વઢવાણા પરિવાર), નરેન્દ્રભાઈ બળદેવભાઈ દવે (ગણપતરામ વૃજલાલ દવે - શર્માજી પરિવાર)નો લાગણીભર્યો સહયોગ પ્રાપ્ત થયો છે. ગુજરાતના તત્કાલીન મુખ્ય મંત્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે તા. ૨૩-૦૯-૨૦૧૨ના રોજ અનાવરણ પામેલી પૂર્ણ કદની મનોરમ્ય મેઘાણી-પ્રતિમાનું નિર્માણ સ્વ. મગનભાઈ કુંવરજીભાઈ પરબડીયાની પુણ્યસ્મૃતિમાં સ્વ. પુરીબેન મગનભાઈ પરબડીયા અને હરજીવનભાઈ મગનભાઈ પરબડીયા (વડોદરા શહેરના પૂર્વ ડેપ્યુટી મેયર) દ્વારા થયું હતું.

ક્રાંતિકારી લોકસંત જૈન મુનિશ્રી સંતબાલજી પ્રેરિત આર્થિક-સામાજિક વંચિત સમાજની બહેનોને સ્વરોજગારી પૂરી પાડતી ગુજરાતની એકમાત્ર ઊની ખાદી સંસ્થા ભાલ નળકાંઠા ખાદી ગ્રામોદ્યોગ મંડળની મુલાકાત પણ ઉપસ્થિત મહેમાનોએ લીધી હતી. ભૂપેન્દ્રસિંહજી ચુડાસમા તથા બાબુભાઈ જમનાદાસ પટેલનું શાલથી અભિવાદન છેલ્લા ૪૦ વર્ષથી ખાદી-રચનાત્મક ક્ષેત્રે કાર્યરત આ સંસ્થાના સેવાભાવી ચેરમેન ગોવિંદસંગ ડાભીએ કર્યું હતુ. સહકારી ક્ષેત્રોના આગેવાન દાજીભાઈ ડાભી અને મનુભાઈ ચાવડા (રાજા)નું સન્માન પણ પૂર્વ મંત્રી ભુપેન્દ્રસિંહજી ચુડાસમાના હસ્તે કરવામાં આવ્યું હતું.કર્મભૂમિ રાણપુર સાથે રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીના અનેક લાગણીસભર સંભારણાં છે. સૌરાષ્ટ્રના સિંહ અમૃતલાલ શેઠનું નિમંત્રણ સ્વીકારીને ૧૯૨૨માં ઝવેરચંદ મેઘાણી સૌરાષ્ટ્રના તંત્રી મંડળમાં જોડાયા. જીવનના ૨૩-૨૩ વર્ષ સુધી સૌરાષ્ટ્ર, ફૂલછાબ, જન્મભૂમિ સાથે સંનિષ્ઠ, નીડર પત્રકાર તરીકે કાર્યરત રહ્યા. રહેઠાણ બોટાદ અને કાર્યસ્થળ રાણપુર વચ્ચે દરરોજ ટ્રેન દ્વારા નિયમિતપણે આવ-જા કરતા. ૧૯૨૨માં પ્રગટ થયેલ પ્રથમ કૃતિ કુરબાનીની કથાઓ સહિત એમનાં અનેક પુસ્તકોનું સર્જન અહીં થયું હતું. ૧૯૨૫ના એપ્રિલ માસમાં મહાત્મા ગાંધી રાણપુર આવેલા ત્યારે ઝવેરચંદ મેઘાણીની ગાંધીજી સાથેની સહુપ્રથમ મુલાકાત અહીં થઈ હતી. રાણપુર સુધરાઈએ ગાંધીજીને માનપત્ર અર્પણ કરેલું. સૌરાષ્ટ્ર-ફૂલછાબ કાર્યાલયમાં ગાંધીજીનો ત્યારે ઉતારો હતો. સ્વાતંત્ર્ય-સંગ્રામમાં રાણપુરનો અનન્ય સિંહફાળો રહ્યો હતો. ધોલેરા સત્યાગ્રહનું કેન્દ્ર-બિંદુ તેમજ ઝવેરચંદ મેઘાણી રચિત સિંધુડોનાં ૧૫ શૌર્ય, દેશપ્રેમનાં ગીતોની રચના અહિ થઈ હતી. આઝાદીની મંત્રણા માટે બીજી ગોળમેજી પરિષદ માટે ઈંગ્લેન્ડ જઈ રહેલા મહાત્મા ગાંધીની મનોવ્યથાનું સચોટ નિરૂપણ કરતા કાવ્ય છેલ્લો કટોરોની રચના ૨૭ ઓગસ્ટ ૧૯૩૧ના રોજ ઝવેરચંદ મેઘાણીએ અહિ કરી હતી અને રાષ્ટ્રીય શાયરનું ગૌરવભર્યું બિરૂદ ગાંધીજી પાસેથી પામ્યા. (૨૧.૧૫)

આલેખન : પિનાકી નાનકભાઈ મેઘાણી

ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાન  (મો. ૯૮૨૫૦ ૨૧૨૭૯)

(12:13 pm IST)