Gujarati News

Gujarati News

News of Monday, 17th May 2021

મહિલા સશક્તિકરણનું ગામ બનતુ સુરેન્દ્રનગર જીલ્લાનું લટુડાઃ મહિલાઓઍ કોરોનામુક્ત ગામનું અભિયાન ચલાવ્યુ અને સફળ થયુ

સુરેંદ્રનગર: વિકટ સમયમાં પણ સમાજને આફત – આપત્તિઓમાંથી બહાર લાવવા પુરૂષની સાથે ખભે ખભા મિલાવી અનેક દાયકાઓથી મહિલાઓ કાર્ય કરી રહી છે. કોરોનાના આ કપરા સમયમાં પણ ઝાલાવાડમાં આવેલા નાનકડા એવા ગામ લટુડાની મહિલાઓ તેમના ગામ – સમાજને કોરોના મુક્ત બનાવવાના કાર્ય થકી અન્યો માટે ઉદાહરણરૂપ બની રહી છે.

આજે સમગ્ર વિશ્વ સમક્ષ કોરોના મહામારીએ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે, તેવા સમયમાં સુરેન્દ્રનગર જિલ્લાના અંદાજે ૩૦૦૦ની વસતી ધરાવતાં લટુડા ગામની જાગૃત મહિલાઓએ તેમના ગામમાંથી કોરોનાના સંક્રમણને દૂર કરવા અને ગામને કોરોના મુક્ત રાખવા કમર કસી છે.

લટુડા ગામને કોરોના મુક્ત રાખવા ગામના સરપંચ, ઉપસરપંચ, તલાટી મંત્રીશ્રી, શાળાના આચાર્યશ્રી, શિક્ષક, ફિમેઈલ હેલ્થ વર્કર અને આશાવર્કર સહિતના બહેનો આગળ આવ્યા અને લટુડામાં આરંભાયો લોકોને કોરોના સંક્રમણથી મુક્ત રાખવાનો આરોગ્યયજ્ઞ.

સરપંચ સંગીતાબેન તેમના આ અભિયાનની વિગતો આપતા કહે છે કે, ગત વર્ષે કોરોનાના સંક્રમણ ને ધ્યાને ગામના તલાટી બહેન સાથે મળી અમે અમારા ગામને એકથી વધુ વખત સેનેટાઈઝ કરાવવાની સાથે આરોગ્ય વિભાગ, શાળાના આચાર્ય – શિક્ષકો તેમજ આંગણવાડી વર્કર અને આશા બહેનો સાથે સંકલનમાં રહીને સર્વે સહિતની કામગીરી હાથ ધરી હતી.

આ વર્ષે પણ આ તમામ કામગીરી ઉપરાંત ગામના કોઈ વ્યક્તિ કોરોના પોઝિટીવ આવે તેવા સમયે આરોગ્ય વિભાગને જાણ કરી દર્દીને હોમ આઈસોલેશનમાં જ સારવાર પૂરી પાડવામાં આવી રહી છે. ગામને કોરોનાના સંક્રમણથી બચાવવાનું કાર્ય વધુ સારી રીતે થઈ શકે તે માટે ૧૦ સભ્યોની નિગરાની સમિતિની પણ રચના કરી તમામ કામ ઉપર દેખરેખ રાખવામાં આવી રહી છે.

સરપંચની વાત સાથે સહમત થતાં ફિમેઈલ હેલ્થ વર્કર જ્યોતિબહેન જણાવે છે કે, આરોગ્ય વિભાગ દ્વારા પણ આ ગામમાં સર્વેલન્સની કામગીરીની સાથે કોરોના સંક્રમિત વ્યક્તિના ઘરની મુલાકાત લઈ તેમને હોમ આઈસોલેટમાં રાખી જરૂરી દવા આપવામાં આવે છે. ગામમાં કોરોનાનું સંક્રમણ ન ફેલાય તે માટે વેકસીનેશનની કામગીરી સઘન બનાવવામાં આવી છે. અત્યાર સુધીમાં ૬૦ વર્ષથી વધુ વયના ૨૮૦ વ્યક્તિઓને રસી આપી ૧૦૦ ટકા કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. જ્યારે ૪૫ વર્ષથી વધુ વયના ૨૮૦ લોકોને પણ રસી આપવામાં આવી છે.

ગામમાં તલાટી તરીકે ફરજ બજાવતા હેતલબેન મોરી કહે છે, ગ્રામજનોના સાથ – સહકારથી પંચાયત દ્વારા સ્વૈચ્છીક લોકડાઉન લગાવવામાં આવ્યું છે. પ્રથમ લહેર આવી ત્યારથી અત્યાર સુધી ગામને સમયાંતરે સેનેટાઈઝ કરવામાં આવ્યું છે, તથા હાલની પરિસ્થિતીને ધ્યાને લઈ ગામની શાળામાં ૪ બેડનું આઈસોલેશન સેન્ટર પણ ઊભું કરવામાં આવ્યું છે. જેમાં બેડ, દવાઓ, ઓકસીમીટર, સહિતની આરોગ્યલક્ષી તમામ સુવિધાઓ પણ અમે ઉપલબ્ધ બનાવી છે.

ગામમાં આવેલ શાળાના આચાર્ય હિનાબેન ઉપાધ્યાય કહે છે કે, ગામને કોરોના સંક્રમણથી બચાવવામાં શાળાની પણ ભૂમિકા મહત્વની રહી છે. શાળા દ્વારા લોકોમાં જાગૃતિ આવે તે માટે અનેકવિધ કાર્ય કરવામાં આવ્યા છે. શાળાને સેનેટાઈઝ કરવાની સાથે બહારથી શાળામાં આવતા વ્યક્તિ સેનેટાઈઝ થઈને જ પ્રવેશ કરે તેવી વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.

એટલું જ નહી પરંતુ સૌથી અગત્યની બાબત એ છે કે, શાળામાં અભ્યાસ કરતાં બાળકોના વાલીઓનું વોટસએપ ગ્રુપ બનાવી અમે આ ગ્રુપના માધ્યમથી વાલીઓને કોરોના સામે રક્ષણ કેવી રીતે મેળવી શકાય? તે બાબતના સંદેશાઓ મોકલી તેમને જાગૃત કર્યા હતા. આ ઉપરાંત સરકારની વખતો વખતની સૂચનાઓને ધ્યાને લઈ અમારી શાળાના શિક્ષકો દ્વારા આરોગ્ય કર્મીઓ સાથે રહીને ૩ વાર સર્વેની કામગીરી પણ કરવામાં આવી છે.

કોરોનાના આ કપરા કાળમાં આજે અનેક લોકો માનસિક રીતે ભય અનુભવી રહયા છે, તેવા સમયે જિલ્લા મથક સુરેન્દ્રનગરથી માત્ર નવેક કિલોમીટર દૂર આવેલા લટુડા ગામની મુઠી ઉંચેરી મહિલાઓએ તેમના ગામના લોકોને કોરોના સંક્રમણથી મુક્ત રાખવા હાથ ધરેલા સહિયારા પુરૂષાર્થ સાથેના કાર્યો સાચા અર્થમાં મુખ્યમંત્રીના ‘‘મારૂં ગામ કોરોનામુક્ત ગામ’’ની વિભાવનાને ચરિતાર્થ કરી રહયા છે.

(5:23 pm IST)