Gujarati News

Gujarati News

News of Monday, 17th May 2021

જામનગરથી ભુજ જી.કે. જનરલ હોસ્પિટલ ખાતે ૧૭ ટન ઓકિસજન જથ્થો પહોંચ્યો

વર્તમાન પરિસ્થિતીમાં ઓકિસજનની અછત ન સજાર્ય તે માટે તંત્રની તકેદારી

(વિનોદ ગાલા દ્વારા) ભુજ,તા.૧૭: કોરોનાને WHO દ્વારા વૈશ્વિક મહામારી જાહેર કરવામાં આવેલ છે. કોવીડ-૧૯ મહામારી અંતર્ગત સારવાર લઈ રહેલ દર્દીઓ માટે ઓકિસજન સીલીન્ડર અત્યારે જાણે અમૃત સમાન બન્યું છે. જેથી ભુજ મધ્યે આવેલ જી.કે. જનરલ હોસ્પિટલ ખાતે ઓકિસજન સપ્લાય માટે હોસ્પિટલના પરિસરમાં જ અત્યાર સુધીમાં કુલ ૩ (ત્રણ) લીકવીડ ઓકિસજન પ્લાન્ટ કાર્યરત છે. જેની અંદાજીત દૈનિક ક્ષમતા કુલ – ૩૦૦ થી ૩૨૦ ઓકિસજન સીલીન્ડરો બરાબરની છે. હાલમાં જી.કે.જનરલ હોસ્પિટલના પરિસર ખાતે ચોથો લીકવીડ ઓકિસજન પ્લાન્ટ ઉભો કરવાની કામગીરી ચાલુમાં છે. જેના થકી દૈનિક - ૨૦૦ ઓકિસજન સીલીન્ડર બરાબરની ઓકિસજન સપ્લાયની ક્ષમતા વધવા પામશે.

વધુમાં, જિલ્લા વહીવટી તંત્રની રજૂઆત ધ્યાને લઈ રાજય સરકાર દ્વારા આજરોજ જામનગર મધ્યેથી ૧૫-૧૭ ટન લીકવીડ ઓકિસજનના જથ્થા સાથેનું ટેન્કર જી.કે.જનરલ હોસ્પિટલ-ભુજ ખાતે મૂકવામાં આવ્યું છે. જે થકી જી.કે.જનરલ હોસ્પિટલ, ભુજ મધ્યે ઓકિસજન સપ્લાયની કુલ ક્ષમતા આશરે ૧૫૦૦ થી ૧૭૦૦ ઓકિસજન સીલીન્ડર બરાબર થવા પામી છે, જેથી વર્તમાન પરિસ્થતિમાં કોવીડ-૧૯ ના દર્દીઓ માટે છુટક ઓકિસજન સીલીન્ડર પરની નિર્ભરતા ઓછી કરી શકાશે અને ઉપર્યુકત ઓકિસજન સપ્લાય ઉપલબ્ધ કરાવવા મદદ મળી શકશે તેવું ભુજ પ્રાંત અદ્યિકારીશ્રી મનીષ ગુરવાણીએ જણાવ્યું હતું.

(4:48 pm IST)