Gujarati News

Gujarati News

News of Saturday, 17th April 2021

પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ઓકસીજનના સીલીન્ડર ખૂટી પડયાઃ સ્મશાનભૂમિમાં અગ્નિદાહ માટે ૧પનું વેઇટીંગ

સિવીલ સર્જન ડો. જે. ડી. પરમાર જણાવે છે કે અઠવાડીયા પહેલા ર૦૦ ઓકસીજનના સીલીન્ડરનો ઓર્ડર આપેલ જેમાંથી પ૦ સીલીન્ડર આવ્યા

(સ્મિત પારેખ દ્વારા) પોરબંદર તા. ૧૭ :.. શહેર જિલ્લામાં કોરોના સંક્રમણ વધતુ જાય છે ત્યારે સરકારી અને ખાનગી હોસ્પિટલો કોરોના દર્દીઓથી ઉભરાય છે સરકારી હોસ્પિટલમાં દર્દીઓને ઓકસીજન આપવાના સીલીન્ડરનો સ્ટોક ખૂટી પડતા દર્દીઓની હાલત કફોડી બની છે.

સીવીલ સર્જન ડો. જે.ડી. પરમારે જણાવેલ કે અઠવાડીયા પહેલા ર૦૦ ઓકસીજનના સીલીન્ડરોનો ઓર્ડર આપ્યો હતો. જેમાંથી પ૦ સીલીન્ડર આવ્યા છે જે દર્દીઓના ઉપયોગ લેવાય રહેલ છે.

બીજી બાજુ સ્મશાન ભૂમિમાં મૃતદેહોને અગ્નિદાહ આપવામાં લાઇનો લાગી છે. સ્મશાન ભૂમિએ છેલ્લી સ્થિતિ મુજબ અગ્નિહાદ માટે પંદરનું વેઇટીંગ છે.

શહેરમાં કોરના પોઝીટીવના વધુ ૭ કેસ આવ્યા છે. કોરોનાની સારવારમાં પાંચ દર્દીઓ સાજા થઇ જતાં તેમને હોસ્પિટલમાંથી રજા આપી દેવાયા છે.

સરકારી હોસ્પિટલના આઇસોલેશન વિભાગમાં હાલ ર૬ દર્દીઓ સારવાર લઇ રહ્યા છે. સરકારી હોસ્પિટલમાં હાલ ૧૧૦ દર્દીઓ ઓકસીન ઉપર છે. સીવીલ હોસ્પિટલમાં ગઇકાલે ઓકસીજનના ૧૪ર નવા સીલીન્ડર આવેલ હતાં. જેમાંથી કેટલાંક તુટી જતાં દર્દીઓને મુશ્કેલી પડી રહી છે. હોસ્પીટલમાં ઓકસીનના સીલીન્ડર ખૂટી પડયા છે ઓકસીજનના નવા સિલીન્ડર માટે વ્યવસ્થા કરવા તજવીજ હાથ ધરાય છે.

(12:43 pm IST)