Gujarati News

Gujarati News

News of Monday, 17th May 2021

ભાવનગર જિલ્લાનામહુવા તાલુકાના દરિયાકાંઠાના કતપર ગામે રૂબરૂ જઇ મંત્રી ગણપતસિંહ વસાવાએ ગામ ન છોડતાં માંગતાં ગામ લોકોનું વરસતાં વરસાદ વચ્ચે સ્થળાંતર કરાવ્યું : સગર્ભા માતાઓને પણ સલામત સ્થળે ખસેડાઇ

ભાવનગર જિલ્લામાં અત્યાર સુધી ૨૫,૭૦૦ લોકોનું સ્થળાંતર કરી સલામત સ્થળે ખસેડાયા

(વિપુલ હિરાણી દ્વારા ) ભાવનગર :તાઉ’તે વાવાઝોડાને અનુલક્ષીને ભાવનગર જિલ્લામાં પ્રભાર સંભાળી રહેલાં વન અને પર્યાવરણ મંત્રીશ્રી ગણપતસિંહ વસાવાએ આજે મહુવા તાલુકાના દરિયાકાંઠાની એકદમ નજીક આવેલાં કતપર ગામની મુલાકાત લઇ ગામ ન છોડવાં માંગતાં ગામજનોને સમજાવી વરસતાં વરસાદ વચ્ચે એસ. ટી. બસો મારફત મહુવા ખાતે સલામત સ્થળે આશ્રય સ્થાનોમાં ખસેડ્યાં હતાં.

  આ ગામ દરિયાકિનારાથી માત્ર અડધા કિલોમીટર દૂર આવેલું છે. ગામ લોકો વાવાઝોડા અંગે જાણતાં હોવાં છતાં પોતાના મૂળ ન છોડવાં માંગતાં હોવાથી તેમજ ગામની લગની અને માયાને કારણે તેમને ગામ છોડવું ન હતું. તંત્ર દ્વારા વારંવાર સમજાવવાં છતાં તેઓ તેમની વાત પર મક્કમ રહેતાં કોઇપણ સંજોગોમાં ગામ છોડવાં માંગતાં ન હતાં.
તંત્ર દ્વારા આ અંગેની જાણ મંત્રીશ્રીને કરવામાં આવતાં તેઓ તેમના પૂર્વ નિર્ધારિત કાર્યક્રમને વચ્ચે અટકાવી કતપર ગામમાં જવામાં ભારે પવનનો ખતરો હોવાનું તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું હોવાં છતાં માનવતાનો નાદ સાંભળીને મંત્રીશ્રી વરસતાં વરસાદ વચ્ચે પ્રશાશનના ઉચ્ચ અધિકારીઓ સાથે તાત્કાલિક ગામની મુલાકાતે પહોંચ્યાં હતાં.
ત્યાં પહોંચીને વાવાઝોડાની ગંભીરતા તથા સરકાર દરેક પરિસ્થિતિમાં આપની સાથે છે તેવો વિશ્વાસ અપાવતાં ગામલોકો મોટા મને પોતાના ગામને છોડવાં તૈયાર થયાં હતાં અને અંતે ગામલોકોને સલામતી સાથે સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતાં.
આમ, મંત્રીની કુનેહ, લોકોના દર્દ સમજવાની હમદર્દી તેમજ રાજ્ય સરકારની સંવેદનશીલતાની ત્રિવેણીને કારણે અશક્ય બનેલું આ કામ શક્ય બન્યું હતું.
વન અને પર્યાવરણ મંત્રી ગણપતસિંહ વસાવાએ જણાવ્યું કે, ભાવનગર જિલ્લામાં અત્યાર સુધીમાં ૨૫,૭૦૦ લોકોનું સલામત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું છે. એટલું જ નહીં જિલ્લામાં બે દિવસ અગાઉ સગર્ભા મહિલાઓને આગોતરું આયોજનના ભાગરૂપે કોવિડ પ્રોટોકોલ સાથે સલામત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું છે.
તેમણે કહ્યું કે, છેવાડાના ગામનો એકપણ વ્યક્તિ અસરગ્રસ્ત ન થાય તેવી સંવેદનશીલતાથી માનવ સેવાનો ધર્મ આ સરકાર નિભાવી રહી છે. વાવાઝોડાની અસરની લોકોને ઓછામાં ઓછી તકલીફ પડે તેવી સુચારું વ્યવસ્થા સરકારે સંવેદનશીલતાથી કરી છે.
ભાવનગર જિલ્લામાં વાવાઝોડાથી ૧૫૦ જેટલાં ગામો પ્રભાવિત થવાની શક્યતાઓને ધ્યાનમાં લેતાં એન.ડી.આર.એફ. તેમજ એસ.ડી.આર.એફ.ની ટીમો બચાવ-રાહતની કામગીરી કરવાં માટે તેહનાત કરવામાં આવી છે.
મંત્રીએ ઉમેર્યું કે, મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શન હેઠળ વાવાઝોડાથી ઓછામાં ઓછી જાનહાની તેમજ માલ-મિલકતને ઓછું નુકશાન થાય તે માટેની તમામ તૈયારીઓ જિલ્લા પ્રશાશને કરી છે.
વાવાઝોડા પછી બચાવ-રાહત કામગીરી માટે માર્ગ-મકાન, આરોગ્ય, વન વિભાગ, પાણી પુરવઠા તેમજ ઉર્જા વિભાગની ટીમો તહેનાત કરવામાં આવી છે. જેમના દ્વારા રાઉન્ડ ધ ક્લોક કામગીરી કરવામાં આવી રહી છે.
 મંત્રીએ દરિયાકાંઠા વિસ્તારના ગામોની મુલાકાત લઇ સ્થિતિ અંગે સમીક્ષા કરી હતી અને ગામના સરપંચ સહિતના લોકોને વાવાઝોડા દરમિયાન સલામતી માટેના ત્વરિત પગલાં અને રેસ્ક્યુ કામગીરી અંગે માર્ગદર્શન આપ્યું હતું. વાવાઝોડાની અસર દરિયાઈ પટ્ટી વિસ્તારમાં થાય તે દરમિયાન લોકોનું સ્થળાંતર કરવામાં સાથ-સહકાર આપવા માટે અનુરોધ કર્યો હતો.

