Gujarati News

Gujarati News

News of Saturday, 17th April 2021

ચોટીલાની જોલી સ્પીનીંગ મીલમાં સાત કરોડની ગાંસડી સળગાવવાના ગુનામાં પકડાયેલ આરોપીનો જામીન પર છુટકારો

રાજકોટ, તા., ૧૭: ચોટીલા મુકામે આવેલ જોલી સ્પીનીગ મીલમા઼ આરોપીએ બદ ઇરાદાથી આર્થીક અને મોટુ નુકશાન કરવાના ઇરાદે કપાસની ગાંસડીના ગોડાઉનમાં આગ લગાડી કપાસની આશરે ૩૨૦૦ થી ૩૫૦૦ જેટલી ગાંસડી કે જેની કિંમત સાત કરોડ રૂ.૭,૦૦,૦૦૦,૦૦ સળગાવી નુકશાન કરી ગુનો કર્યામાં એક બીજાને મદદગારી કરવાના આરોપસર પકડાયેલ રવી રાજવીર યાદવ રહે. યુ.પી.વાળાએ જામીન અરજી કરતા નામદાર ગુજરાત હાઇકોર્ટના ન્યાયમુર્તી શ્રી એ.વાય.કોત્ઝે સાહેબે આરોપીને રૂ.૧૦,૦૦૦ ના શરતી જામીન પર મુકત કરવાનો હુકમ ફરમાવેલ છે.

આ ફરીયાદની ટુંકમાં હકિકત એવી છે કે સાદીકભાઇ ગુલાબભાઇ કલાડીયાએ ચોટીલા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ આપેલ અને ફરીયાદની હકીકતમાં જણાવેલ કે તેઓ રાજકોટ મુકામે હતા તે દરમ્યાન અશરફભાઇ યાસીનભાઇનો ફોન આવેલ અને વાત કહેલ કે આપણી મીલમાં કપાસની ગાંસડીમાં ગોડાઉનમાં આગ લાગેલ છે જેથી તમો તાત્કાલીક આવો તેમ જણાવેલ જેથી હું તાત્કાલીક રાજકોટથી ચોટીલા જવા નીકળેલ અને રસ્તામાં હતા તે દરમ્યાન અમારી મીલના શેઠ દીલીપભાઇનો ફોન આવેલ તેમણે વાત કરેલ અને કહેલ કે ફાયર ફાઇટરની વ્યવસ્થા કરો જેથી આ કામના ફરીયાદી જોલી મીલ પર આવેલ અને જોયેલ કે મીલના પાછળના ભાગે આવેલ સ્પીનીંગ ગાંસડીના ગોડાઉનમાં કપાસની ગાંસડી હતી તેમાં આગ લાગેલ હતી. જેથી આ કામના ફરીયાદીએ તથા ઓફીસના માણસોએ તાત્કાલીક ચોટીલા, થાનગઢ, રાજકોટ, મોરબી, ધ્રાંગધ્રા, વઢવાણ, સુરેન્દ્રનગર, વાંકાનેર ખાતેથી ફાયર ફાઇટર બોલવાવવા સંપર્ક કરેલ. અમારી મીલમાં સીસીટીવી કેમેરા લાગેલ હોય અમારી મીલમાં કેવા કારણોસર આગ લાગેલ હતી તે કોઇએ આગ લગાડેલ હતી તેની અમોએ અમારી જાતે તપાસ કરતા અમારી મીલમાં લાગેલ સીસીટીવી કેમેરા ફુટેજમાં અમોને બે અજાણ્યા  શકમંદ વ્યકિતઓ શંકાસ્પદ હાલતમાં જોવામાં આવેલ જેથી મીલના મેનેજર તરીકે આ કામના ફરીયાદીએ ચોટીલા મુકામે ફરીયાદ આપેલ.

સદરહું ફરીયાદના અનુસંધાને ચોટીલા પોલીસે આઇપીસી કલમ ૪૩૬, ૧૧૪ હેઠળ ફરીયાદ નોંધેલ. ત્યાર બાદ સદરહું ફરીયાદમાં સીસીટીવી ફુટેજના આધારે આ કામના આરોપીની ધરપકડ કરેલ અને જેલ હવાલે કરેલ. ત્યાર બાદ આ કામના આરોપીએ સુરેન્દ્રનગરની સેસન્સ અદાલતમાં જામીન અરજી કરેલ. સદરહું જામીન અરજી નામ. સેસન્સ અદાલત દ્વારા નામંજુર કરવામાં આવેલ હતી.

આ હુકમની સામે આ કામના આરોપીએ ગુજરાત હાઇકોર્ટમાં જામીન અરજી કરેલ અને સદરહું જામીન અરજીમાં રજુઆત કરેલ કે, આ કામમાં ફરીયાદી દ્વારા વીમા કંપની પાસેથી વીમો મેળવી લીધેલ હોય તેમજ સદરહું કામમાં ચાર્જશીટ ફાઇલ થઇ ગયેલ હોય જેથી આરોપીને જામીન પર મુકત કરવા હુકમ કરવા અરજ છે.

ઉપરોકત દલીલ તેમજ પોલીસ પેપર્સને ધ્યાનમાં લઇ ગુજરાત હાઇકોર્ટના ન્યાયમુર્તી શ્રી એ.વાય. કોત્ઝે સાહેબે આરોપીને રૂ.૧૦,૦૦૦ ના શરતી જામીન પર મુકત કરવાનો હુકમ ફરમાવેલ છે.

ઉપરોકત કામમાં આરોપી રવી રાજવીર યાદવ વતી અમદાવાદના એડવોકેટ  હીરેનભાઇ ન્યાલચંદાણી તેમજ રાજકોટના વિજયભાઇ પટગીર, જીતેન્દ્રભાઇ ધુળકોટીયા તથા રાજેન્દ્રભાઇ જોશી રોકાયેલા હતા.

(11:42 am IST)