Gujarati News

Gujarati News

News of Monday, 17th January 2022

જામનગર પાલિકાના વિપક્ષી નેતાની વરણી કરાઈ

જામનગર, તા. ૧૭ :  મહાનગરપાલિકામાં વિરોધ પક્ષના નેતા પદે દલિત નેતા આનંદ રાઠોડ અને આવનારી ટર્મ માટે ધવલ નંદાની વરણી કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, છેલ્લા ઘણા સમયથી વિરોધ પક્ષ નું પદ ખાલી હતું. કોંગ્રેસના શહેર પ્રમુખ દિગુભા જાડેજા એ આ વર્ષ માટે સૌપ્રથમ વિપક્ષી નેતા તરીકે આનંદ રાઠોડ ના નામની જાહેરાત કરી હતી.

આનંદ રાઠોડ આ વખતે વોર્ડ નંબર ૧૫માંથી જંગી બહુમતીથી ચૂંટાઈ આવ્યા છે. છેલ્લા ત્રણ ટર્મથી કોંગ્રેસમાંથી ચૂંટાઈ આવતા આનંદ રાઠોડને વિપક્ષી નેતા બનાવવામાં આવ્યા હતા. આ પ્રસંગે મોટી સંખ્યામાં આનંદ રાઠોડના સમર્થકો જામનગર મહાનગર પાલિકા કચેરી ખાતે ઉમટ્યા હતા અને અહીં ફટાકડા ફોડી અને ઉજવણી કરવામાં આવી છે.

એક વર્ષ માટે આનંદ રાઠોડ ની જાહેરાત કરવામાં આવી છે તો બીજા વર્ષ માટે કોર્પોરેટર ધવલ નંદાની વિપક્ષી નેતા તરીકે કોંગ્રેસના મોવડી મંડળ દ્વારા બંધ કવરમાં નામો મોકલવામાં આવ્યા હતા. જામનગર શહેર કોંગ્રેસ પ્રમુખ દિગુભા જાડેજા એ મહાનગરપાલિકામાં વિરોધ પક્ષની ઓફિસમાં બંને નામોની જાહેરાત કરી હતી અને ઉપનેતા તેમજ દંડકની પણ આ તકે જાહેરાત કરાઇ હતી. આ પ્રસંગે પૂર્વ વિરોધપક્ષના નેતા અલ્તાફ ખફી તેમજ કોંગ્રેસના કાર્યકર્તાઓ મહાનગરપાલિકા ખાતે ઉમટ્યા હતા અને આનંદ રાઠોડ ના નામની વિધિવત રીતે જાહેરાત કરવામાં આવતા શુભેચ્છકોએ આ વરણી ને આવકારી નવા નેતાનું સ્વાગત અને સન્માન પણ કરાયું હતું. (તસ્વીરો : કિંજલ કારસરીયા)

(1:19 pm IST)