Gujarati News

Gujarati News

News of Friday, 17th September 2021

અતિવૃષ્ટિથી અસરગ્રસ્ત થયેલા ૬ ગામોની મુલાકાત લઇ સર્વગ્રાહી સમીક્ષા કરતાં સાંસદ પૂનમબેન

જામનગર,તા. ૧૭: જિલ્લામાં અતિવૃષ્ટિના કારણે અનેક ગામો અસરગ્રસ્ત થયા છે ત્યારે આ ગામોની સાંસદ પૂનમબેન માડમે રૂબરૂ મુલાકાત લઇ લોક સંપર્કના માધ્યમથી ગ્રામીણ સ્થિતિનો ચિતાર મેળવ્યો હતો તેમજ થયેલ નુકસાની તથા વળતર સહિતના પ્રશ્ને અધિકારીશ્રીઓ સાથે રૂબરૂ ચર્ચા કરી સર્વગ્રાહી સમીક્ષા કરી હતી.

સાંસદશ્રીએ જામનગર જિલ્લાના જામનગર, ધ્રોલ  તથા કાલાવડ તાલુકાના, અલીયા, મોટી બાણુગર, રામપર, ધુતારપર, ધુળસિયા તેમજ કાલાવડ ગામની મુલાકાત લઇ અહીં તાત્કાલિક ધોરણે પશુ, મકાન, ઘર વખરી, સંપતિ વગેરેની સર્વે અંગેની કામગીરી હાથ ધરવા, રોગચાળો ન ફેલાય તે માટે પશુઓના મૃતદેહો નિકાલ કરવા તેમજ દવાઓનો છંટકાવ કરવા, ગંદકી દૂર કરવા, ફૂડપેકેટ તથા પીવાના પાણીની વ્યવસ્થાઓ ઊભી કરવા સહિતના મુદ્દે ઉપસ્થિત અધિકારીશ્રીઓ સાથે ચર્ચા કરી તાકીદે ઉપરોકત બાબતો અમલમાં લાવવા સૂચન કર્યું હતું.

સાંસદશ્રીએ અસરગ્રસ્ત વિસ્તારોમાં ઘરે ઘરે જઈ લોકોના પ્રશ્નો સાંભળ્યા હતા અને સંવેદના વ્યકત કરતા જણાવ્યું હતું કે, તાત્કાલિક ધોરણે સર્વે સહિતની તમામ કામગીરી પૂર્ણ કરી સરકાર અસરગ્રસ્ત વિસ્તારોમાં શકય તમામ મદદ પુરી પાડવા કટિબદ્ઘ છે. આ મુસીબતના સમયમાં એક પરિવાર બની આ મુશ્કેલીમાંથી બહાર નીકળશું. સરકાર હંમેશા લોકોની પડખે ઉભી છે તેમ જણાવી તમામ પ્રકારે મદદ રૂપ થવાની સાંસદશ્રીએ ગ્રામજનોને ખાતરી આપી હતી.

આ મુલાકાતમાં સાંસદશ્રીની સાથે જિલ્લા પંચાયત પ્રમુખ ધરમશી ચનિયારા,  જિલ્લા ભાજપ અધ્યક્ષ રમેશભાઇ મુંગરા, પ્રભારી સચિવ નલીન ઉપાધ્યાય, પ્રાંત અધિકારી અક્ષય બુદાણીયા, જિલ્લા આરોગ્ય અધિકારી ડો.બથવાર, નાયબ જિલ્લા વિકાસ અધિકારી પાર્થ કોટડીયા, મામલતદાર ગ્રામ્ય, તાલુકા વિકાસ અધિકારી, પશુપાલન વિભાગ, પી.જી.વી.સી.એલ વિભાગ તથા સંગઠનના પ્રતિનિધિશ્રીઓ સહિત અધિકારીશ્રીઓ, પદાધિકારીશ્રીઓ જોડાયા હતા.

(1:22 pm IST)