Gujarati News

Gujarati News

News of Monday, 17th May 2021

રાજકોટ રહેતો ઉત્તરપ્રદેશનો ATM કલોનર ઝડપાયો

વિશ્વાસ પ્રોજેકટ અંતર્ગત ઇન્સ્ટોલ કરાયેલ સીસીટીવી કેમેરા દ્વારા જુનાગઢ પોલીસને મળેલી સફળતા : આશિષસીંગ ચૌહાણ પાસેથી જુદી જુદી બેન્કના ૬૧ ATM કાર્ડ કબ્જે : રર વ્યકિત સાથે ગુન્હો આચર્યાની કબુલાત

જુનાગઢ, તા. ૧૭ : ગાંધીગ્રામ વિસ્તારમાં એપાર્ટમેન્ટ ખાતે રહેતા, મૂળ ઉત્તરપ્રદેશના હાથરસ જિલ્લાના વતની અને જૂનાગઢ માહી ડેરીમાં ઓપરેટર તરીકે નોકરી કરતા, ફરિયાદી અશ્વિની તેજપ્રતાપસિંહ વર્મા જાતે સુનાર ઉવ. ૨૮, ગઈ તા. ૧૫.૦૪.૨૦૨૧ ના રોજ કોલેજ રોડ ઉપર આવેલ પંજાબ નેશનલ બેંકના એટીએમ ખાતે રૂપિયા ઉપાડવા ગયેલ અને રૂપિયા ઉપડેલ નહીં, જેથી બાજુમાં યુનિયન બેંકના એટીએમમાંથી રૂપિયા ઉપાડેલ અને પોતાનું એટીએમ કાર્ડ ત્યાં ભૂલી જતા, એટીએમ કાર્ડ કોઈ ચોરી કરી, જુદા જુદા સમયે અલગ અલગ એટીએમમાંથી રૂ. ૨૦,૦૦૦/- ઉપાડી લીધેલ હતા. પોતે કાર્ડ બંધ કરાવવા બેંકમાં જતા, એટીએમ કાર્ડ બંધ કરાવે એ પહેલા રાજકોટના કે.કે. જવેલર્સમાંથી રૂ. ૫૮,૨૪૦/- નો ચેઇન ખરીદ કરી લીધો હતો. આમ, ફરિયાદી એટીએમ કાર્ડ બંધ કરાવે, એ પહેલા રૂ. ૭૮,૨૪૦/- ઉપાડી લેતા, ફરિયાદી અશ્વિની તેજ-તાપસિંહ વર્મા રહે. જૂનાગઢએ જૂનાગઢ શહેર સી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ કરવામાં આવતા, સી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ચોરી, છેતરપિંડીનો ગુન્હો નોંધી, પી.એસ.આઇ. પી.જે.બોદર તથા સ્ટાફ દ્વારા તપાસ હાથ ધરવામાં આવેલ હતી.

ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ જૂનાગઢ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઇ એન.આઈ.રાઠોડ, ડી સ્ટાફના પો.કો. પરેશભાઈ, વિપુલભાઈ, મુકેશભાઈ, રઘુવીરભાઈ, કલ્પેશભાઈ, સહિતની ટીમ દ્વારા  VISWAS પ્રોજેકટ અંતર્ગત ઇન્સ્ટોલ કરવામાં આવેલ સીસીટીવી કેમેરા અને નેત્રમ તેમજ કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમ  ના પીએસઆઇ પી.એચ.મશરૂ તથા સ્ટાફના પો.કો. અંજનાબેન, પાયલબેનની મદદથી  સીસીટીવી કેમેરા ચેક કરવામાં આવતા, મોટર સાયકલના નમ્બર આધારે મળેલ બાતમી આધારે  બી ડિવિઝન પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી, બી ડીવી. પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન  મળેલ બાતમી આધારે   આરોપી આશિષસિંગ ક્રિષ્નપ્રતાપ સિંગ ચૌહાણ જાતે દરબાર ઉવ. ૨૨ રહે. ઓમ નગર, ૪૦ ફૂટ રોડ, ભકિતધામ ૦૧, રાજકોટ મૂળ રહે. ગામ બઢની તા.જી. પ્રતાપગઢ ઉત્તર પ્રદેશ  ને ગુન્હામાં વાપરેલ પલસર મોટર સાયકલ સાથે પકડી, થેલામાં ઝડતી દરમિયાન ફરિયાદીના એટીએમ કાર્ડ સહિત જુદી જુદી બેંકના ૬૧ જેટલા એટીએમ કાર્ડ,  ખરીદ કરેલ સોનાની ચેઇન, રોકડા રૂ. ૮૨,૬૦૦/-, ડેલ કંપનીનું લેપટોપ, એટીએમ કાર્ડ રીડર નંગ ૦૨, પેન ડ્રાઈવ, ડોંગલ, જુદી જુદી કંપનીના મોબાઈલ ફોન નંગ ૦૨, સહિત કુલ રૂ. ૨,૨૬,૩૪૦/- ના મુદામાલ સાથે પકડી પાડી, પૂછપરછ કરવામાં આવતા, પહેલા તો, પોતે કોઈ ગુન્હો નહીં કરેલાનું રટણ ચાલુ રાખેલ હતું. પરંતુ, બી ડિવિઝન પોલીસ ટીમ દ્વારા સઘન પૂછપરછ કરતા, પોતે સી ડિવિઝન વિસ્તારમાં એટીએમની ચોરી કરી, રૂપિયા ઉપાડી, રાજકોટ જવેલર્સમાંથી ચેઇનની ખરીદી કરેલાની કબૂલાત કરવામાં આવતા, ધરપકડ કરવામાં આવેલ હતી.

