Gujarati News

Gujarati News

News of Friday, 17th September 2021

જામજોધપુર તાલુકાના અનેક ગામોમાં ઘોડાપુર જેવા દ્રશ્યોઃ રોડ રસ્તા પુલ મકાન ભાંગીને ભુકકોઃ લોકો હેરાનઃ અસરગ્રસ્ત લોકો માટે સર્વે કરી સહાય આપવા માંગ

જામજોધપુર તા. ૧૭ :.. તાલુકાના અનેક ગામોમાં વરસાદી ભયાનક માહોલથી લોકો ઘરના બેઘર થઇ ગયેલ છે.

તાલુકાના સડોદર મેથાણ બુટાવદર બગધરા મોટીભરડ મુળજી ચિરોડા સંગચિરોડા ભરડકી બાવળીદળ ગોરખડી જશાપર કલ્યાણપર નરમાણા સમાણા સોગઠી દલદેવડીયા શેઠવડાળા ધ્રાફા ભરડકી વગેરે વિસ્તારમાં અતિભારે વરસાદને કારણે ખેતીવાડી-રોડ-રસ્તા તળાવ નદી નાળા રહેણાંક મકાનનું ધોવાણ થયેલ હોઇ તેમજ એક ગામેથી બીજા ગામને જોડતા રસ્તાનું ધોવાણ થયેલ હોઇ તેમજ કાચા માટીના રસ્તા વિગેરેનું ધોવાણ થયેલ હોઇ તે તાત્કાલીન બનાવી નુકસાન થયેલ પાકનું સર્વે કરી ખેડૂતોને સહાય આપવા જામજોધપુર તાલુકા ખેડૂત ઉત્કર્ષ સમિતિ પ્રમુખ પ્રવિણભાઇ નારીયાએ માંગ કરી છે.

બગધરા ગામે નુકશાન

તાલુકાના બગધરા ગામે તા. ૧૩ ના રોજ ૩૦ ઇંચ જેટલો વરસાદ થતા બગધરા સહિત વિસ્તારમાં અતિવૃષ્ટિના કારણે ભારે માત્રામાં નુકશાન થયેલ છે.

જાહેર રસ્તાઓ પીવાના પાણીની અન્ડરગ્રાઉન્ડ લાઇનો. ઉખડી ગયેલ છે. ગટર ઉખડી જવા પામેલ છે વાડી વિસ્તારને જોડતો બેઠો પુલ પણ ધોવાઇ ગયેલ છે. વાડી વિસ્તારના રોડ-નાલામાં વ્યાપક નુકશાન થયેલ છે. ખેતીની જમીનો ધોવાણ થઇ ગયેલ છે. ખેતરોની સેફટી દિવાલો તુટી પડી છે.

આ અતિવૃષ્ટીને કારણે બગધરા ગામમાં ભારે નુકશાની થયેલ હોઇ રોડ-રસ્તા પીવાના પાણીની વિકટ સમસ્યા ઉભી થઇ ગઇ છે. જેથી કરીને બગધરા ગામ સહિત સરકાર દ્વારા ખાસ પેકેજ સહાય આપવા બગધરાના સરપંચ રંજનબેન જગદીશભાઇ મહેતા મુખ્યમંત્રી સહિત લગત ડીપાર્ટમેન્ટને પત્ર લખી માંગ કરી છે. 

(12:03 pm IST)