Gujarati News

Gujarati News

News of Thursday, 17th September 2020

કોરોનાનો ફફડાટ : ભાવનગર -૪૩, ગોંડલ-૧૫, મોરબી-૨૬, જસદણમાં ૧૫ કેસ

ભાવનગરમાં ૪૨ દર્દી ડીસ્ચાર્જ થયા : મોરબીમાં પણ ૨૩ સાજા થયા : સંક્રમણને રોકવા કચ્છમાં વિવિધ સમિતિઓની રચના

રાજકોટ,તા. ૧૭: સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં સંક્રમણ વધી રહ્યું છે. જેમાં પણ મોરબી-રાજકોટ જીલ્લામાં કોરોનાનો વ્યાપ વધતો જ રહ્યો છે તો કચ્છમાં પણ સ્થિતી નિયંત્રણ થતા ન હોવાના અહેવાલ મળે છે.

ભાવનગર જિલ્લામાં ૪૧૯ દર્દીઓ સારવાર હેઠળ

ભાવનગરઃ જિલ્લામા વધુ ૪૩ નવા કોરોના પોઝીટીવ કેસ નોંધાતા જિલ્લામા કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા ૩,૬૦૩ થવા પામી છે. જેમાં શહેરી વિસ્તારમા ૧૪ પુરૂષ અને ૧૪ સ્ત્રી મળી કુલ ૨૮ કેસો નોંધાયા છે. જયારે તાલુકાઓમા ભાવનગર તાલુકાના ઉંડવી ગામ ખાતે ૧, ઘોઘા  તાલુકાના નેસવડ ગામ ખાતે ૧, દ્યોદ્યા તાલુકાના માલપર ગામ ખાતે ૨, ઘોઘા તાલુકાના લાકડીયા ગામ ખાતે ૧, પાલીતાણા ખાતે ૨, પાલીતાણા તાલુકાના રાણપરડા ગામ ખાતે ૧, પાલીતાણા તાલુકાના મેઢા ગામ ખાતે ૧, ગારીયાધાર ખાતે ૧, સિહોર ખાતે ૩, તળાજા તાલુકાના પીપરાળા ગામ ખાતે ૧ તેમજ મહુવા ખાતે ૧ કેસ મળી કુલ ૧૫ લોકોના કોરોના રીપોર્ટ પોઝીટીવ આવતા તેમને વધુ સારવાર માટે દાખલ કરવામા આવેલ છે.

જયારે આજરોજ ભાવનગર મહાનગરપાલિકા વિસ્તારના ૩૧ અને તાલુકાઓના ૧૧ એમ કુલ ૪૨ કોરોના પોઝિટિવ દર્દી કોરોનામુકત થતા તેને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે.

આમ જિલ્લામા નોંધાયેલા ૩,૬૦૩ કેસ પૈકી હાલ ૪૧૯ દર્દીઓ સારવાર હેઠળ છે. જયારે અત્યાર સુધીમા કુલ ૩,૧૨૨ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામા આવ્યા છે તેમજ જિલ્લામા ૫૫ દર્દીઓના અવસાન થયેલ છે.

ગોંડલ

ગોંડલઃ ગોંડલમાં કોરોના પોઝિટિવ ના ૧૫ કેસ નોંધાયા છે. ગોંડલ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં કોરોનાના કેસ દિવસેને દિવસે વધી રહ્યા છે આરોગ્ય વિભાગ દ્વારા પણ લોકોનું ચેકઅપ કરવામાં આવી રહ્યું છે.

ગોંડલમાં વેપારીઓ દ્વારા સ્વેચ્છિક લોકડાઉન પણ જાહેર કરવામાં આવ્યું છે ત્યારે આજે શહેરના જુદા જુદા વિસ્તારોમાં કોરોના ના વધુ ૧૫ પોઝિટિવ કેસ નોંધાયા છે.

તમામને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે આરોગ્ય વિભાગ દ્વારા પોઝિટિવ દર્દીઓના સંપર્કમાં આવેલા લોકોનું આરોગ્ય ચેકઅપ કરવામાં આવી રહ્યું છે.

મોરબી જીલ્લામાં ૧૩૮૦ કેસો

મોરબીઃ જીલ્લામાં બુધવારે કોરોનાના વધુ ૨૬ કેસો નોંધાયા છે જયારે ૨૩ દર્દીઓ કોરોનાને મ્હાત આપીને સ્વસ્થ થયા છે.

નવા નોંધાયેલા કેસોમાં મોરબી તાલુકાના ૧૬ કેસમાં ૦૫ ગ્રામ્ય અને ૧૧ શહેરી વિસ્તારમાં, વાંકાનેરના ૦૨ કેસો શહેરી વિસ્તારમાં, હળવદના ૦૩ કેસોમાં ૦૨ ગ્રામ્ય અને ૦૧ શહેરી વિસ્તારમાં, ટંકારાનો ૦૧ કેસ ગ્રામ્ય પંથકમાં જયારે માળિયાના ૦૪ કેસો ગ્રામ્ય પંથકમાં મળીને કુલ ૨૬ કેસો નોંધાયા છે જયારે વધુ ૨૩ દર્દીઓ જીલ્લામાં સ્વસ્થ થયા છે નવા કેસો સાથે જીલ્લામાં કુલ કેસનો આંક ૧૩૮૦ થયો છે જેમાં ૨૫૫ એકટીવ કેસ છે જયારે અત્યાર સુધીમાં ૧૦૫૭ દર્દીઓ સ્વસ્થ થયા છે.

