Gujarati News

Gujarati News

News of Monday, 17th January 2022

આરંભડાના તરૂણનું અપહરણ

જામખંભાળીયા,તા.૧૭ : ઓખા મંડળના મીઠાપુર તાબેના આરંભડા સીમ વિસ્તારમાં રહેતા ભાવેશ ગોવિંદભાઈ રાઠોડ નામના ૧૭ વર્ષના એક તરૂણને ગત તારીખ ૧૩ ના રોજ કોઈ શખ્સ લલચાવી, ફોસલાવીને વાલીપણામાંથી અપહરણ કરીને લઈ ગયો હોવાની ધોરણસર ફરિયાદ મીઠાપુર પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે.

઼આ બનાવ અંગે સ્થાનિક પી.આઈ. જી.આર. ગઢવીએ તરુણના માતા સતવારા જશોદાબેન ગોવિંદભાઈ નારણભાઈ રાઠોડ (ઉ.વ. ૪૨) ની ફરિયાદ પરથી આઈ.પી.સી. કલમ ૩૬૩ મુજબ ગુનો નોંધી, ધોરણસર તપાસ હાથ ધરી છે.

ઓખાના દરિયામાં માછીમાર યુવાનનું અપમૃત્યુ

ઓખાથી આશરે ૧૦ નોટીકલ માઈલ દુર મધદરિયે એક બોટમાં માછીમારી કરી રહેલા મૂળ ઉત્તર પ્રદેશના મુરિયા હિંમતપુરના રહીશ એવા કલ્લુભાઈ નામના ૩૮ વર્ષના માછીમાર યુવાનને સાંજના સમયે છાતીમાં દુખાવો ઉપડતાં હાર્ટ એટેકના કારણે તેમનું મૃત્યુ નીપજ્યું હોવાની જાણ વિઠ્ઠલભાઈ રવજીભાઈ ટંડેલે ઓખા મરીન પોલીસને કરી છે.

  બાટલી સાથે ભાણવડનો શખ્સ ઝડપાયો : સપ્લાયરની શોધખોળ

ભાણવડ તાલુકાના શિવા ગામે રહેતા ભીમસી મેરામણભાઈ રાવલીયા નામના ૪૦ વર્ષના યુવાનને પોલીસે રૂપિયા ૯,૬૦૦ ની કિંમતની ૨૪ બોટલ વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપી લીધો હતો. દારૂનો આ જથ્થો તેણે ભાણવડ તાલુકાના કલ્યાણપર ગામના કમલેશ જેતાભાઈ ભારવાડીયા નામના શખ્સ પાસેથી લીધો હોવાનું કબુલતા પોલીસે ભીમસી રાવલિયાની પ્રોહીબીશન એકટ મુજબ અટકાયત કરી, કમલેશ ભારવાડીયાની શોધખોળ હાથ ધરી છે.

દ્વારકામાંથી પીધેલો બાઈક ચાલક ઝબ્બે

દ્વારકાની મધ્યમાં આવેલી મંદિર સુરક્ષા કચેરી પાસેથી ભર બપોરે દારૂ પીને નીકળેલા ગોરીંજા ગામના ગુમાનભા ભૂટાભા માણેક નામના ૨૨ વર્ષના હિન્દુ વાઘેર શખ્સને પોલીસે ડિલક્ષ મોટરસાયકલ સાથે ઝડપી લઇ, તેની સામે એમ.વી. એકટની કલમ ૧૮૫ મુજબ ગુનો નોંધ્યો હતો.

(1:02 pm IST)