Gujarati News

Gujarati News

News of Monday, 17th January 2022

૧૦ વર્ષથી છેતરપીંડી આચરતો હડમતીયાગીરનો પટેલ ઝડપાયો : અનેક ગુન્હાઓનો ભેદ ખુલ્યો

મેંદરડા,તા. ૧૭ :  લોહાણા મહાજન વાડી પાસે રહેતા અને અનાજ મગફળી જેવી પેદાશો વહેંચવાનો ધંધો કરતા વેપારી એવા ફરિયાદી પ્રતિકભાઈ સવજીભાઈ હિરપરા પટેલ ઉવ. ૩૫ એ ગુજરાત ઇન્ડસ્ટ્રીઝ પેઢી અમદાવાદના રાજેશભાઇ કોઠારી તથા કેપિટલ એન્ટરપ્રાઇઝ પેઢીના દીપકભાઈ ઉર્ફ દિલીપભાઈ વલ્લભભાઈ કાળસરિયા પટેલ રહે. હડમતીયા ગીર તા. તાલાલા સહિતના આરોપીઓએ નવેક મહિના પહેલા વિશ્વાસમાં લઈ, અલગ અલગ સમયે ઘઉંની ખરીદી કરી, ઘઉંના નીકળતા રૂ. ૧૩,૬૧,૯૫૨/- વાયદાઓ કરી, નહીં આપી, વિશ્વાઘાત છેતરપિંડી કરવામાં આવતા, ફરિયાદી પ્રતીક સવજીભાઈ હિરપરાએ મેંદરડા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ કરવામાં આવતા, મેંદરડા પોલીસ સ્ટેશન ખાતે વિશ્વાસઘાત છેતરપિંડીનો ગુન્હો નોંધી, પી.એસ.આઇ. કે.એમ.મોરી તેમજ સ્ટાફ દ્વારા તપાસ હાથ ધરવામાં આવેલ હતી.

 ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ મેંદરડા પોલીસ સ્ટેશનના પીએસઆઇ કે.એમ.મોરી, ક્રાઇમ બ્રાન્ચના પીઆઇ એચ.આઈ.ભાટી, પીએસઆઇ ડી.જી.બડવા, સ્ટાફના હે.કો. સાહિલભાઈ શમાં, વિક્રમભાઈ, ડાયાભાઇ, યશપાલસિંહ, સહિતની ટીમ દ્વારા ફરિયાદીની રજુઆત બાદ તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી, ટેક્નિકલ સોર્સ દ્વારા માહિતી મેળવી, આ ગુન્હામાં સંડોવાયેલ આરોપી બાબતે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી, આરોપીનું પગેરું દબાવી, દરમિયાન પોલીસ ટીમને મળેલ બાતમી આધારે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી, પોલીસની સતર્કતાના કારણે ગાંધીધામ કચ્છ ખાતેથી ગણતરીના કલાકોમાં આરોપી દીપકભાઈ ઉર્ફ દિલીપભાઈ વલ્લભભાઈ કાળસરિયા પટેલ રહે. હડમતીયા ગીર તા. તાલાલા હાલ રહે. અમદાવાર્દં ને ગાંધીધામ કચ્છ વિસ્તારમાંથી પકડી પાડી, પૂછપરછ કરવામાં આવતા, પહેલા તો, પોતે કોઈ ગુન્હો નહીં કરેલાનું રટણ ચાલુ રાખેલ હતું. પરંતુ, પોલીસ ટીમ દ્વારા સઘન પૂછપરછ કરતા, પોતે વિશ્વાસઘાત છેતરપિંડીનો ગુન્હો કરેલાની કબૂલાત કરવામાં આવતા, ધરપકડ કરવામાં આવેલ હતી.

પકડાયેલ આરોપી દીપકભાઈ ઉર્ફ દિલીપભાઈ વલ્લભભાઈ કાળસરિયા પટેલ રહે. હડમતીયા ગીર તા. તાલાલા હાલ રહે. અમદાવાદ, ભૂતકાળમાં સને ૨૦૧૨ થી આજદિન સુધી અમદાવાદ, રાજકોટ, ગોંડલ, મોરબી, ટંકારા, જૂનાગઢ, સહિતની કોર્ટમાં નેગોશિયબલ ઇન્સ્ટ્રુમેન્ટ એકટ ૧૩૮ની ૧૬ જેટલી ફરિયાદો દાખલ થયેલ છે તેમજ સુરત શહેર કામરેજ પોલીસ સ્ટેશનમાં ઇપીકો કલમ ૩૦૬ મુજબના ગુન્હામાં, જૂનાગઢ જિલ્લાના બીલખા પોલીસ સ્ટેશન ખાતે વિદેશી દારૂના ગુન્હામાં, વસ્ત્રાપુર અમદાવાદ શહેર અને મોરબીના ટંકારા પોલીસ સ્ટેશન ખાતે પણ છેતરપિંડીના ગુન્હાઓમાં પકડાયેલ છે.

પકડાયેલ આરોપી દિલીપભાઈ વલ્લભભાઈ પટેલ કેપિટલ એન્ટરપ્રાઇઝ નામની પેઢી ચલાવી, ગુજરાત ઇન્ડસ્ટ્રીઝ અને શ્રીનાથ ટ્રેડિંગ જેવી પેઢીઓને હાયર કરી, ભાડું અને કમિશન ચુકવવાની લાલચ આપી, જુદા જુદા શહેરો અને ગામોમાંથી ઘઉં, ધાણા, જેવી જણસો ખરીદ કરી, નાના વેપારી અને ખેડૂતો ને માલના રૂપિયા વાયદાઓ કરી, પરત નહીં આપી અથવા ચેક આપી, છેતરપિંડી વિશ્વાસઘાત કરવાના ગુન્હાઓ આચારવાની મોડ્સ ઓપરેન્ડી ધરાવે છે. પકડાયેલ આરોપી દિલીપભાઈ વલ્લભભાઈ કાલસરિયા પટેલ છેલ્લા ૧૦ વર્ષથી આ પ્રકારની મોડ્સ ઓપરેન્ડિથી  ગુન્હાઓ આચરે છે.

પકડાયેલ આરોપી બીજા કોઈ ગુન્હાઓમાં સંડોવાયેલ છે કે કેમ..? કોઈ ગુન્હાઓમાં વોન્ટેડ છે કે કેમ..? આ ગુન્હામાં બીજા કોણ કોણ આરોપીઓ સંડોવાયેલ છે..? વિગેરે બાબતે પૂછપરછ કરી, મેંદરડા કોર્ટ મા રજુ કરી, ત્રણ દિવસના પોલીસ રિમાન્ડ મંજુર કરતા, વધુ તપાસ મેંદરડા પોલીસ સ્ટેશનના પીએસઆઇ કે.એમ.મોરી તથા સ્ટાફ દ્વારા હાથ ધરવામાં આવેલ છે.

(12:15 pm IST)