મંત્રીની આ મુલાકાત દરમિયાન ધારાસભ્યશ્રી આર.સી.મકવાણા, અગ્રણી મુકેશ લંગાળિયા, કલેક્ટર ગૌરાંગ મકવાણા, જિલ્લા વિકાસ અધિકારી વરૂણ બરનવાલ, જિલ્લા પોલીસ વડા જયપાલસિંહ રાઠૌર  તથા વિસ્તારના આગેવાન પદાધિકારીઓ-અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

(7:05 pm IST)
  • કેરળમાં પણ કેસ ઘટયા: સાજા થવાનો આંક ઘણો ઊંચો રહ્યોકેરળમાં પણ કોરોના કેસ ઘટી ગયા. ૨૪ કલાકમાં આજે નવા ૨૯૭૦૪ કેસ નોંધાયા, ૮૯ મૃત્યુ થયા અને ૩૪૨૯૬ સાજા થયા છે. નવા કેસ કરતા સાજા થવાનો આંક લગભગ સાડા ચાર હજાર જેટલો વધુ છે. access_time 7:48 pm IST

  • મુંબઈમાં ભારે વરસાદ પડી રહ્યો છે અને મુંબઇ 100 કિ.મી. પ્રતિ કલાકની ઝડપે ભારે પવન ફૂંકાઈ રહ્યો છે. હાલમાં મુંબઇમાં NDRFની ત્રણ ટીમો તૈનાત કરવામાં આવી છે અને 5 ટીમો એલર્ટ પર છે. મુંબઈમાં 5 સ્થાનો પર અસ્થાયી આશ્રય ઘરો બનાવવામાં આવ્યા છે, જેથી લોકોને જરૂર પડે તો અહીં સ્થળાંતર કરી શકાય. વેસ્ટર્ન મુંબઈમાં NDRFની ત્રણ ટીમો અને પૂરથી સુરક્ષા માટે ફાયર બ્રિગેડની 6 ટીમો પણ તૈનાત કરવામાં આવી છે. અહીં બપોરે 2 વાગ્યા સુધી એરપોર્ટ પણ બંધ કરવાની જાહેરાત કરવામાં આવી છે. access_time 5:28 pm IST

  • વાવાઝોડાની ઇફેક્ટ : જૂનાગઢ ના ચોરવાડ માં અતિભારે ફૂંકાતા પવનને કારણે નારીયેલીના ઝાડ પડતા 2 માળ નું મકાન થયું ઘરાશાઈ access_time 11:46 pm IST