Gujarati News

Gujarati News

News of Monday, 17th May 2021

હળવદના માણેકવાડાને કોરોના હજુ સુધી અડકી નથી શકયો : ગોંડલમાં ટાઢો પડ્યો

ભાવનગરમાં ત્રણના મોત -૨૬૯ પોઝીટીવ કેસઃ જૂનાગઢ જીલ્લામાં ૯ના મોત : ૧ દિ'માં ૩૦૯ દર્દીએ મ્હાત આપી : સંક્રમણથી લાઠીનું આસોદર ગામ સ્વૈચ્છિક બંધ

રાજકોટ,તા. ૧૭: કોરોનાએ કહેર મચાવ્યા પછી હવે સરેરાશ તેની ગતિ મંદ પડી હોવાનું જણાઇ રહ્યું છે. હળવદના માણેકવાડા ગામે કોરોના તો દેખાયો જ નથી ત્યારે ગોંડલમાં પણ હવે ટાઢો પડ્યો હોય તેમ મૃત્યુદર ઘટી રહ્યો છે.

બીજી તરફ ભાવનગર જીલ્લામાં ત્રણના મોત સાથે ૨૬૯ કેસ નોંધાયા છે. જુનાગઢ જીલ્લામાં ૯ના મોત થયા છે અને ત્યાં પણ ૧ દિ'માં ૩૦૯ દર્દીએ કોરોનાને મ્હાત આપી છે.

લોક જાગૃતિને કારણે આજે પણ ગામમાં કોરોના કેસ નહિ

(દીપક જાની દ્વારા) હળવદ : મોરબી જિલ્લાના હળવદ તાલુકામાં આજે પણ એક ગામ એવું છે જયાં હજુ સુધી કોરોના એન્ટ્રી કરી શકયો નથી. ૧૦૨૫ લોકોની વસ્તી ધરાવતા આ ગામમાં લોક જાગૃતિને કારણે એકપણ વ્યકિત કોરોના સંક્રમિત બની નથી અને લોકો કોરોના કાળમાં પણ તંદુરસ્ત જીવન જીવી રહ્યા છે.

ઠાકોર, ભરવાડ અને દેવીપૂજક સમાજની વસ્તી ધરાવતા માણેકવાડા ગામમાં ગ્રામ પંચાયત અને ગ્રામજનો દ્વારા સ્વૈચ્છિક રીતના જ લોક જાગૃતિ રાખી રહ્યા છે. જેથી અત્યાર સુધી આ ગામમાં એકપણ કોરોનાનો કેસ નોંધાયો નથી. આમ તો માણેકવાડા ગામ હળવદ તાલુકાનું બોર્ડર પરનું ગામ કહેવામાં આવે છે. માણેકવાડાથી પછી વાંકાનેરની હદ ચાલુ થતી હોય છે. આ ગામમાં મોટાભાગે લોકો ખેતીના વ્યવસાય સાથે સંકળાયેલા છે. સાથે જ દરેક વ્યકિત પોતાની ફરજ સમજી ગ્રામ પંચાયત દ્વારા જે નિયમ લાગુ કરાયા છે તેનું પાલન કરી રહ્યા છે.

વધુમાં માણેકવાડા ગ્રામ પંચાયતના સરપંચ રમેશભાઈ ઠાકોરએ જણાવ્યું હતું કે, કોરોનાની પહેલી કે બીજી લહેરમાં એકપણ કોરોનાનો કેસ અમારા ગામમાં નોંધાયો નથી. ગામના લોકો પણ સ્વયંભૂ જ નિયમોનું પાલન કરી રહ્યા છે. અહીં દુકાનો પણ સવારે બે કલાક અને સાંજે બે કલાક જ ખોલવામાં આવે છે. ગામના લોકો જો અન્ય ગામ જાય તો તેઓ ખાસ તકેદારી રાખે છે. ગામમાં હાલ ધાર્મિક તેમજ સામાજીક પ્રસંગો બંધ રાખવામાં આવ્યા છે.

ગોંડલમાં વેઇટીંગમાં ઘટાડો થતાં લોકોમાં રાહત

(જીતેન્દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ : છેલ્લા દોઢ માસ થી કહેર મચાવી રહેલ કોરોના એક સપ્તાહથી શાંત પડતાં સતત ભયભીત લોકોનાં ચહેરાં પર રાહત જણાઇ છે.

