Gujarati News

Gujarati News

News of Friday, 17th September 2021

સુરજકરાડી ગ્રેઇન મર્ચન્ટ એશોસિએશન દ્વારા પી.જી.વી.સી.એલની જામનગર બ્રાંચમાં ફરિયાદ

મીઠાપુર,તા.૧૭ : ઓખા પી.જી.વી.સી.એલના ધાંધિયા વિશે તો કઈ કહેવા જેવું જ નથી કારણ કે અવારનવાર નબળી કામગીરીને કારણે વિવાદોમાં ઘેરાયેલી જ રહે છે. ક્યારેક વીજળીના ધાંધિયા તો ક્યારેક નિર્દોષ પશુઓના મોતના બનાવો   બનતા જ રહે છે.

સુરજકરાડી માં આવેલા ગ્રેઇન મર્ચન્ટ એશોસિએશન દ્વારા જામનગર લાલ બંગલા સામે આવેલી હેડ ઓફિસે એક લેખિત ફરિયાદ કરવામાં આવી છે. અણઆવડતને કારણે અવારનવાર ફીડરો બંધ કરવામાં આવે છે. છેલ્લા દોઢેક માસ માં સુરજકરાડી ફીડર સરેરાશ બે થી ત્રણ કલાક બંધ કરવામાં આવે છે. આવા સમયે પૂછતા એવો જવાબ મળે છે કે માણસો લાઈન ઉપર કામ કરતા હશે જો સામાન્ય ફોલ્ટ હોય તો પણ આખો દિવસ ફીડર બંધ કરવામાં આવે છે.

આ ઉપરાંત સુરજકરાડી ગામે આવેલ ઈલેવન કે વી લાઈન માં જે જગ્યાએ જરૂર છે ત્યાં ગાર્ડીંગ કરવામાં આવેલ નથી ટી.સી. ની બાજુમાં ટી.સી.ગાર્ડીંગ પણ નથી.

સુરજકરાડી ખાતે બીલ ભરવા માટે એક ઓફીસ ભાડે રાખી હોવા છતાં પણ આ ઓફીસ ખુલતી નથી અને ગ્રાહકોને નાછુટકે ઓખા સુધી ધક્કો ખાવો પડે છે આ કચેરી નો ટેલેફોનીક સંપર્ક સાધવામાં આવે ત્યારે નંબર બીઝી જ આવે છે અને જો નંબર લાગી જાય તો લાઈટબીલ ભરેલ છે કે નઈ, શું વાંધો છે કે પછી તમારો ગ્રાહક નંબર ખોટો છે તેવા જવાબો આપી ગ્રાહક ને ચકડોળે ચડાવી દેવામાં આવે છે ત્યારે જો આઝાદીના આટલા વર્ષો પછી પણ આવાજ પ્રશ્નો જોવા મળે તે સરાસર અન્યાય ભર્યું કહેવાય ત્યારે જો આ બધા પ્રોબ્લેમ્સનું સોલ્યુશન ૧૫ દિવસમાં નહીં થાય તો નાછુટકે ગ્રાહકો તથા વેપારીઓનાં હિતને ધ્યાનમાં રાખી ને ગાંધી ચિંધ્યા માર્ગે જવાની પણ તૈયારી છે તેમ સુરજકરાડી ગ્રેઈન મર્ચન્ટ એશોસિએશનના પ્રમુખ   મુકેશભાઈ કાનાણી ની યાદી માં જણાવાયું છે. 

 

(11:56 am IST)