આરોપી આશિષસિંગ ક્રિષ્નપ્રતાપ સિંગ ચૌહાણ દરબારની ધરપકડ કરી, પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ જૂનાગઢ શહેર બી ડિવિઝન પીઆઇ એન.આઈ.રાઠોડ, ડીડી સ્ટાફના પો.કો. પરેશભાઈ, વિપુલભાઈ, મુકેશભાઈ, રઘુવીરભાઈ, કલ્પેશભાઈ, સહિતની ટીમ દ્વારા પૂછપરછ કરવામાં આવતા, પોતાની બેનના લગ્ન ભેસાણ તાલુકાના પટેલ યુવાન સાથે થયેલા હોઈ, પોતાનો બનેવી રાજકોટ ખાતે પ્લમ્બર કામ કરતો હોય, પોતે તેની સાથે કામ કરતો હોવાની અને  પોતાનો મિત્ર કુલદીપસિંગ ઉર્ફે રાહુલસિંગ દ્વારા પોતાને એટીએમ કાર્ડ સ્કીમર મશીનમાં સ્કેન કરી, ડેટા લઈ, એટીએમ રીડર દ્વારા ડેટા લેપટોપમાં લઈ, કાર્ડ કલોન કરી, નવું એટીએમ કાર્ડ બનાવી, પિન નમ્બર જાણી, કલોન કરેલ નવા એટીએમ દ્વારા રૂપિયા ઉપાડી લેવાની તાલીમ આપેલ કબૂલાત  કરતા, જૂનાગઢ પોલીસ પણ ચોંકી ઉઠી હતી. પકડાયેલ  આરોપી કોઈને શંકા ના જાય એટલે એટીએમ ખાતે મદદ કરવાના બહાને એટીએમમાં રૂપિયા ઉપાડવા આવતા લોકોને ટાર્ગેટ કરી, એટીએમ સ્કેન કરી, ડેટા ચોરી કરી, લેપટોપની મદદથી ડેટા કલોન કરી, નવું એટીએમ બનાવી, તેમાંથી રૂપિયા ઉપાડી લેવાની મોડ્સ ઓપરેન્ડી  ધરાવે છે.

પકડાયેલ આરોપી દ્વારા અત્યાર સુધીમાં રાજકોટ શહેર તેમજ આજુબાજના વિસ્તારમાં એટીએમમાં રૂપિયા ઉપાડવા આવતા લોકોને મદદ કરવાના બહાને એટીએમ કાર્ડ ની વિગત આધારે માલવીયાનાગર વિસ્તારમાંથી રૂ ૪૦,૦૦૦/- અને કોટડા સાંગણી વિસ્તારમાંથી રૂ. ૩૨,૬૦૦/- સહિત  આશરે  ૨૨ વ્યકિતઓ સાથે આ મોડસ ઓપરેન્ડીથી ગુન્હાઓ આચરેલાની કબૂલાત  કરવામાં આવેલ છે. આરોપીનો કબજો સી ડિવિઝન પોલીસને સોંપવા તજવીજ કરવામાં આવેલ છે.

પકડાયેલ આરોપી આશિષસિંગ ક્રિષ્નપ્રતાપ સિંગ ચૌહાણ દરબાર દ્વારા બીજા એટીએમ ડેટા ચોરીના કોઈ ગુન્હાઓમાં સંડોવાયેલ છે કે કેમ..? કોઈ ગુન્હાઓમાં વોન્ટેડ છે કે કેમ..? બાબતે પૂછપરછ હાથ ધરી, વધુ તપાસ સી ડિવિઝન પોલીસ સ્ટેશનના પીએસઆઇ પી.જે.બોદર તથા સ્ટાફ દ્વારા હાથ ધરવામાં આવેલ છે.

(1:06 pm IST)