Gujarati News

Gujarati News

News of Saturday, 17th April 2021

નકસલીઓને પરચો દેખાડવો જરૂરી : પૂ.નિર્મળસ્વામી

બોટાદના રામઢીયાણા-૧ યોગીધામમાં શહિદોને શ્રધ્ધાંજલી

(મનીષ દવે દ્વારા) ભાવનગર તા.૧૭ : નકસલીઓના હૂમલામાં મોટી સંખ્યામાં જવાનો શહીદ થાય એ રાષ્ટ્રીય શરમ છે. પરચો દેખાડવો જરૂરી છે તેમ બોટાદ પાસે સમઢીયાળા-૧ ખાતે સેવાકીય પ્રવૃતિઓથી મધમધતા યોગીધામમાં શહીદોને શ્રધ્ધાંજલી આપ્યા બાદ જ્ઞાનવૃધ્ધ સંત પૂ.નિર્મળ સ્વામીએ જણાવ્યું હતુ.

તેમણે ભારત લશ્કરી તાકાતની ભારોભાર પ્રશંસા કરેલ સાથોસાથ હવે પરચો દેખાડવાની આશા સેવી હતી. સમઢીયાળા-૧ (બોટાદ ભાવનગર) તરફથી ચૈત્રી નવરાત્રી પર્વને અનુલક્ષી પ્રતિ વર્ષની માફક આ વર્ષે ૧૦૦૦ લોકોને પગરખા વિતરણ, સૌરાષ્ટ્રની ગૌશાળામાં ગાયોને લીલો સુકો ઘાસચારો, ગોળ અપાયેલ તેમજ જરૂરિયાતમંદોને વરીયાળી શરબત તેમજ કેરીના બોકસનું વિતરણ કરેલ. રાહત રસોડા જરૂરિયાતમંદોને કિટ વિદ્યાર્થીઓને નોટબુક, સર્વજ્ઞાતી સમુહલગ્નમાં આર્થિક સહયોગ તેમજ પ્રતિમાસે વસઇ (મહારાષ્ટ્ર) દક્ષિણ ગુજરાતના ધરમપુર, વલસાડ, બોપી, સાવરમાળ વગેરે ગ્રામ્ય વિભાગોમાં અનાજ વિતરણ, મકરસંક્રાંતિના બાળકોને લાડુ, પતંગ, શિયાળાના દિવસોમાં ગરમ ધાબળા, અડદીયા, બોર, ગાંઠીયા, આદિવાસી કન્યા સમુહલગ્ન વર્ષમાં આવતા તમામ તહેવારો નિમિતે કપડા, મીઠાઇ અર્પણ કરાય છે.

રોગચાળો હળવો બન્યા બાદ રાજસ્થાનમાં કામદાર સ્ત્રીઓ જેે મરચાની ખેતી તેમજ ગંધક ઠાલવવાનુ કાર્ય કરે છે તેના તંદુરસ્તી સંદર્ભે અસરકારક કાર્ય હાથ ધરાશે. યુગપુરૂષ નિર્મળસ્વામીએ જણાવ્યું કે, સેવાર્થીઓની અજોડ નિષ્ઠાથી મહારાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતની જરૂરિયાતમંદ પ્રજાને તો દર માસે દિવાળી દિવાળી જ છે. કારણ કે અનાજ વિતરણ વેળાએ પ થી રપ કિલોગ્રામ મેળવવા આદિવાસી પ્રજા ૩૦ કીલોમીટર દૂરથી આવે છે એ એમની જરૂરિયાતનું અનાયાસે દર્શન થાય છે. ૨૦૨૧થી જરૂરિયાતમંદ સેવાનો લાભ મેળવતા પરિવાર દીઠ એક વ્યકિતને સંસ્થાએ નકકી કરેલ મુસાફરી ખર્ચ આપવાના શ્રીગણેશ કર્યા છે.

(11:38 am IST)