Gujarati News

Gujarati News

News of Monday, 17th January 2022

વ્યાજખોરોની પઠાણી ઉઘરાણી - ધમકીથી મોરબીના મહેન્દ્રનગરના ઉમેશભાઇ પારેજીયાએ ઝેરી દવા પી લીધી

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી તા. ૧૭ : મોરબી જીલ્લામાં ફરી વ્યાજખોરોનો ત્રાસ સામે આવ્યો છે જેમાં મોરબીના જુના ધુટુ રોડ પર યુવાને તથા તેના પરિવારને ફોન કરી પૈસાની ઉઘરાણી કરી યુવાનને જાનથી મારી નાખવાની ધમકી આપી યુવાનને લાગી આવતા જીરામાં છાટવાની દવા પી લીધી હોવાની ફરિયાદ મોરબી તાલુકા પોલીસમાં નોંધાઈ છે

મળતી માહિતી મુજબ મોરબીના મહેન્દ્રનગર ગામે રહેતા અને મૂળ હળવદના કણબીપરાના વતની ઉમેશભાઈ નરશીભાઈ પારેજીયા (ઉ.૩૩) એ મોરબી તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે આરોપી ભાવેશભાઈ મહેતા રહે-રવાપર રોડ, અર્જુનભાઈ આહીર રહે-કુબેરનગર સોસાયટી મોરબી, આશિષભાઈ આહીર રહે-મહેદ્રનગર અને સોહિલભાઈ સુમરા રહે-પંચાસર રોડ પાસેથી અલગ અલગ રૂપિયા ફરિયાદી ઉમેશભાઈ પારેજીયાએ અલગ અલગ ટકા વ્યાકે લીધેલ હોય જે રૂપિયા ફરિયાદી ઉમેશભાઈ પારેજીયાએ આપી દીધેલ હોય તેમ છતાં અવાર નવાર ફરિયાદી ઉમેશભાઈને તથા તેના ભાઈને અને પિતાને ફોન કરી ઉઘરાણી કરી તથા રૂબરૂ બળજબરીથી મુદલ તથા વ્યાજના રકમની પઠાણી ઉઘરાણી કરી ફરિયાદી ઉમેશભાઈને જાનથી મારી નાખવાની ધમકી આપી હોય તથા તેના ભાઈને આરોપી આશિષભાઈ આહીર અને સોહિલભાઈ સુમરાએ જાનથી મારી નાખવાની ધમકી આપી હોય જેથી ફરિયાદી ઉમેશભાઈને લાગી આવતા જાતે જીરામાં છાટવાની દવા પી લીધી હોવાની ફરિયાદ નોંધાવી છે તો મોરબી તાલુકા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

(12:49 pm IST)