Gujarati News

Gujarati News

News of Monday, 17th May 2021

વાવાઝોડાને પગલે સતત ધમધમતા કચ્છના અદાણી મુન્દ્રા અને તુણા પોર્ટ ઉપર કામકાજ ઠપ્પ- ૮ નંબરનું ભયજનક સિગ્નલ લગાવાયું- તંત્ર દ્વારા મુન્દ્રામાં ૬૬૦૦ લોકોનું સ્થળાંતર :ભારે પવન અને ધૂળની ડમરીઓ વચ્ચે ટીડીઓ વસંત ચંદે, ડેપ્યુ.ટીડીઓ ભગીરથસિંહ ગોહિલ દ્વારા મુન્દ્રાના કાંઠાળ વિસ્તારનો પ્રવાસ

(વિનોદ ગાલા દ્વારા) ભુજ:::વાવાઝોડાની ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છ તરફ વધતી ગતિ વચ્ચે બંદરીય વ્યાપારને અસર પહોંચી છે. સરકાર દ્વારા સતત આપાઈ રહેલી સૂચના અને લેવાઈ રહેલા તકેદારીના પગલાં રૂપે દેશના પ્રથમ નંબરના ખાનગી મહાબંદર અદાણી મુન્દ્રા પોર્ટ ઉપર તેમ જ અદાણી ના તુણા પોર્ટ ઉપર ૮ નંબરનું ભય સૂચક સિગ્નલ લગાવાયું છે. પરિણામે સતત ધમધમતા મુન્દ્રા અદાણી પોર્ટનુ કામકાજ બંધ ઠપ્પ થઈ ગયું છે. અલબત્ત પોર્ટની કામગીરી સલામતીના કારણોસર બંધ કરાઈ છે. કિનારે લાંગરેલા જહાજોને પણ સલામત જગ્યાએ રાખવાની કાર્યવાહી કરાઈ છે. તો, કંડલાને અડીને આવેલ અદાણીના સેટેલાઈટ પોર્ટ તુણા બંદરે પણ સલામતીના કારણોસર કામકાજ બંધ કરી દેવાયુ છે. અદાણી ગ્રૂપ દ્વારા બહાર પડાયેલ સત્તાવાર પ્રેસ રિલીઝ માં વાવાઝોડાની પરિસ્થિતિ સંદર્ભે અદાણી પોર્ટ સેઝે કેન્દ્રીય વાણિજ્ય તેમ જ બંદરીય મંત્રી સાથેની બેઠક માં ભાગ લઈને આવનારી આપત્તિને પહોંચી વળવાની ચર્ચામાં ભાગ લીધો હતો. અદાણી પોર્ટ આપત્તિ વ્યવસ્થાપન તેમ જ સલામતીના તમામ નિયમોને અનુસરી રહ્યું હોવાનું અને સુરક્ષાના તમામ નિયમોનું પાલન કરતું હોવાનુ જણાવાયું છે. રાશન, દવા, પાણી તેમ જ સંદેશાવ્યવહાર અંગેની પણ પૂરતી જોગવાઈ કરાઈ હોવાનું જણાવાયું છે.

દરમ્યાન, મુન્દ્રાના કાંઠાળ વિસ્તારમાં તાલુકા વિકાસ અધિકારી વસંત ચંદે તથા સ્ટાફે આજે ફરી રૂબરૂ પ્રવાસ કર્યો હતો. ગઇકાલે પણ લોકોને સલામત સ્થળે ખસેડાયા હતા. આજે રંધ બંદર, ભદ્રેશ્વર, કુકડસર, સહિતના ગામડાઓમાં ગયા હતા અને મીઠાના અગરો માંથી ટ્રકમાં મીઠું ભરવાની કામગીરી બંધ રાખવા સૂચનાઓ આપી હતી. દરિયા કાંઠા નજીક વાહનવ્યવહાર તેમ જ લોકોને જતાં અટકાવવા જરૂર હોય ત્યાં પોલીસ બંદોબસ્ત મૂકવાની કાર્યવાહી હાથ ધરી હતી. મુન્દ્રા તાલુકાના ૧૩ ગામોના કુલ ૬૬૫૭ લોકોને સલામતીના કારણોસર ખસેડી અન્યત્ર આશરો અપાયો છે. મુન્દ્રા તાલુકામાં ૨૫ આશ્રય સ્થાનો અને ૧૧ કોવીડ સેન્ટર છે. આજે પ્રવાસમાં જોડાયેલ મુન્દ્રાના યુવા પત્રકાર રાજ સંઘવી જણાવ્યું હતું કે, કાંઠાળ વિસ્તારમાં ધૂળની ડમરીઓ સાથે ભારે પવન ફૂંકાઈ રહ્યો છે. વાવાઝોડા સબંધિત કાર્યવાહીમાં મુન્દ્રા તાલુકા વિકાસ અધિકારી વસંત ચંદે, ના.તા.વિ.અ. ભગીરથસિંહ ગોહિલ અને સ્ટાફ સતત કાર્યરત છે. (તસવીરોઃ રાજ સંઘવી, મુન્દ્રા)

(6:05 pm IST)