કોરોનાની બીજી લહેર ગોંડલ પંથક માટે ઘાતક નિવડી હોય તેમ એપ્રીલ માસમાં કોરોના થી અંદાજે ૪૫૦ મોત થવાં પામ્યાં હતાં.કોરોનાનો અજગર ભરડો ભયાવહ બનતાં લોકો ભયભીત બન્યાં હતાં.હોસ્પિટલ,ઓકસીજન બેડ કે વેન્ટીલેટર માટે લોકોની ભાગ દોડ કરુણતાં સર્જતી હતી.

હવે છેલ્લાં એક સપ્તાહ થી કોરોના શાંત પડી રહ્યો હોય લોકો એ રાહતનો દમ લીધો છે.

હાલ સિવિલ હોસ્પિટલમાં કોરોના વોર્ડમાં ૫૬ માંથી ૭ બેડ ખાલી છે.તો કૃષ્ના મલ્ટીસ્પેશ્યાલીટી હોસ્પિટલ માં એક સમયે ૭૫ જેટલાં બેડ ભરચક રહેતાં જયાં હવે ૪૦ બેડ ભરેલાં છે.આજ રીતે શ્રી રામ સાર્વજનીક હોસ્પિટલ માં હાલ ૧૫ બેડ ખાલી છે.હાલ કોઈ હોસ્પિટલમાં વેઇટીંગ નથી.ઓપીડી પેશન્ટમાં પણ ઘટાડો નોંધાયો છે.

બ્લોક હેલ્થ ઓફીસર ડો. ગોયલનાં જણાવ્યાં અનુસાર હાલ પોઝીટીવ કેસમાં ૭૦ નો ઘટાડો છે.ફુંફાડા મારી રહેલાં મૃત્યુ દર માં પણ નોંધપાત્ર ઘટાડો થયો છે.

ભાવનગરમાં ૩૫૭ દર્દીઓ કોરોનામુકત

ભાવનગર : જિલ્લામા વધુ ૨૬૯ નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાતા જિલ્લામા કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા ૧૯,૬૭૫ થવા પામી છે. શહેરી વિસ્તારમાં ૯૯ પુરૂષ અને ૬૧ સ્ત્રી મળી કુલ ૧૬૦ લોકોના રીપોર્ટ પોઝિટિવ નોંધાયા છે. જયારે તાલુકાઓમાં  તાલુકામાં ૨૨, ઘોઘા તાલુકામાં ૨૦, તળાજા તાલુકામાં ૧૬, મહુવા તાલુકામાં ૧૩, સિહોર તાલુકાઓમાં ૨૨, પાલીતાણા તાલુકામાં ૬, વલ્લભીપુર તાલુકામાં ૫, ઉમરાળા તાલુકામાં ૩, ગારીયાધાર તાલુકામાં ૧ તેમજ જેસર તાલુકામાં ૧ કેસ મળી કુલ ૧૦૯ લોકોના કેસ પોઝિટિવ નોંધાતા સારવાર અર્થે દાખલ કરેલ છે.

શહેર ખાતે રહેતા બે કોરોના પોઝિટિવ દર્દીઓ અને તળાજા તાલુકાનાં કેરાળા ગામ ખાતે રહેતા એક કોરોના પોઝિટિવ દર્દી મળી કુલ ૩ દર્દીઓનું સારવાર દરમ્યાન અવસાન થયેલ છે.

જયારે ભાવનગર મહાનગરપાલિકા વિસ્તારમા ૨૬૧ અને તાલુકાઓમાં ૯૬ કેસ મળી કુલ ૩૫૭ કોરોના પોઝિટિવ દર્દીઓ કોરોનામુકત થતા તેને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. ભ

આમ જિલ્લામા નોંધાયેલા ૧૯,૬૭૫ કેસ પૈકી હાલ ૪,૦૮૯ દર્દીઓ સારવાર હેઠળ છે. જયારે જિલ્લામાં ૨૫૫ દર્દીઓનુ અવસાન થયેલ છે.

૨૭ કલાકમાં જૂનાગઢમાં ૧૮૪ સહિત જિલ્લામાં ૪૧૧ નવા કેસ

(વિનુ જોષી દ્વારા) જૂનાગઢ : જિલ્લામાં કોરોના થાકયો હોય તેમ એક જ દિવસમાં નવા ૪૧૧ કેસ સામે ૩૦૯ દર્દીએ કોરોનાને માત આપી હતી.

