Gujarati News

Gujarati News

News of Monday, 17th May 2021

પોરબંદરમાં ચાલુ વરસાદમાં મંત્રીશ્રી જયેશભાઇ રાદડિયાએ બે સરકારી કોવિડ હોસ્પિટલની લીધી મુલાકાત

પોરબંદર સિવિલ હોસ્પિટલમાં જનરેટરની વૈકલ્પિક વ્યવસ્થા: ઓક્સિજનનો ત્રણ દિવસનો સ્ટોક કરાયો :પોરબંદરના તંત્રની તૈયારી અંગે સંતોષ વ્યક્ત કરતા મંત્રી જયેશભાઇ રાદડીયા

પોરબંદર :પોરબંદર જિલ્લામાં સંભવિત વાવાઝોડા અંગે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવી રહેલી કામગીરીનુ  નિરીક્ષણ કર્યા બાદ મંત્રીએ પોરબંદરની સિવિલ હોસ્પિટલ કોરોના વોર્ડ ની મુલાકાત લઇ કોરાનાના  દર્દીઓને અપાય રહેલી સારવારનુ નિરીક્ષણ કર્યું હતું.
પોરબંદરમાં સંભવિત વાવાઝોડું આવે તો કોરોનાના દર્દીઓની સારવારમાં કોઈપણ પ્રકારની અસર ન થાય અને શ્રેષ્ઠ સારવાર મળતી રહે એ માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આગોતરૂ આયોજન કરવામાં આવ્યું છે દવાનો પૂરતો જથ્થો ઉપલબ્ધ કરવામાં આવ્યો છે. ઓક્સિજનનો ત્રણ દિવસ સુધી ચાલે તેટલો જથ્થો અને બીજી કોવીડ નર્સિંગ કોલેજ હોસ્પિટલ  ખાતે સ્ટોક કરવામાં આવ્યો છે.
સરકારી હોસ્પિટલમાં જો વાવાઝોડાની અસરને લીધે વીજપુરવઠો ખોરવાઈ જાય તો વીજળીની વ્યવસ્થા ચાલુ રહે તે માટે જનરેટર મૂકવામાં આવ્યા છે.
મંત્રી જયેશભાઇ રાદડિયાએ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કોરોના દર્દીઓની સારવાર પર કોઈ અસર ન થાય તે માટે કરવામાં આવી રહેલી કામગીરી અંગે સંતોષ વ્યક્ત કર્યો હતો.
મંત્રી જયેશભાઇ રાદડિયાએ સિવિલ હોસ્પિટલ પોરબંદર ખાતે તબીબી અધિકારીઓ અને વહીવટી તંત્રના અધિકારીઓ સાથે બેઠક યોજીને કોરોનાની કામગીરી અને હાલની વ્યવસ્થા અને પૂર્વ તૈયારી વાવાઝોડાની સંભવિત અસર અંગે કરવામાં આવેલી કામગીરી એમ તમામ મુદ્દે સમીક્ષા કરી જરૂરી માર્ગદર્શન પણ આપ્યું હતું.
મંત્રી જયેશભાઇ રાદડિયાએ પોરબંદરમાં ચાલુ વરસાદમાં કોરોનાના દર્દીઓ ને મળી રહેલી સારવારનુ નિરીક્ષણ કર્યું હતું અને આ વેળાએ તેમની સાથે રાજયસભાના સાંસદ  રામભાઈ મોકરીયા, ધારાસભ્ય બાબુભાઇ બોખીરીયા, જિલ્લા કલેકટર અશોક શર્મા, જિલ્લા વિકાસ અધિકારી વિ.કે. અડવાણી એસ.પી  રવી મોહન સૈની, અધિક કલેક્ટર રાજેશ તન્ના, ડીવાયએસપી તેમજ એસડીએમ ,સિવિલ હોસ્પિટલના સિનિયર તબીબી સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા

(6:56 pm IST)