Gujarati News

Gujarati News

News of Wednesday, 17th August 2022

નળ સરોવર રોડ પર બે બાઇક સામસામે અથડાતા બે વ્‍યકિતના મોત

રાણાગઢથી ઘરે જઇ રહેલાઓને અકસ્‍માત નડયો : બાઇક સાથે પોતાનું વાહન ધડાકાભેર અથડાવનાર બાઇકચાલકનું પણ મૃત્‍યુ નિપજ્‍યું

વઢવાણ,તા. ૧૭ : વિરમગામ નળ સરોવર રોડ પર સર્જાયેલા એક માર્ગ અકસ્‍માતમાં બે વ્‍યક્‍તિના મોત નિપજયાં હતા. શાહપુર ગામ નજીક બાઇક પૂરઝડપે અને ગફલતભરી રીતે હંકારીને સામેથી આવી રહેલા બાઇક સવાર સાથે ટકરાતા અકસ્‍માત સર્જાયો હતો. બંને બાઇક ચાલકના ઘટનાસ્‍થળે જ મોત નિપજયા હતા.

શાહપુર પાસે સર્જાયેલા બાઇક અકસ્‍માતની ઘટના અંગે વિશાલ નવઘણ ભરવાડ (રહે.મેણી)એ પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ અનુસાર તેઓ પોતાના કાકા સાથે ગાયો મુકવા રાણાગઢ ગામે ગયા હતા. ત્‍યારે તેમના પિતા નવઘણભાઈ ભરવાડ બાઇક લઇને તેમને લેવા માટે આવ્‍યા હતા. ત્રણેય જણા બાઇક પર બેસીને રાણાગઢથી મેણી આવવા નિકળ્‍યા હતા. બાઇક તેમના પિતા ચલાવતા હતા. શાહપુર ગામ નજીક તેઓ પહોંચ્‍યા ત્‍યારે નળ સરોવર ચોકડીથી એક શખ્‍સ પૂરઝડપે એક બાઇક લઇને ગફલતભરી રીતે વાહન હંકારીને નવઘણભાઈની બાઇક સાથે અથડાયો હતો. જેમાં બાઇકચાલક નવઘણભાઈને શરીર અને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. તેમને ૧૦૮ મારફતે વિરમગામ સરકારી હોસ્‍પિટલ લઇ જવાયા હતા, જયાં તેમને મરણ પામેલા જાહેર કરવામાં આવ્‍યા હતા. અકસ્‍માત સર્જનાર બાઇક ચાલક બાબુભાઈ હીરાભાઈ પરમાર (રહે. કુમરખાણ)ને પણ શરીરે ગંભીર ઇજાઓ પહોંચતા વિરમગામ લાવવામાં આવ્‍યો હતો. જયાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા. બનાવ અંગે નળ સરોવર પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે.

ખેતરમાં ટ્રેક્‍ટર ચલાવવા અંગેના ઝઘડામાં ત્રણ શખ્‍સ ઉપર હુમલો

આ બનાવની વિગત એવા પ્રકારની છેકે ઝમર ગામે રહેતા નાગરભાઈ ભગવાનભાઈ દેગામા અને રઘુભાઈ નરસીભાઈ રોજાસરાના ખેતરો બાજુબાજુમાં આવેલ છે.તાજેતરમાં રઘુભાઈ તેમના ખેતરમાં એરંડાના વાવેતરમાં ટ્રેક્‍ટરથી ખાતર નાંખતા હતા. તેઓ ટ્રેક્‍ટર વાળવા માટે સેઢા ઉપર ચડાવીનેᅠ નાગરભાઈના ખેતરમાં ચીલા પાડતા હોવાથી નાગરભાઈ તેમના પિતા ભગવાનભાઈ તથા કાકા રામજીભાઈએ રઘુભાઈને પોતાના ખેતરમાં ચીલા નᅠ પાડવા અને તેમના ખેતરમાં જ ટ્રેક્‍ટર વાળી લેવાનું કહેતા ઉશ્‍કેરાયેલા રઘુભાઈ, તેના પુત્ર ધર્મેન્‍દ્ર ઉર્ફે અક્ષુ તથા જસુબેને સોરીયાથી હુમલો કરીને ભગવાનભાઈ તથા રામજીભાઈને માથામાં તથા નાગરભાઈના હાથે ગંભીર ઈજા કરતા ત્રણેયને પ્રાથમીક સારવાર લખતર હોસ્‍પીટલે આપીને વધુ સારવાર માટે સુરેન્‍દ્રનગર સી.યુ.શાહ હોસ્‍પીટલે લવાયા હતા. આ અંગે લખતર પોલીસમાં મહિલા સહીત ત્રણેય સામે ફરીયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરેલ છે.

(5:07 pm IST)