જિલ્લામાં તા. ૧૩ મે ના રોજ એક ૮૦ દિવસમાં રેકોર્ડ બ્રેક ૫૭૨ કેસ નોંધાયા બાદ છેલ્લા ત્રણ કોરોનાની ગતિ મંદ પડી છે.

તા. ૧૪ના રોજ ડેઇલી કેસ ઘટીને ૪૯૭, તા. ૧૫નાં રોજ ૪૩૩, અને ગઇ કાલ તા. ૧૬ના રોજ ૪૧૧ કોરોના પોઝીટીવ કેસ નોંધાયા હતા.

આમ ત્રણ દિવસથી કોરોનાની રફતાર આગળ વધતી અટકી છે. રવિવારે જિલ્લાના ૪૧૧ કેસ પૈકી જૂનાગઢના ૧૮૪ કેસ હતા.

જો કે રવિવારે એક જ દિવસમાં કુલ ૯ કોવિડ દર્દીને અંતિમ શ્વાસ લીધા હતા જેમાં જૂનાગઢ સીટીના ૪, તેમજ જૂનાગઢ ગ્રામ્ય, કેશોદ, માણાવદર, મેંદરડા, અને વિસાવદર એક-એક દર્દીને કોરોના વરણી ગયો હતો.

સદનસીબે રવિવારે ૨૪ કલાકમાં ૩૦૯ દર્દીને કોરોનાને પરાજય આપવામાં સફળ થયા હતા.

જેમાં જૂનાગઢના ૧૦૬, જૂનાગઢ રૂરલ ૮, કેશોદ-૭૧, માણાવદર -૩૭, વંથલી -૩૦ અને ભેંસાણ, માંગરોળ અને વિસાવદરના એક -એક દર્દીએ સ્વસ્થતા મેળવી હતી.

બીજી તરફ કન્ટેનમેન્ટ ઝોનની સંખ્યા ૪૩૨ અને ઘરોની સંખ્યા ૪૪૯ છે અને ૩૨૧૫ લોકો કન્ટેનમેન્ટ ઝોનની કેદમાં છે.

જુથળના પ્રખર ગૌસેવક કોરોના સામે હારી ગયા

માળીયાહાટીના : જુથળ ગામની ગૌમાતાના નિભાવ માટે કામ કરતી ગૌશાળા કાયમી ઉપયોગી થતા ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો દ્વારા વર્ષોથી ગૌમાતા માટે અમૂલ્ય સેવા આપનાર રમેશભાઈ તળાવિયા તથા ગામના અનેક લોકો ઉપયોગી મંડળોમાં પ્રામાણિક અને નિષ્ઠા વન વર્ષોથી સેવાઓ આપતા આવ્યા છે. ગામના તમામ સમાજના પરિવારમાં જબરી લોકચાહના પ્રાપ્ત કરી હતી ગામના લોકપ્રિય કર્મઠ યુવા ગૌ સેવક ના દુઃખદ અવસાનના સમાચાર ગામમાં આવતા આખા ગામમાં ભારે અરેરાટી સાથે આખું ગામ શોકમાં ડૂબી ગયું હતું. આખા પંથકની ગૌમાતા માટે અમૂલ્ય સેવા આપનાર પ્રખર ગૌ સેવકને કોરોનામાં ગુમાવ્યાનો વસવસો વ્યકત કરી ગામના તમામ સમાજના અગ્રણીઓએ રમેશભાઈ તળાવિયાને શ્રદ્ઘાંજલિ આપી.

ગીર જિલ્લા પંચાયતના સદસ્યનું કોરોનાના લીધે મોત

પ્રભાસ પાટણ : માથાસુરીયા ગામના વતની અને ગીર સોમનાથ જિલ્લા પંચાયતના વેરાવળ ની ગોવિંદપરા જિલ્લા પંચાયતના સીટીમા વિજેતા થયેલા સદસ્ય કાળાભાઈ રાજાભાઈ મકવાણાનુ કોરોનાની સારવાર દરમિયાન મોત નિપજયું હતું જેઓના મોતથી શોકનુ મોજુ ફરી વળ્યું હતું તેઓ તા ૮ મે ના રોજ કોરોનાની વૈશ્વિક મહામારીને લઈને પોતાના જીલ્લા પંચાયત વિસ્તારમાં આવતા ગોવિંદપરા પી એસ સી અને પંડવા પી એસ સી મા બંને પી એસ સીમા ઓકીસજન તેમજ દવાઓ માટે ૩૫૭૦૦૦ જેટલી રકમ ફાળવી હતી.

(11:44 am IST)