Gujarati News

Gujarati News

News of Wednesday, 17th August 2022

પોરબંદર પાસે ગૌશાળામાં સુએજ ટ્રીટમેન્‍ટ પ્‍લાન્‍ટના ગંદા પાણી ઘુસ્‍યાઃ ઘાસચારાને નુકશાન

પોરબંદર તા.૧૭: ઓડદર જતા રસ્‍તે ઇિન્‍દરાનગર નજીક નગરપાલિકાનો શુધ્‍ધિકરણ માટેનો સુએજ ટ્રીટમેન્‍ટ પ્‍લાન્‍ટ આવેલો છે કે જયાંથી અવાર-નવાર ગંદાપાણી ઉભરાઇને મુખ્‍ય રોડ ઉપર જ નહી પરંતુ તેની સામે આવેલ સીકોતેર માતાજીના મંદિર સુધી પહોંચી જાઇ છે ત્‍યારે વધુ એક વખત આ પાણી મંદિર અને તેની ગૌ-શાળા સુધી ફેલાઇ જતા ગૌ-શાળામાં ઘાસચારાને અને ગૌધનને મોટું નુકશાન થયું હોવાની કોંગ્રેસ દ્વારા ઉચ્‍ચકક્ષાએ ફરિયાદ કરી છે.
કોંગ્રેસના આગેવાન રામદેવભાઇ મોઢવાડિયાએ ફરિયાદમાં જણાવ્‍યુ છે કે, ઇન્‍દિરાનગરથી ઓડદર તરફ જતા રસ્‍તે નગરપાલિકાનો સુએજ ટ્રીટમેન્‍ટ પ્‍લાન્‍ટ આવેલો છે કે જયાં ગટરના ગંદાપાણીનું શુદ્ધિકરણ થાય છે આ પ્‍લાન્‍ટ ખાતેથી અવારનવાર ગંદાપાણી છલકાઇ છે અને હાઇવે ક્રોસ કરીને સામે આવેલા સીકોતેર માતાજી મંદિર અને તેની ગૌ-શાળામાં એ પાણી ઘુસી જાય છે. રાત્રે પણ ત્‍યાના કર્મચારીની બેદરકારીને કારણે આ પાણી છલકાઇને મંદિર સુધી પહોંચી ગયા હતા ગૌ-શાળાની અંદર પાણીનો ભરાવો થઇ જતા પશુઓના ઘાસચારાને મોટું નુકશાન થયું હતુ. એટલું જ નહી પરંતુ એ ગંદાપાણી જમીનમાં પણ ઉતરતા નહી હોવાને કારણે પશુઓને તેમાં રહેવાની ફરજ પડતા તેમની ચામડીમાં પણ ફોડલા પડી ગયા હતા તેમ રજૂઆતમાં જણાવ્‍યું છે

 

(10:22 am IST)