Gujarati News

Gujarati News

News of Monday, 17th May 2021

વાવાઝોડાંના પગલે ભુજમાં અલાયદો ઈમરજન્સી ટ્રોમા વોર્ડ કાર્યરત

મુખ્ય બે કોવીડ હોસ્પિટલમાં ઓક્સિજન અને પાવર બેકઅપની વ્યવસ્થા ઉભી કરાઈ

ભુજ : આગામી સંભવિત વાવાઝોડા તૌકતે ના અનુસંધાને આગમચેતીના પગલે લેવા તથા જાન-માલનું નુકશાન ન થાય તે માટે ભુજ શહેરી વિસ્તારમાં હાલમાં કોવીડ-૧૯ હોસ્પિટલમાં દાખલ દર્દીઓને પ્રતિકુળ અસર ન થાય તે માટે નાયબ મામલતદારશ્રીઓ તથા સીટી સર્વે સુપ્રિ.ના સ્ટાફની વિવિધ ટીમોની રચના કરી કોવીડ-૧૯ હોસ્પિટલમાં ઓકસીજન, પાવર બેકઅપ/ડી.જી.સેટ તથા જાહેર સલામતી જેવા વિવિધ મુદાઓની ચકાસણી કરવામાં આવી છે તથા વાવાઝોડા સબંધે તમામ કોવીડ હોસ્પિટલને એલર્ટ કરવામાં આવી છે.

આજરોજ ભુજ મદદનીશ કલેકટરશ્રી મનીષ ગુરવાની દ્વારા જી.કે.જનરલ હોસ્પિટલ, ભુજ તથા સમરસ હોસ્પિટલ, ભુજ ખાતે ઓકિસજન તથા પાવર બેકઅપ અંગેની વ્યવસ્થાનું જાત નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. તેમણે કોવીડ હોસ્પિટલોને વાવાઝોડા સબંધે એલર્ટ રહેવા સૂચના આપી હતી. જી.કે.જનરલ હોસ્પિટલ ખાતે વાવાઝોડા અંગેની ગંભીરતા ધ્યાને લઇ ઈમરજન્સી ટ્રોમા વોર્ડની વ્યવસ્થા કરવામાં આવી છે. ઈમરજન્સી ટ્રોમા વોર્ડમાં કુલ ૬૦ થી ૭૦ બેડની તથા આ વોર્ડ ખાતે વેન્ટીલેટર, ઓકિસજન સપ્લાયની વ્યવસ્થા, બેકઅપ સહિતની વ્યવસ્થા કરાઇ છે.
ભુજ શહેર તથા ભુજ ગ્રામ્ય વિસ્તારના લોકોને વાવાઝોડા સંદર્ભે સાવચેતી રાખવા તથા તકેદારીના ભાગરૂપે આનુષાંગિક વ્યવસ્થા રાખવા તથા વહીવટી તંત્રને સાથ સહકાર આપવા ભુજ મદદનીશ કલેકટર મનીષ ગુરવાની દ્વારા અપીલ કરવામાં આવી છે.

(8:29 pm IST)