Gujarati News

Gujarati News

News of Monday, 17th May 2021

કચ્છમાં ૧૮ નાના -મોટા બંદરોની ૧૯૪ બોટ દરિયા કિનારે

વાવાઝોડાની ચેતવણીનાં પગલે અધિકારીઓને જવાબદારી સોંપાઇ : માછીમારો અને અગરિયાઓનું સ્થળાંતર

ભુજ,તા. ૧૭:  ભારતીય હવામાન વિભાગની સુચના અને ચેતવણી પ્રમાણે રાજયના સંભવિત તૌકતે વાવાઝોડાના ખતરામાં સાવચેતી અને સલામતીના ભાગરૂપે કચ્છ જિલ્લાના ૧૮ મત્સ્યઉતરણ કેન્દ્ર પરથી માછીમારો અને ખલાસીઓને મરીન પોલીસ અને કોસ્ટગાર્ડ દ્વારા દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.

તારીખ ૧૭/૦૫/૨૧ દરમિયાન અરબી સમુદ્રમાં લો પ્રેશરના કારણે વધુ પવન અને ઉંચા મોજા ઉછળવાની શકયતાના પગલે મત્સ્ય ઉદ્યોગ કેન્દ્ર નિયામકશ્રીની કચેરી કચ્છ દ્વારા બોટ માલિકોને દરિયામાં માછીમારી માટે ગયેલી બોટોને તાત્કાલિક પરત બોલાવી આસપાસના નજીકના બંદરે લંગર કરવાની સૂચના અપાઈ હતી. જે પૈકી હાલે દરિયામાંની તમામ ૧૯૪ બોટ બંદરે લાંગરવામાં આવી છે. તમામ માછીમારોએ પોતાની હોડી, પીરાણા અને બોટ તેમજ કાંઠા વિસ્તારના જાનમાલને સૂચના અનુસાર જિલ્લાના ૧૮ ઉત્ત્।રાણ કેન્દ્ર પર સલામત સ્થળે ખસેડવા અપાયેલી સુચના અનુસાર લાંગરવામાં આવી છે.

જિલ્લામાં આવેલા મોટા મત્સ્ય બંદર જખૌ ઉપરાંત નાના અન્ય મત્સ્ય બંદરો નાના લાયજા, માંડવી, મોઢવા , ત્રગડી, ઝરપરા, નવીનાળ, મુન્દ્રા, લુણી, ભદ્રેશ્વર , કુતડીનાળ, નારાયણસરોવર, લખપત , કંડલા , સંદ્યડ, તુણાવંડી અને સુરજબારી મત્સ્ય ઉતરાણ કેન્દ્ર પરના કાંઠા વિસ્તારો પર ગેરકાયદેસર માછીમારીના કરવા મદદનીશ મત્સ્ય ઉદ્યોગ નિયામકશ્રી જે .એલ.ગોહિલ દ્વારા જાણ કરવામાં આવેલ છે.તેમજ અન્ય જિલ્લામાં દરિયો ખેડનાર સામે મત્સ્યોદ્યોગ કાયદા ૨૦૦૩ મુજબ નિયમોનુસાર કાર્યવાહી કરવાની સૂચના પણ અપાય છે. આ વાવાઝોડા સંદર્ભે ત્રણ લાયઝન ઓફિસર પણ નીમાયા છે.

કચ્છમાં આગામી ૧૮મી થી ૨૦મી મે સુધી સંભવિત તાઉ'તે વાવાઝોડું ત્રાટકે તેવું હવામાન વિભાગ દ્વારા બુલેટિન પ્રસારિત કરવામાં આવ્યું છે. આ તાઉ'તે ચક્રાવાતી વવાવાઝોડાંની આગાહીના પગલે મુન્દ્રા વહીવટી તંત્ર એલર્ટ બન્યું છે અને તકેદારીના પગલારૂપે કાંઠાના વિસ્તારો પરના માછીમારો અને અગરિયાઓનું સ્થળાંતર કરવામાં આવી રહ્યું છે જે અન્વયે મુન્દ્રા તાલુકામાં કુલ ૨૧૦૦ માછીમારોના પરિવાર અને ૧૨૪ જેટલા અગરીયાઓનું સ્થળાંતર કરવામાં આવ્યું છે.

આ તકે મુન્દ્રા જૂના પોર્ટ પરના ૪૦૦ માછીમારો, ભદ્રેશ્વર પાસે આવેલ રંધ બંદર કિનારે વસવાટ કરતા ૨૫૦૦ જેટલા માછીમારો, કુકડસર પાસે આવેલ બાવડી બંદર કિનારે ૬૦૦ જેટલા માછીમાર પરિવાર, વડાલાના હમીરામોરામાં ૧૨૦ માછીમાર પરિવાર, લુણી બંદર પર કિનારા પર વસવાટ કરતા ૮૦૦ માછીમાર પરિવાર, કોવાઈ પધ્ધર પાસે આવેલ મીઠાના સ્લોટના અગરિયાના ૧૨૪ જેટલા લોકોને આશ્રયસ્થાન અથવા તેમના દ્યરે સ્થળાંતર કરવામાં આવ્યા છે.

કચ્છ જિલ્લામાં આગામી ૧૭ થી ૨૦મી મે-૨૦૨૧ સુધી સંભવિત તૌકતે વાવાઝોડુ ત્રાટકવાની સંભાવનાના પગલે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા દરિયાકાંઠના તાલુકાના ૯૨ ગામોના લોકોને જે ૦ થી ૫ કિ.મી.ની ત્રિજયામાં આવે છે. તેમને સ્થળાંતરીત કરવાની પ્રકિયા ચાલુ છે.

જિલ્લામાં વિવિધ આશ્રય સ્થાનોમાં કુલે ૧૪૨૭ લોકોના સ્થળાંતરીત કરવામાં આવ્યા છે. તેમજ બાકીના લોકો પોતાના નિવાસસ્થાન તેમજ સલામત સ્થળે સ્થળાંતરીત થયા છે.

દરિયા કાંઠાના ગામોના આશ્રયસ્થાનો અને સલામત સ્થળે ૬૩૪૫ સ્ત્રીઓ, ૧૦૭૩૩ પુરૂષો અને ૧૯૧૯ બાળકો થઇ કુલે ૧૮૯૯૭ લોકોને અગમચેતીના ભાગરૂપે કોરોના કોવીડ-૧૯ની ગાઈડલાઇન પ્રમાણે સ્થળાંતરીત કરાયા છે તેવું ડીઝાસ્ટર મામલતદારશ્રી રાહુલ ખાંભરા દ્વારા જણાવાયું છે.

(12:20 pm IST)