Gujarati News

Gujarati News

News of Thursday, 17th September 2020

સુરેન્દ્રનગર જિલ્લાની કચેરીઓમાં કોરોના ઘૂસ્યો : અધિક કલેકટરને ચેપ : થાન ૨૦, સુરેન્દ્રનગર ૩, લખતરમાં ૨ કેસ

થાનમાં બપોરે ૨ વાગ્યા બાદ દુકાનો બંધ રાખવા મામલે વેપારીઓ આમને -સામને આવી ગયા : થાનના આધેડનું રાજકોટ સારવારમાં મોત

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ,તા. ૧૭: જિલ્લા આરોગ્ય અધિકારી, મામલતદાર બાદ હવે જિલ્લાના અધિક કલેકટર કોરોનામાં સપડાયા છે. અધિક કલેકટર સહિત પરિવારના ૩ સભ્યો કોરોના સંક્રમીત બન્યા છે. જયારે થાનમાં ૨૦, લખતરમાં ૨ કેસ સહિત જિલ્લામાં બુધવારે ૨૫ કેસ ધ્યાને આવતા કોરોના મીટર ૧૭૩૮ પર પહોંચ્યુ છે. જયારે થાનના ૫૫ વર્ષીય આધેડનું સારવાર દરમિયાન રાજકોટ મોત થયુ છે.

બીજી તરફ સુરેન્દ્રનગર કોવીડ સેન્ટરમાંથી ૫ દર્દીઓને રજા આપતા કોરોના મુકત દર્દીઓની સંખ્યા ૧૨૧૦ થઇ છે. કોરોના મુકત દર્દીઓમાં થોડા દિવસો પહેલા કોરોના સંક્રમીત થયેલા ઈકબાલભાઈ, કાશીબેન, ધનગૌરી કેશવલાલ, કૈલાશબેન અને જીવાભાઈનો સમાવેશ થાય છે. લખતર તાલુકામાં કોરોના વાઇરસના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે બુધવારે લખતર તાલુકામાં વધુ ૨ કોરોનાના કેસ નોંધાયા છે. જેમાં બજરંગપુરા લખતર શહેરમાં ૧-૧ કેસ ધ્યાને આવ્યો છે. થાનગઢમાં ધનવન્તરી રથ ટીમ શહેરના વિવિધ વિસ્તારોમાં ફરી લોકોના કોરોના રિપોર્ટ કરવામાં આવે છે. તમામે તમામ ૨૦ લોકોના રિપોર્ટ નેગેટીવ આવ્યા હતા.

થાનમાં વધતા કેસોને લઇ અમુક વેપારીઓ દ્વારા દુકાનો બપોરે બે વાગ્યા સુધી જ ખુલ્લી રાખવાનો નિર્ણય કરાયો હતો. પરંતુ આંતરીક વિખવાદ સર્જાતા નિર્ણયનો ફિયાસ્કો થતો જોવા મળ્યો હતો. મુખ્ય બજાર સિવાય બસ સ્ટેશન, તરણેતર રોડ, હાઇસ્કુસ રોડ, સહીતની બજારોની ૭૦ ટકાથી વધુ દુકાનો ખુલ્લી જોવા મળી હતી. બીજી તરફ શહેરમાં બે દિવસમાં ૨૦ કોરોના પોઝિટીવ કેસ, ૧ નું મોત થયું હતું. જેમાં થાન શહેરના સર્વોદય સોસાયટી અને પ્રજાપતિ પાર્ક વિસ્તારમાં મંગળવાર અને બુધવાર એમ ૨ દિવસ દરમિયાન ૨૦ લોકો કોરોના સંક્રમીત બન્યા હતા. જયારે સર્વોદય સોસાયટીમાં રહેતા ૫૫ વર્ષીય આધેડને થોડા દિવસ અગાઉ કોરોના પોઝિટીવ આવતા સારવાર માટે રાજકોટ લઇ જવાયા હતા. જયાં સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું. જયાર. તંત્ર દ્વારા કોઇ જ આંકડા જાહેર કરવામાં ન આવતા રોષની લાગણી ફેલાઇ છે.

લખતર મામલતદાર કચેરી સેનિટાઇઝ કરાઇ...

લખતર મામલતદાર કચેરીમાં કોરોના પ્રવેશતા સબ રજિસ્ટ્રાર અને બે રેવન્યુ તલાટી સંક્રમિત થયા છે. જેના લીધે મામલતદાર ડો.વી.બી.પટેલ દ્વારા મામલતદાર કચેરી તા.૧૯ સુધી બંધ રખાઇ છે. જેમાં અતિ આવશ્યક સેવાઓ ચાલુ રહેનાર છે. ત્યારે ગ્રામ પંચાયતનાં સેનેટરી ઇન્સ્પેકટર દ્વારા મામલતદાર કચેરી સેનીટાઈઝ કરવામાં આવી હતી.

અધિક કલેકટરને અરજીઓ સ્વીકારતાં ચેપ લાગ્યાની ભીતિ

સુરેન્દ્રનગરની સરકારી કચેરીઓમાં હવે કોરોના પ્રવેશ્યો હોય તેમ લાગે છે. જિલ્લા આરોગ્ય અધિકારી, મામલતદાર અને પોલીસ વિભાગમાં કોરોનાના કેસ બાદ સુરેન્દ્રગર અધિક કલેકટર એન.ડી.ઝાલા કોરોનાગ્રસ્ત બન્યા છે. કલેકટર કચેરીમાં આવેદનપત્ર આપવા આવતા અરજદારો મોટાભાગે તેમની પાસે જઇ રજૂઆત કરે છે. ત્યારે આવેદનપત્ર લેતા વખતે તેમને ચેપ લાગ્યો હોવાની શકયતા છે. અધિક કલેકટર સાથે તેમના પરિવારના બે સભ્યો પણ કોરોનાથી સંક્રમીત થયા છે.

(11:57 am IST)