Gujarati News

Gujarati News

News of Saturday, 17th April 2021

કચ્છના ભચાઉ - રાપર પંથકમાં કરા સાથે વરસાદથી ખેડૂતોને મુશ્કેલી

સવારે રાજકોટ સહિત સૌરાષ્ટ્ર - કચ્છમાં સવારે વાદળા છવાયા બાદ ઉકળાટ યથાવત

પ્રથમ તસ્વીરમાં ભુજ, બીજી તસ્વીરમાં ગોંડલના ચરખડી અને ત્રીજી તસ્વીરમાં વિરપુરના ગ્રામ્ય વિસ્તારોમાં વરસેલ વરસાદ નજરે પડે છે. (તસ્વીર : વિનોદ ગાલા - ભુજ, ભાવેશ ભોજાણી - ગોંડલ, કિશન મોરબીયા - વિરપુર)

રાજકોટ તા. ૧૭ : રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં ગઇકાલે સાંજે વાતાવરણમાં પલ્ટો આવતા કચ્છના ભચાઉ અને રાપર પંથકમાં કરા સાથે વરસાદ પડતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા હતા. આ ઉપરાંત ગોંડલ પંથક અને વિરપુર (જલારામ) ગ્રામ્ય વિસ્તારોમાં છાંટા વરસ્યા હતા.

જો કે સવારે બેથી ત્રણ કલાક વાદળા છવાયા બાદ સવારના ૮ વાગ્યાથી બફારાનો અનુભવ થઇ રહ્યો છે.

ભુજ

(વિનોદ ગાલા દ્વારા) ભુજ : કચ્છમાં ખેડુતોની કેરીની સિઝન સારી જવાનીઆશા હોય છે, ત્યારે મોટેભાગે વાતાવરણ પલ્ટાય છે અને કમોસમી વરસાદથી ખેડુતોની મહેનત અને આશા પર પાણી ફેરવાઇ જાય છે. કોરોના કાળમાં એક તરફ ખેડુતો સારા બજાર ભાવ અને નફો નથી મેળવી રહ્યા. તે વચ્ચે કચ્છમાં ચાલુ વર્ષે ખેડુતોને ઉનાળુ પાક જવાની આશા હતી. જોકે, આજે કચ્છના ભચાઉ-રાપર વિસ્તારમા બપોર બાદ અચાનક વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો અને પહેલા ભચાઉ અને ત્યાર બાદ સામખીયાળીથી લઇ રાપર સુધી વરસાદ પડ્યો હતો. ભર ઉનાળે વરસાદથી લોકો મુશ્કેલીમા મુકાયા હતા. તો કેટલાક વિસ્તારોમાં કરા સાથે પણ વરસાદ પડ્યો હતો.

રાપર અને ભચાઉના અનેક ગ્રામ્ય પંથકમાં પણ વરસાદની અસર દેખાઇ હતી. કરા સાથે પડેલા વરસાદથી ખેડુતોને પાકમાં નુકસાન જવાની ભીતી વ્યકત કરી છે. વરસાદની ઝાપટ સારી હોતા રસ્તાઓ પર પાણી વહી નિકળ્યા હતા.

વિરપુર (જલારામ)

(કિશન મોરબીયા દ્વારા) વિરપુર (જલારામ) : સૌરાષ્ટ્રમાં ચૈત્ર માસમાં આકરા તાપ અને ગરમી વરસતી હોય છે ત્યારે આજે યાત્રાધામ વિરપુર સવારથી જ આકરો તાપ અને ગરમીનું વાતાવરણ હતું ત્યારે વિરપુર પંથકમાં બપોર બાદ ઓચિંતા હવામાનમાં પલ્ટો જોવા મળ્યો હતો,વાદળછાયા વાતાવરણ વચ્ચે યાત્રાધામ વિરપુર તેમજ વિરપુર પંથકના આજુબાજુ વિસ્તારમાં વરસાદી માહોલ સર્જાયો હતો. યાત્રાધામમાં અચાનક વાતાવરણમાં પલ્ટો જોવા મળ્યો વાદળછાયા વાતાવરણ સાથે બપોર બાદ વરસાદી ઝાપટા વરસ્યાં હતા જેમને લઈને વિરપુર પંથકમાં ભરઉનાળે ચોમાસા જેવો માહોલ જોવા મળ્યો હતો.

ગોંડલ

ગોંડલ : તાલુકાના ચરખડી ગામે ભરઉનાળે કમોસમી વરસાદ વરસતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા હતા.

ગોંડલશહેર પંથકમાં દિવસ દરમિયાન ગરમીનો પારો ઉંચો રહ્યા બાદ સાંજના સુમારે અચાનક વાતાવરણ પલટતા આકાશ કાળા ડિબાંગ વાદળોથી ઘેરાયું હતું. ધૂળની ડમરીઓ ઉડવા સાથે અમુક જગ્યાએ અમીછાંટણા વરસ્યા હતા.

જામનગર

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર : આજનું હવામાન ૩૫ મહત્તમ, ૨૪ લઘુત્તમ, ૮૦ ટકા વાતાવરણમાં ભેજનું પ્રમાણ, ૯.૧ પ્રતિ કલાક પવનની ગતિ રહી હતી.

(12:49 pm IST)