Gujarati News

Gujarati News

News of Friday, 17th September 2021

શાસ્ત્રી માધવપ્રિયદાસજી સ્વામિના સાનિધ્યમાં વરસાદી વાતાવરણમાં પણ મચ્છુન્દ્રીને કિનારે ઉજવાયેલો ભવ્ય જળઝીલણી મહોત્સવ

ઉના તા.૧૭ ભગવાન શ્રી સ્વામિનારાયણે તેમજ નંદ સંતોએ પ્રવર્તાવેલી ઉત્સવ પરંપરાથી આપણા જીવનમાં સદાચાર અને પ્રેમભક્તિની નિર્મળ ભાવનાઓને પોષણ મળતું રહે છે, ઉત્સવ દ્વારા સમાજમાં ભકિતભાવ અને સદાચારની ભાવના કેળવાય છે.

પૂ. શા.ધર્મજીવનદાસજી સ્વામી, પુરાણી પ્રેમપ્રકાશદાસજી સ્વામી તથા પૂ. જોગી સ્વામીએ નાઘેર પંથકમાં ગામડે ગામડે ફરીને સત્સંગ નવપલ્લવિત રાખેલ છે, સાથે સાથે ઉજવાતા ઉત્સવોની પરંપરા પણ જાળવી રાખી છે. તેમાનો એક મહત્વનો ઉત્સવ એટલે એસજીવીપી શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ દ્વારા મચ્છુન્દ્રી નદીને કાંઠે પુરાતન તીર્થ શ્રી દ્રોણેશ્વર મહાદેવના સાનિધ્યમાં ઉજવાતો જળઝીલણી મહોત્સવ.

ભાદરવા સુદ એકાદશીના પવિત્ર દિવસે વહેલી સવારે દ્રોણેશ્વર ગુરુકુલ વિદ્યાલયના પટાંગણથી મચ્છુન્દ્રી નદીના કિનારા સુધી ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં ભાવિકો જોડાયા હતા.

શાસ્ત્રી માધવપ્રિયદાસજી સ્વામી તથા પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામીએ મચ્છુન્દ્રી ગંગાનું પંચોપચાર પૂજન કરી આરતી ઉતારી હતી.

શાસ્ત્રી માધવપ્રિયદાસજી સ્વામીએ જળઝીલણી મહોત્સવનું મહત્વ સમજાવ્યું હતું. સાથે તેમણે જણાવ્યું હતું કે આજ ૧૭ સપ્ટેમ્બરના દિવસે ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ  મોદીનો જન્મદિવસ છે પૂ. સ્વામીજીએ ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ  મોદીએ કરેલા ભારત માટે રચનાત્મક કાર્યોની છણાવટ કરી. તેઓ શ્રી તંદુરસ્તીભર્યું દીર્ઘઆયુષ્ય  ભોગવે તેવી ભગવાન પાસે પ્રાર્થના કરી હતી.

   પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામીએ પણ આ પ્રસંગે જણાવ્યું હતું કે આ ગીર તપોભૂમિ છે ભગવાન સ્વામિનારાયણે નીલકંઠવર્ણી વેષે આ ભૂમી પાવન કરેલ છે. અને ત્યાર પછી ગુણાતીત પરંપરાના સંતો તથા પૂજ્ય શાસ્ત્રીજી મહારાજ, પૂજ્ય જોગી સ્વામીએ અહી સતત વિચરણ કરી સતસંગનું પોષણ કર્યું છે.

ઉત્સવ પરંપરા જીવનમાં સદાચાર પ્રેમ અને ભક્તિની નિર્મળ ભાવનાઓને પ્રગટાવે છે. આજ થી ૪૫ વર્ષથી આ પવિત્ર નાઘેર ભૂમિમાં પૂજય જોગી સ્વામીએ શરૂ કરેલ જળઝીલણી મહોત્સવ ઉજવાતો આવે છે. આટલી મોટી વિશાળ સંખ્યામાં ભક્તો ઉત્સવમાં પધાર્યા છો તે જોઇ અત્યંત આનંદ થાય છે.

આ પ્રસંગે ખ્યાત નામ લોકસાહિત્યકાર મેરણભાઈ ગઢવીએ પોતાની આગવી છટાથી સ્વામિનારાયણ સંપ્રદાયમાં બ્રહ્માનંદ સ્વામી રચિત ચારણી સાહિત્યને સંસ્કૃતિક સાહિત્યના અણમોલ ખજાના રૂપ ગણાવી ગુરુકુલની સેવા પ્રવૃતિઓને બિરદાવી હતી.

આ ઉત્સવમાં ઉના, ઈટવાયા , ફાટસર , દ્રોણ, ખિલાવડ, અંબાડા, ગઢડા, વડવીયાળા, ધોકડવા, દૂધાળા ગીર વગેરે ગામોમાંથી મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે લંડનથી રાવજીભાઇ હિરાણી અને અંકલેશ્વરથી વિપુલભાઈ ગજેરા ખાસ પધાર્યા હતા. ઉત્સવમાં આવનાર તમામ ભક્તો માટે ફળાહાર માટે વ્યવસ્થા કરવામાં આવી હતી. ઉત્સવની વ્યવસ્થા ભંડારી સ્વામી હરિકૃષ્ણદાસજી સ્વામી તથા કોઠારી નરનારાયણદાસજી સ્વામીએ સાંભળી હતી.

પ્રતિ , આદરણીય તંત્રી શ્રી                                                                 - કનુ ભગત

(4:37 pm IST)