Gujarati News

Gujarati News

News of Friday, 17th September 2021

દ્વારકા નજીક રિક્ષાની ગાય સાથે ટક્કરઃ ચાલકનું મૃત્યુ

જામ ખંભાળિયા, તા.૧૭: દ્વારકા તાલુકાના મકનપુર ગામે રહેતો જોધાભા વલૈયાભા માણેક નામનો આડત્રીસ વર્ષનો હિન્દુ વાઘેર બે દિવસ પૂર્વે પોતાનો છકડો રીક્ષા નંબર જી.જે. ૧૦ વાય ૬૭૦૧ લઈને જઈ રહ્યો હતો, ત્યારે માર્ગ પર જઈ રહેલી ગાય સાથે પુરપાટ જતો આ છકડો રિક્ષા અથડાયો હતો. જેના કારણે સર્જાયેલા અકસ્માતમાં ચાલક જોધાભા વલૈયાભા માણેકને માથાના ભાગે તથા શરીરના અન્ય ભાગોમાં ગંભીર ઇજાઓ થતાં તેમનું કરૂણ મૃત્યુ નિપજયું હતું.

આ બનાવ અંગે પોલીસે મૃતકના નાનાભાઈ પોલાભા વલૈયાભા માણેકની ફરિયાદ પરથી મૃતક રિક્ષાચાલક જોધાભા માણેક સામે વિવિધ કલમ મુજબ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી કરી હતી.

ખંભાળિયામાં વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપાયાઃ એક ફરાર

ખંભાળિયાના ધરાનગર વિસ્તારમાં રહેતા મેહુલ ઉર્ફે ભુરો દુલાભાઈ ગઢવી નામના ૩૦ વર્ષના યુવાને પોતાના રહેણાંક મકાનમાં રાખેલી રૂપિયા ૬,૪૦૦ની કિંમતની વિદેશી દારૂની ૧૬ બોટલના જથ્થા સાથે મેહુલ ઉર્ફે ભુરો ગઢવીની પોલીસે અટકાયત કરી હતી. આ દરોડા દરમિયાન અત્રેના ટેલીફોન એકસચેન્જ સામે રહેતો વાલા દુલાભાઈ ગઢવી નામનો શખ્સ નાસી છૂટ્યો હોવાનું પોલીસ ફરિયાદમાં જાહેર થયું છે. ખંભાળિયા પોલીસે -ોહીબીશન એકટ મુજબ આગળની તપાસ હાથ ધરી છે.

પાંચ સ્થળે જુગાર દરોડામાં ૨૬ ઝડપાયા

ખંભાળિયા તાલુકાના વાડીનાર ગામે જાહેરમાં ગંજીપાના વડે જુગાર રમી સહેલા માલસી ખેતા ઢચા, દેવશી ભીમા પિંગળસુર, વિપા ખેરા પારીયા અને પુના ભુરા રાઠોડ નામના ચાર શખ્સોને જુગાર રમતા પોલીસે રૂપિયા ૫,૮૯૦ ના મુદ્દામાલ સાથે પકડી પાડયા હતા.

કલ્યાણપુર તાલુકાના રાવલ ગામેથી પોલીસે જાહેરમાં જુગાર રમતા દિનેશ નાગાભાઈ કાગડિયા, વશરામ ઘેલાભાઈ કાગડીયા, રામા કરસનભાઈ સોલંકી, અને કાના લાખા સોલંકી નામના ચાર શખ્સોને પોલીસે રૂપિયા ૧૧,૦૨૦ ના મુદ્દામાલ સાથે પકડી પાડયા હતા.

કલ્યાણપુર તાલુકાના કેનેડી ગામેથી પોલીસે ગંજીપાના વડે જુગાર રમી રહેલા કિશોર લાધા નકુમ, સંજય ધનાભાઈ ડાભી, સંજય નટુભાઈ ડાભી, પ્રવીણ ભીમાભાઈ કછેટીયા, ભાવિન ભીખાભાઈ ખાણધર, અમિત કલાભાઈ ડાભી અને યશ પ્રેમજીભાઈ ડાભી નામના સાત શખ્સોને ઝડપી લઈ, રૂપિયા ૧૦,૬૪૦ નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

અન્ય દરોડામાં નંદાણા ગામેથી પોલીસે ભાવેશ નારણ ચાવડા, નગા રામાભાઈ આંબલીયા, ધરણાંત રાણા આંબલીયા, દેસુર રણમલ ચાવડા, મેરામણ દેવશી ચાવડા, નયનદાસ કીર્તિદાસ ગોંડલીયા અને હરદાસ અરજણભાઈ કોટા નામના સાત શખ્સોને રૂપિયા ૧૦,૭૩૦ ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા.

જ્યારે ભોગાત ગામે રાત્રીના સમયે જાહેરમાં જુગાર રમતા વિજયગર લાલગર અપારનાથી, મનસુખગર -ેમગર અપારનાથી, રામા નગા કરંગીયા, અને હમીર માલદે આંબલીયા, નામના ચાર શખ્સોને રૂપિયા ૫,૭૩૦ના મુદ્દામાલ સાથે પકડી પાડયા હતા.

દ્વારકામાં બાઈક ચાલક ઝડપાયો

દ્વારકા તાબેના બરડીયા ગામે રહેતા બુધા ખેતા ચાનપા નામના ૨૪ વર્ષના યુવાનને સ્થાનિક પોલીસે મધ્યરાત્રિના સમયે રૂપિયા વીસ હજારની કિંમતનું જી.જે.૩૭ એચ. ૭૦૯૩ નંબરનું મોટર સાયકલ ચલાવતા ઝડપી લઇ, તેની સામે એમ.વી. એકટની કલમ ૧૮૫ મુજબ ગુનો નોંધ્યો છે.

વાડીનારમાં રખડતો ભટકતો ઝડપાયો

ખંભાળિયા તાબેના વાડીનાર ગામેથી પોલીસે મોડી રાત્રીના સમયે શંકર કેશુભાઈ પાટડીયા નામના ૪૦ વર્ષના કોળી યુવાનને હૂસેનીચોક પાસેથી રાત્રિના અંધારામાં સંતાઈને દુકાનોના તાળા તપાસતો શંકાસ્પદ હાલતમાં ઝડપી લઇ, તેની સામે જી.પી, એકટની કલમ ૧૨૨ (સી) મુજબ ધોરણસર કાર્યવાહી કરી હતી.

(1:23 pm IST)