Gujarati News

Gujarati News

News of Tuesday, 17th May 2022

પોરબંદર કાંઠે ડ્રેજીંગ કામગીરી દરમિયાન નીકળતી રેતીનો યોગ્ય જગ્યાએ ઉપયોગની માંગણી

(હેમેન્દ્રકુમાર પારેખ દ્વારા) પોરબંદર, તા., ૧૭: અસ્માવતી ઘાટ જુના બંદરે રેતી નિકાલ કરવા ડ્રેજીંગની કામગીરીનો પ્રારંભ  થયો છે. જેનાથી માછીમારો અને બોટ માલીકોને રાહત થઇ છે.

પાંચેક વર્ષ પહેલા આ પ્રકારે ડ્રેજીંગ કામગીરીમાં મોટા જથ્થામાં રેતી નીકળી હતી અને આ જથ્થો ચોપાટી મેદાનમાં રાખેલ હતો ત્યાર પછી રેતી જથ્થો અદ્રશ્ય થઇ ગયો હતો.

ડ્રેજીંગ કામમાંથી નીકળતી રેતીનું વેચાણ બાદ રોયલ્ટીની આવક સરકારમાં સમયસર જમા થાય તેવી માંગણી ઉઠી છે. એવી ચર્ચા છે કે ડ્રેજીંગ કામગીરી શરૃ થઇ એ પહેલા એક ટ્રાન્સપોર્ટરની ઓફીસે તેમના મિત્રો-મોભીઓની હાજરીમાં મીટીંગ મળી હતી. આ મીટીંગમાં એક બીજાના સ્વાર્થ માટેની લાપસીની વાતો થઇ હોવાનું ચર્ચા થઇ રહી છે. પાંચ વર્ષ પહેલા ડ્રેજીંગ કામગીરીમાં રેતીના મોટા જથ્થાનો નિકાલ થયો હતો.

આ રેતીની કિંમત કરોડોમાં હોવાની તે સમયે ચર્ચીત બન્યું હતું. આ રેતી ચોપાટીના ગ્રાઉન્ડમાં ઠલવવામાં આવી હતી. ત્યાર પછી આ રેતીનો જથ્થો અદ્રશ્ય થતા આ બાબતે આરટીઆઇ એકટીવીસ્ટ બાવનભાઇએ સરકારમાં માહીતી અધિકારી હેઠળ વિગતો મેળવવા અરજી કરી હતી. પરંતુ સંબંધીત ખાતા દ્વારા સંતોષકારક માહીતી મળી શકી નહોતી. ત્યાર પછી આ પ્રશ્નને ઉચ્ચકક્ષાએ રજુઆત કરી હતી અને તપાસના હુકમ થયા હતા પછી તપાસ થઇ કે કેમ? તે અંગે કોઇ સગડ નથી જવાબદારો મૌન સેવી ગયા હતા.

ડ્રેજીંગ માટે સમયાંતરે રજુઆત કરતા માછીમારોને એ વાત ધ્યાને નથી આવતી કે  અસ્માવતી ઘાટમાં ચીકણી માટી 'ચિખલ' નીકળે છે. જેનો સિમેન્ટ સહીત ઉદ્યોગમાં ઉપયોગ થઇ શકે છે. અસ્માવતી ઘાટમાં જેમાંથી પાણી આવે છે તે જયુબેલી અને કર્લી ખાડીમાં પુષ્કળ કાપ ભર્યો છે. ડ્રેજીંગ દરમ્યાન આ કિંમતી કાપનો ઉપયોગ થવો જોઇએ. ભુતકાળમાં શહેરના સીમેન્ટ ઉદ્યોગ દ્વારા ચીખલ માટીનો સીમેન્ટ બનાવવામાં ઉપયોગ થતો હતો. પરંતુ આગેવાનો એક મત થઇને સમાજના પ્રશ્ને લડત ચલાવી શકતા નથી. વચેટીયાની વાતોમાં ભોળવાયુ જતા વિકાસ કામમાં રૃકાવટ આવી જાય છે. જુના બંદરે ડ્રેજીંગ કામગીરી શરૃ કરાય છે. તે કામ ર૩ હેકટરમાં થશે અને નિકાલ થયેેલ રેતીનું વેચાણ કરીને તેનાથી જતી રોયલ્ટીની આવક સરકારમાં જમા કરાવશે તેવુ જાહેર કરાયું છે.

(2:08 pm IST)