આટકોટ

(વિજય વસાણી દ્વારા) આટકોટ : જસદણ શહેરમાં ગઇ કાલે ૧૮ પોઝીટીવ કેસ નોંધાયા હતા. જ્યારે જૂના પીપળીયા આટકોટ, જંગવડ, વિરનગર, મકળાપુરમાં ૧-૧ કેસ સાથે કુલ ૨૫ પોઝીટીવ કેસ નોંધાયા હતા.

કચ્છ કોવીડ પ્રભારી રાજકુમાર બેનિવાલની અધ્યક્ષતા હેઠળ માર્ગદર્શન -સમીક્ષા

ભુજઃકલેકટર કચેરી ખાતે કચ્છ  કોવીડ પ્રભારીશ્રી રાજકુમાર બેનિવાલની અધ્યક્ષતા હેઠળ કોવીડ-૧૯ના સંક્રમણને રોકવા વિવિધ સમિતિની રચના કરવામાં આવી હતી.

તેમના માર્ગદર્શન અને સૂચનો હેઠળ કચ્છમાં નોવેલ કોરોના વાયરસ કોવીડ-૧૯ના સંક્રમણને રોકવા તેમજ સાવચેતીના પગલાં ભરવા અને જનજાગૃતિ માટે વિવિધ કુલ નવ સમિતિઓની રચના કરવામાં આવી છે.

જેમાં સર્વેલન્સ ટીમ ઘરે ઘરે થઇ કોવીડ સર્વે કરશે. આરોગ્ય તંત્ર સાથે જોડાઇને આ ટીમ હેલ્થ અંગે વિવિધ ટેસ્ટ અને રિપોર્ટની દૈનિક કામગીરીની વિગતો જિલ્લા કોવીડ કન્ટ્રોલરૂમને પુરુ પાડશે.

એકશન ટેકન ટીમ, કોરોના કોવીડ-૧૯ ની આ અમલીકરણ સમિતિ કચ્છના ભુજ, ગાંધીધામ, અંજાર, માંડવી અને મુન્દ્રા ઝોનની વોર્ડ વાઇઝ કોવીડ દર્દી માટે હોમ આઇસોલેશન, કોવીડ કેર સેન્ટર, હોસ્પિટાઇલેશન વગેરે બાબતોનું અમલીકરણ કરાશે.

સર્વેલનસ ટીમના ભાગરૂપે ટેસ્ટીંગ ટીમ પણ કાર્યરત થશે. આ બધી ટીમોને જરૂરી ડેટા વગેરે પુરુ પાડવાની તેમજ એકત્ર કરવાનું કામ ડેટા એનાલીસીસ ટીમ કરશે. ગ્રિવન્સ રીડરેસલ ટીમ, ફરિયાદ નિવારણ સમિતિ જિલ્લામાં મળેલી ફરિયાદોનું તત્કાલ ધોરણે નિવારણ કરશે જેના હેલ્પલાઇન નં.૧૦૭૭ અને ૦૨૮૩૨-૨૫૨૨૦૭ છે. આ ઉપરાંત ૧૦૪ અને ૧૦૮ હેલ્પલાઇનની પણ મદદ લઇ શકાશે. હોસ્પિટલ મેનેજમેન્ટ ટીમ દ્વારા જિલ્લાની તેમજ ગ્રામ્ય સ્તર સુધીની કોવીડ-૧૯ માટે કાર્યરત હોસ્પિટલ હેઠળની કામગીરી અને જરૂરિયાતો અંગે કામગીરી કરશે. જેમાં મેડિકલ આસીસ્ટન્ટ ટીમ પણ કાર્યરત કરવામાં આવી છે. જેમાં નિષ્ણાંત ડોકટરો દ્વારા કોવીડ-૧૯ બાબતે ક્રિટીકલ કેસોનાં માર્ગદર્શન પુરું પડાશે તેમજ ઓનલાઇન કોન્ફરન્સથી માહિતી પુરી પાડવામાં આવશે. ક્રિટીકલ દર્દીઓ માટે ચોવીસ કલાક ફોન હેલ્પલાઇન સુવિધા છે.

આઇ.ઈ.સી ટીમ એટલે કે, ઈન્ફોર્મેશન ઈલેકટ્રોનિક કોમ્યુનિકેશન ટીમ દ્વારા લોકોને કોવીડ-૧૯ બાબતે માહિતગાર કરાશે. જનજાગૃતિના પ્રચાર પ્રસારની કામગીરી કરાશે. ઈન્વેટરી મેનેજમેન્ટ ટીમ પણ કોવીડ-૧૯ માટે કામગીરી કરશે. આ તમામ ટીમ દ્વારા દૈનિક રિપોર્ટીંગ જિલ્લા સ્તરે કચ્છ કોવીડ-૧૯ ની ટીમને કલેકટરશ્રીની અધ્યક્ષતા હેઠળ રાજયસ્તરે પણ રિપોર્ટીંગ આપશે.

આ બેઠકમાં કલેકટરશ્રી પ્રવિણા ડી.કે., જિલ્લા વિકાસ અધિકારીશ્રી પ્રભવ જોશી, ય્ખ્ઘ્ કુલદીપસિંહ ઝાલા, ડીઆરડીએના નિયામકશ્રી મેહુલ જોશી, તાલીમી આઇએએસ નિધિ સિવાચ, પ્રાંત અધિકારી સર્વશ્રી ભુજના મનીષ ગુરવાણી, મુન્દ્રા-માંડવીના કે.આર.ચૌધરી, ભચાઉના પી.એ.જાડેજા, અબડાસાના ડી.એ.ઝાલા, સીવીલ સર્જન ડો.કશ્પય બુચ તેમજ ડેપ્યુટી ડીડીઓશ્રી ગૌરવ પ્રજાપતિ અને પાર્થ કોટડીયા તેમજ જિલ્લાના સંલગ્ન ખાતાઓના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહયા હતા.

(11:55 am IST)