Gujarati News

Gujarati News

News of Friday, 17th September 2021

હવે ‘ઉડતા ગુજરાત' : મુન્‍દ્રા બંદરે ઝડપાયેલ હેરોઇનનો આંકડો ૩ હજાર કરોડથી'યે વધુ

માછીમારી બોટો પછી હવે પોર્ટ ઉપરથી ઇમ્‍પોર્ટના નામે ડ્રગ્‍સ ઘુસાડવાનું જબરૂ ષડયંત્ર : આવા દેશદ્રોહી તત્‍વો સામે સરકારી લાલઆંખ જરૂરી

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા. ૧૭ : સરકાર ભલે સરહદો સીલ કરી દેશની સુરક્ષા માટેના દાવા કરે પણ દેશદ્રોહી તત્‍વો ભ્રષ્ટ બાબુઓ અને કાયદાની ઢીલાશનો લાભ ઉઠાવી રહ્યા છે. મુન્‍દ્રા અદાણી પોર્ટ ઉપર ઈરાનથી આવેલ ટેલકમ પાઉડરના નામે હેરોઈન ઘુસાડવાનું ષડયંત્ર ઝડપાયું છે.
આપણા દેશને નશાખોરીના રવાડે ચડાવી બરબાદ કરવાના મનસૂબા સેવતા આવા દેશદ્રોહી તત્‍વો સામે કેન્‍દ્ર અને રાજય સરકારની સુરક્ષા એજન્‍સીઓએ લાલ આંખ કરવાનો સમય હવે આવી ગયો છે. ‘ઉડતા પંજાબ' પછી હવે કેફી દ્રવ્‍યો ઘુસાડવા માટે ગુજરાતને પસંદ કરનાર ડ્રગ્‍સ ના સોદાગરો ‘ઉડતા ગુજરાત'ના મિશનને કામિયાબ બનાવે તે પહેલાં આ દેશદ્રોહી તત્‍વોનું નેટવર્ક તોડવું પડશે. ઈરાનના અબ્‍બાસ બંદરેથી આસી. ટ્રેડિંગ કંપની વિજયવાડા માટે મુન્‍દ્રા બંદરે ઉતરેલ ટેલકમ પાઉડરના બે કન્‍ટેનરમાંથી ૩૦૦૦ કરોડનું હેરોઈન ઝડપાયું છે, હજી તપાસ ચાલુ છે, તે જોતાં હેરોઈનની કિંમતનો આંકડો ઊંચો જાય એવું લાગે છે.
આ કેસમાં અમદાવાદના કસ્‍ટમ હાઉસ એજન્‍ટ પેસેફિક ઇન્‍ડસ્‍ટ્રીયલની પણ તપાસ થઈ રહી છે. મુન્‍દ્રા બંદરે જીટી ટર્મિનલ સીએફએસમાં બે કન્‍ટેનર ઉતર્યા હતા. દરમ્‍યાન બીજી ચર્ચાતી હકીકત મુજબ ત્રણ મહિના પહેલા જૂન મહિનામાં પણ આજ રીતે ઈરાનથી ટેલકમ પાઉડરના નામે કન્‍ટેનર આવ્‍યા હતા અને મંગાવનાર પેઢી પણ આજ હતી, આસી. ટ્રેડિંગ કંપની વિજયવાડા તેમ જ કસ્‍ટમ હાઉસ એજન્‍ટ પણ પેસેફિક ઇન્‍ડસ્‍ટ્રીયલ અમદાવાદ હતા, માલ પણ મુન્‍દ્રા બંદરે જ અહીં જીટી ટર્મિનલ સીએફએસ માં ઉતર્યો હતો.
હવે, અત્‍યારે તપાસનીશ એજન્‍સી ડીઆરઆઈ તપાસ કરી રહી છે અને તેની સાથે એનસીબી, એનઆઈએ જેવી એજન્‍સીઓ પણ તપાસમાં જોડાઈ છે. જોકે, એક થી વધુ એજન્‍સીઓ જોઈન્‍ટ ઇન્‍ટ્રોગેશન કરે તો આ દેશદ્રોહી ષડયંત્રમાં કસ્‍ટમ અધિકારીઓની ભૂમિકા પણ ખૂલે એવું ચર્ચાઇ રહ્યું છે. ફોરેન ટ્રેડ માટે વ્‍યાપારી પેઢીઓ ને આપવા પડતાં ડેક્‍લેરેશન ને એનઓસી મળે ત્‍યારે જ આયાત શક્‍ય બને છે.

 

(11:07 am IST)