Gujarati News

Gujarati News

News of Friday, 17th September 2021

બ્રિજેશભાઇ મેરજા મંત્રી બનતા મોરબી જીલ્લાના વિકાસના નવા દ્વાર ખુલશે

સમર્થકો દ્વારા આતશબાજી અને મીઠાઇનું વિતરણ : સર્વત્ર હરખની હેલી

(પ્રવિણ વ્યાસ દ્વારા મોરબી, તા. ૧૭: રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના મંત્રીમંડળમાં મોરબી માળિયાના ધારાસભ્ય બ્રિજેશભાઈ મેરેજાને રાજ્યકક્ષાના સ્વતંત્ર હવાલા સાથેનું મંત્રી પદ અપાતા ઇતિહાસ રચાયો છે. આઝાદી બાદ પહેલી વખત જ મોરબીને પ્રતિનિધિત્વ મળ્યું છે. જો કે, આ અગાઉ મોરબી જિલ્લામાંથી હળવદ અને ટંકારા બેઠક ઉપરથી ચૂંટાયેલા ધારાસભ્ય મંત્રી રહી ચુક્યા છે.

રાજ્યના ૧૭ માં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના મંત્રીમંડળની  રચના સાથે શપથવિધિ યોજાઈ હતી જેમાં મોરબી – માળીયા બેઠકના શિક્ષિત,સરળ અને શાંત સ્વભાવના બ્રિજેશભાઈ મેરેજાને રાજ્યકક્ષાના મંત્રી (સ્વતંત્ર પ્રભાર) તરીકે નિમણુંક કરવામાં આવી છે.

મોરબીવાસીઓમાં શહેરના વિકાસના નવા દ્વાર ખૂલવાની આશા જગીછે.

મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વમાં રચાયેલા નવા મંત્રીમંડળમાં સામેલ મંત્રીઓની શપથવિધિમાં

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ ૧૦ કેબિનેટ મંત્રીઓ – ૦૫ રાજ્યકક્ષાના (સ્વતંત્ર પ્રભાર) મંત્રીઓ અને ૦૯ રાજ્યકક્ષાના મંત્રીઓને શપથ લેવડાવ્યા

રાજ્યના નવનિયુકત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકારના મંત્રીમંડળની શપથવિધિ ગઇકાલે રાજભવન ખાતે યોજાઈ હતી. ત્યારબાદ સ્વર્ણિમ સંકુલ ખાતે પહેલી કેબિનેટ બેઠક મળી હતી. બેઠક બાદ તમામને ખાતાની ફાળવણી કરાઈ છે. જેમાં મોરબી-માળિયાના ધારાસભ્ય બ્રિજેશ મેરજાને શ્રમ, રોજગાર, પંચાયત(સ્વતંત્ર હવાલો) તેમજ ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસના મંત્રી બનાવવામાં આવ્યા છે.

મોરબી માળિયાના ધારાસભ્ય બ્રિજેશભાઈ મેરજાનો જન્મ તા. ૦૧-૦૩-૧૯૫૮ ના રોજ માળિયા તાલુકાના ચમનપર ગામે થયો હોય બ્રિજેશભાઈ મેરજા પોસ્ટ ગ્રેજયુએશન ડીપ્લોમાં ઇન જર્નાલીઝમ સુધીના ઉચ્ચ અભ્યાસ બાદ પબ્લિક રીલેશન ઓફિસર તરીકે પાંચ વર્ષ કાર્યરત રહ્યા બાદ ૧૯૮૫ થી ૨૦૦૭ સુધી ગુજરાત સરકારમાં મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીથી લઈને નરેન્દ્ર મોદી સુધીના એક ડઝન મંત્રી મંડળમાં જુદા જુદા પ્રધાનોના સચિવ તરીકે સચિવાલયમાં જાહેર વહીવટનો બહોળો અનુભવ ધરાવે છે

તો જાહેરસેવા ઉપરાંત બ્રિજેશભાઈ મેરજા વિવિધ સામાજિક અને સેવાકીય પ્રવૃતિઓ સાથે પણ જોડાયેલા રહ્યા છે. જયેષ્ઠ પુત્ર ડો. પ્રશાંતની સ્મૃતિમાં દર વર્ષે સેવાકેમ્પ કરી જન સેવા એ જ પ્રભુસેવા ઉકિતને સાર્થક કરી રહ્યા છે. વર્ષ ૨૦૦૭ થી રાજકારણમાં પ્રવેશ કર્યા બાદ બ્રિજેશભાઈ મેરજાએ બે વાર મોરબી માળિયા (મી) ના ધારાસભ્ય તરીકે ચુંટાઈ આવી,સતત પોતાના મત વિસ્તારનાં કામો કરવા ૧૮-૧૮ કલાક કાર્યરત રહ્યા છે.

રાજ્યના નવા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની સરકારના નવા મંત્રીમંડળમાં મોરબીના ધારાસભ્ય બ્રિજેશ મેરજાનો સમાવેશ કરવામાં આવ્યો છે.આથી મોરબીમાં ભાજપના કાર્યકરોએ ફટાકડાની આતિશબાજી કરીને ખુશી મનાવી હતી.

રાજ્યના નવા મંત્રી મંડળમાં મોરબીના ધારાસભ્ય બ્રિજેશ મેરજાનો સમાવેશ થતા મોરબી ભાજપની છાવણીમાં ખુશાલીનું મોજું ફરી વળ્યું હતું. અને ભાજપના કાર્યકરોએ ધારાસભ્ય બ્રિજેશ મેરજાની રાજ્યના નવા મંત્રી મંડળમાં પસંદગીને હર્ષભેર વધાવી હતી. તેમજ મોરબીના શનાળા રોડ ઉપર નવા બસ સ્ટેન્ડ પાસે સુપર માર્કેટ સામે આવેલા ભાજપના કાર્યાલય ખાતે ભાજપના કાર્યકરોએ ફટાકડા ફોડી ખુશાલી મનાવી હતી. જેમાં મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ દુલર્ભજીભાઈ દેથરીયા, જિલ્લા પંચાયતની બાંધકામ સમિતિના અજય લોરીયા અને તાલુકા તેમજ જિલ્લા ભાજપના અગ્રણીઓ અને કાર્યકરોએ આ જ' મનાવ્યો હતો.

(1:10 pm IST)