Gujarati News

Gujarati News

News of Tuesday, 17th May 2022

ગીર સોમનાથ જિલ્લામાં સંખીમંડળની બહેનો માટે ૨.૧૮ કરોડની લોન મંજૂર કરાઈ

સોમનાથમાં રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન હેઠળ ક્રેડિટ કેમ્પના માધ્યમથી સ્વ સહાય જૂથોને કેશ ક્રેડિટ ચેક અને રોજગારલક્ષી કીટનુ વિતરણ કરાયું:રાજ્ય સરકારે સખી મંડળની બહેનો આત્મનિર્ભર બને તે માટે ધિરાણ-કેશ ક્રેડિટમાં માતબર વધારો કર્યો છે:જિલ્લા પંચાયતના પ્રમુખ-શ્રીમતિ રામીબેન વાજા

પ્રભાસ પાટણ: ગીર સોમનાથ જિલ્લાની મહિલાઓ આત્મનિર્ભર અને સ્વાવલંબી બને તે માટે રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન હેઠળ સ્વસહાય જૂથો માટે ૨.૧૮ કરોડની લોન-કેશ ક્રેડિટ મંજૂર કરવામાં આવી છે. જેનુ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતિ રામીબેન વાજાના અધ્યક્ષતામાં પ્રતિકાત્મક વિતરણ કરવામાં આવ્યું હતું. 

આ સાથે સ્વરોજગારલક્ષી રૂ-દિવેટના મશીનનું સખીમંડળના બહેનોને વિતરણ કરવામાં આવ્યું હતુ. અને  બેન્ક મિત્ર તરીકે ઉત્કૃષ્ટ કામગીરી કરનાર સખીમંડળનુ સન્માન કરવામાં આવ્યું હતુ. 

સોમનાથના શ્રી રામ ઓડિટોરીયમ ખાતેના આ સમારોહમાં શ્રીમતિ રામીબેન વાજાએ સંબોધિત કરતા જણાવ્યું કે, એક સમયે સખી મંડળની બહેનોને સામાન્ય કહી શકાય તેવી રકમની કેશ ક્રેડિટ કે લોન મળતી હતી. જેમાં આજે રાજ્ય સરકાર માતબર વધારો કરી રૂ. એક લાખ સુધીની લોન-કેશ ક્રેડિટ આપવામાં આવે છે. આ નાણાં બહેનોને આર્થિક રીતે પગભર થવામાં ખૂબ ઉપયોગી થઈ પડે છે. એક ઓછા દરે નાણાં મળતા હોવાથી બહેનો આર્થિક તકલીફોનો સામનો કરવો પડતો નથી. સાથે એક રોજગારીનુ નિર્માણ પણ શક્ય બને છે.

જિલ્લા વિકાસ અધિકારી શ્રી રવીન્દ્ર ખતાલેએ જણાવ્યું કે, મહિલાઓ આત્મનિર્ભર નહિ બને ત્યા સુધી આત્મનિર્ભર ભારત બનવુ શક્ય નથી. દેશની અડધી આબાદી મહિલાઓ હોય ત્યારે મહિલાઓના વિકાસમાં દેશનો વિકાસ સમાયેલો છે તેમ જણાવતા કહ્યુ કે, બહેનો જ્યારે સ્વ સહાય જૂથમાં જોડાયા ત્યારેથી તેમનામાં એક આત્મવિશ્વાસનો સંચાર થયો છે. તેઓ નિર્ભિક રીતે પોતાના વિચારો રજૂ કરે છે. સાથે જ બહેનોએ જવાબદારીપૂર્વક સમયાવધિમાં બેન્ક દ્વારા મળેલ ધિરાણનું ચૂકવણું પણ કર્યું છે.

આ તકે જય ખોડલ મંગલમ જૂથ, વંશરાજ મંગલમ જૂથ, જય ભીમ મિશન મંગલમ જૂથ, ફરિન મહિલા બચત મંડળ, મુસ્કાન મંગલમ જૂથ, જય યોગશ્વર સખી મંડળ, મોમાઈ મંગલમ જૂથને એક લાખ રૂપિયાનો કેશ ક્રેડિટ ચેક અર્પણ કરવામાં આવ્યો હતો. ઉપરાંત રામેશ્વર સખી મંડળ અને બીબીમાં મંગલમ સ્વ-સહાય જૂથને રૂ-દિવેટ મશીનનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ સાથે બેન્ક મિત્ર તરીકે ઉત્કૃષ્ટ કામગીરી માટે મહાદેવ સખી મંડળ, ક્રિષ્ના લોકશક્તિ સ્વ-સહાય જૂથ, મોમાઈ મંગલમ્ જૂથ અને જય ચામુંડા સ્વ સહાય પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમજ શ્રી ગણેશ મંગલમ જૂથને  FLCRP તાલીમનુ પ્રમાણપત્ર અને કીટ આપવામાં આવી હતી.

આ પ્રસંગે લીડ બેન્કના મેનેજર ભગવાનભાઈ મેરે ઓનલાઈન નાણાંકીય થતી છેતરપિંડી બચવા માટે દિશાસૂચક માર્ગદર્શન આપ્યું હતુ.

આ પ્રસંગે શાબ્દિક સ્વાગત જિલ્લા વિકાસ એજન્સીના નિયામકએસ.જે ખાચરે અને આભારવિધિ વેરાવળના તાલુકા વિકાસ અધિકારીએ કરી હતી. આ પ્રસંગે મોટી સંખ્યામાં સખીમંડળ બહેનો ઉપસ્થિત રહ્યા હતા

(9:27 pm IST)