Gujarati News

Gujarati News

News of Monday, 17th May 2021

ઉના અને દેલવાડાની વચ્ચે વાવાઝોડું : ગીરમાંથી પણ થયું પસાર : અમરેલી તરફ જવાની સંભાવના

સોમનાથથી પસાર થઈને રાજુલા, જાફરાબાદ સહીતના વિસ્તારોમાં આગળ જવાની શક્યતા : ઉના અને મહુવામાં દોઢ-દોઢ ઇંચ વરસાદ : તળાજા અને દહેગામમાં એક-એક ઇંચ વરસાદ

રાજકોટ : તાઉતે વાવાઝોડું દીવના વણાંકબારા સાથે ટકરાયુ છે. આ દરમિયાન વાવાઝોડાની સાથે ગુજરાતના સોમનાથ, વેરાવળ, ઉના અને કોડીનાર સહીતના દરિયાઇ વિસ્તારોમાં 133 કિલોમીટર પ્રતિકલાકની ઝડપે પવન ફૂકાયો છે. હવે આ વાવાઝોડું ધીમે.ધીમે. ઉના અને દેલવાડાની આસપાસ છે. જ્યાંથી ગીર સોમનાથમાંથી પસાર થઇ અમરેલીના રાજુલા, જાફરાબાદ સહીતના વિસ્તારોમાં આગળ જવાની શક્યતા છે.

રાજ્યમાં વાવાઝોડાના કારણે 78 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. સૌથી વધુ 3 ઇંચ વરસાદ ઉમરગામમાં નોંધાયો છે. ઉનામાં દોઢ ઇંચ અને ભાવનગરના મહુવામાં પણ દોઢ ઇંચ વરસાદ નોંધાયો છે.તળાજામાં પણ એક ઇંચ અને દહેગામમાં પણ એક ઇંચ વરસાદ થયો છે.

શક્તિશાળી વાવાઝોડું તાઉતે ગુજરાતના દરિયાકિનારે ટકરાઇ ચૂક્યુ છે. હવામાન વિભાગે આ અંગે સત્તાવાર જાહેરાત કરી દીધી છે. વાવાઝોડાના લીધે ગુજરાતના ચાર જીલ્લાઓમાં ભારે વરસાદ થવાની શક્યતાઓ છે. તો આગામી બે કલાકમાં લેંડફોલની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ગાંધીનગરના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે ઉપસ્થિત રહી તાઉતે વાવાઝોડાના લેન્ડફોલ અને રાજ્ય પરથી પસાર થવાની સંપૂર્ણ પ્રક્રિયા પર નજર રાખી રહ્યા છે. તેમણે મોડી રાત્રે ગાંધીનગરના સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરમાં મુખ્ય સચિવ સહિત રાજ્ય સરકારના તમામ વિભાગના વરિષ્ઠ સચિવો સાથે સર્વગ્રાહી સમીક્ષા બેઠક યોજીને આ વાવાઝોડાની ગતિ, સ્થિતી અને તીવ્રતા વિશેની રજેરજની માહિતી મેળવી હતી.

(11:36 pm IST)