Gujarati News

Gujarati News

News of Saturday, 17th April 2021

૩૦૦ કરોડના ચરસ પ્રકરણમાં કચ્છ અને પંજાબના શખ્સોના નામો ખુલ્યા

જખૌમાં ઝડપાયેલા ૮ પાકિસ્તાની ડ્રગ્સ કેરિયરો ૧૨ દિવસના રિમાન્ડ

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા. ૧૭ : ભારતીય જળસીમામાં દ્વારકા એસઓજી, ગુજરાત એટીએસ અને કોસ્ટગાર્ડના જોઇન્ટ ઓપરેશનથી ઝડપાયેલા ૩૦૦ કરોડના ડ્રગ્સ પ્રકરણમાં ૮ પાકિસ્તાનીઓને ભુજ કોર્ટમાં રજુ કરાયા હતા.

જિલ્લા મુખ્ય સરકારી વકીલ કલ્પેશ ગોસ્વામીએ આ કેસમાં ધારદાર દલીલો કરતાં જણાવ્યું હતું કે, દેશને નુકસાનકર્તા અને ખાસ કરીને યુવાધનને બરબાદ કરતા આ કારસામાં આરોપીઓને સખત નશ્યતની જરૂરત છે. તે ઉપરાંત કેફિદ્રવ્ય ની ડિલિવરી લેવા આવનાર હાજી નામના ઈસમની જાણકારી મેળવવા, સહિત આરોપીઓ કોઈ આતંકવાદી સંગઠન સાથે સંકળાયેલા છે કે નહિ તે જાણવું જરૂરી હોવાની દલીલો કરી હતી. ખાસ પીપી કલ્પેશ ગોસ્વામીની દલીલો ગ્રાહ્ય રાખીને ભુજ કોર્ટે આરોપીઓના ૧૨ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. હવે ગુજરાત એટીએસ આ પાકિસ્તાની આરોપીઓની તા/૨૮ એપ્રીલ સુધી પૂછપરછ કરશે.

દરમ્યાન ૩૦ કિલો ચરસ પંજાબ મોકલવા માટે કોને ડિલિવરી આપવાની હતી તે અંગે સુરાગ મેળવવા તરફ તપાસનીશ એજન્સીઓએ ધ્યાન કેન્દ્રિત કર્યું છે. જેમાં કચ્છથી પંજાબ સુધીના શખ્સોના નામ સપાટી ઉપર આવ્યા છે. સુત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે હાજી નામના ઈસમને જખૌ ના દરિયામાં ચરસની ડિલિવરી આપવાની હતી.  આ ઉપરાંત પંજાબ સુધી પહોંચાડવાની લિંકમાં કચ્છના માંડવીના શાહીદ સુમરા ઉપરાંત પંજાબ ત્રણ શહેર પૈકી જલંધર ના રેશમસિંઘ કિશનસિંઘ, અભોરના પુનિત ભીમસેન કજાલા તેમ જ રાયપુરના મંજીતસિંઘ બુટાસિંઘના નામો ખુલ્યા છે.

(10:58 am IST)