Gujarati News

Gujarati News

News of Tuesday, 17th May 2022

નિકાસ ઉપર પ્રતિબંધને કારણે કંડલામાં ૨૦ લાખ ટન ઘઉંનો જથ્થો અટવાયો: પોર્ટની અંદર ૮ લાખ ટન અને બહાર ટ્રકોમાં ૧૨ લાખ ટન ઘઉં અટવાતાં કરોડોના નુકસાનની ભીતિ

કંડલામાં ગરમી વચ્ચે દિવસોથી અટવાયેલી સેંકડો ટ્રકોના ડ્રાઈવરોએ પાણી અને ભૂખથી પરેશાન થઈ હુરિયો બોલાવ્યો, પોર્ટ અને ચેમ્બર મદદે દોડ્યા, કંડલા કસ્ટમ બ્રોકર્સ દ્વારા સરકાર સમક્ષ ઘઉં બગડે તે પહેલા નિર્ણય લેવા રજૂઆત

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૧૭

 કેન્દ્ર સરકારે એકાએક ઘઉંની નિકાસ ઉપર લાદેલા પ્રતિબંધે અનેક લોકોની આર્થિક મુશ્કેલી વધારી દીધી છે. જોકે, સૌથી વધુ દયનીય પરિસ્થિતિ ટ્રક ડ્રાઈવરોની છે. ઘઉં નિકાસ થશે કે નહીં એની રાહ જોઈ રહેલી સેકડો ટ્રકો કંડલામાં ખડકાઈ છે. દિવસોથી રાહ જોતી આ ટ્રકોના ડ્રાઇવરો માટે ૪૫ ડિગ્રી ગરમીમાં ખાવા, પીવાની વ્યવસ્થા ખૂટી પડતાં ડ્રાઇવરોએ હુરિયો બોલાવ્યો હતો અને ભોજન પાણીની તેમની મુશ્કેલી દર્શાવી હતી. જોકે, આ હકીકત ધ્યાને આવ્યા બાદ પોર્ટ પ્રશાસન અને ચેમ્બરે સાથે મળીને માનવીય મદદનો હાથ લંબાવ્યો છે. જોકે, ઘઉંના નિકાસકારો માટે આર્થિક સંકટ ઉભુ થયું છે. કંડલા પોર્ટની અંદર અત્યારે ૮ લાખ ટન ઘઉં નિકાસ ની રાહ જોઈ રવાના કરવા માટે તૈયાર છે. તો, કંડલા પોર્ટ બહાર પણ ઘઉં ભરીને જે સેંકડો ટ્રકો આવી ગઇ છે તેની અંદર ૧૨ લાખ ટન ઘઉં નો જથ્થો પડ્યો છે. હવે, આ જથ્થાનું કરવું શું? ટ્રાન્સપોર્ટ ભાડું ઉપરાંત નિકાસ બંધ થતાં ઘઉંના ભાવ ઘટતાં  નિકાસકારો માટે આર્થિક સંકટ ખડું થયું છે. દરમ્યાન કંડલા કસ્ટમ બ્રોકર્સ એસો. દ્વારા સરકારને પત્ર લખીને ૨૦ લાખ ટન ઘઉં નો જથ્થો બગડે તે પહેલાં યોગ્ય નિર્ણય કરવા માટે રજૂઆત કરાઈ છે.

(9:52 am IST)