Gujarati News

Gujarati News

News of Friday, 17th September 2021

મોરબી જિલ્લામાં સાંજના છ સુધીમાં રેકોર્ડ બ્રેક ૨૯,૮૭૬ લોકોનું વેકસીનેશન કરાયું.

વડાપ્રધાન મોદીના જન્મદિન નિમિતે મોરબીમાં મેગા વેક્સીનેશન ડ્રાઇવ યોજાઇ

 મોરબી જિલ્લામાં વડાપ્રધાન મોદીના જન્મદિવસ નિમિતે વેકસીનેશનના મહાઅભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું. ૨૦૩ જેટલા સ્થળોએ વેકસીનેશન માટે કુલ ૪૯૫૦૦ જેટલા ડોઝ ફાળવવમાં આવ્યા હતા. જેમાંથી આજે સાંજ સુધી જિલ્લામાં સૌથી વધુ હાઈએસ્ટ અને રેકોર્ડ બ્રેક ૨૯,૮૭૬ લોકોનું વેકસીનેશન કરવામાં આવ્યું છે.
વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના જન્મદિવસ નિમિત્તે સમગ્ર મોરબી જિલ્લામાં વેક્સીનેશન મેગાડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં બપોરે એક વાગ્યે ૭૫૨૩ વ્યક્તિઓએ પહેલો ડોઝ જ્યારે ૮૦૮૯ લોકોએ સમગ્ર મોરબી જિલ્લામાં એક જ દિવસમાં બીજો ડોઝ મેળવી લીધો હતો. જોકે, સાંજે પાંચ વાગ્યાના રિપોર્ટ અનુસાર સમગ્ર મોરબી જિલ્લામાં ૧૩૭૫૭ લોકોએ પ્રથમ ડોઝ તેમજ ૧૩૦૦૭ લોકોએ પોતાનો બીજો ડોઝ લઇ લીધો તેમજ સાંજના છ સુધીમાં રેકોર્ડ બ્રેક ૨૯,૮૭૬ લોકોનું વેકસીનેશન થયું હોવાનું જિલ્લા આરોગ્ય તંત્ર તરફથી વિગતો મળી છે.
આમ વેક્સીનેશનની મેગા ડ્રાઇવમાં અત્યાર સુધીમાં રેકોર્ડ બ્રેક વેકસીનેશન જિલ્લા વહિવટી તંત્ર તેમજ આરોગ્ય વિભાગ દ્વારા થયું છે. આ મેગા ડ્રાઇવ બે ભાગમાં ચાલી રહી હતી જેમાં સવાર અને સાંજની બે પાળીમાં કર્મચારીઓને ડ્યુટી સોંપવામાં આવી હતી. સમગ્ર કામગીરી રાત્રીના ૧૦ વાગ્યા સુધી ચાલી હતી. તેથી હજુ પણ રેકોર્ડ બ્રેક વેકસીનેશન થવાની શક્યતા હતી.આ વેકસીનેશનમાં જિલ્લા વહીવટી તંત્ર, જિલ્લા પંચાયત, સ્થાનિક સ્વરાજયની સંસ્થઓના હોદેદારો આ વેકસીનેશનના મહા અભિયાનમાં જોડાયા હતા.
વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના જન્મદિને સમગ્ર ગુજરાત રાજ્યમાં રસીકરણનું મહાઅભિયાન ચલાવાઇ રહ્યું હતું ત્યારે મોરબી જિલ્લો પણ આ કામગીરીમાં પોતાની શ્રેષ્ઠ કામગીરી થકી સમગ્ર રાજ્યમાં અવ્વલ નંબરે કામગીરી કરી રહ્યો હતો જેમાં પ્રજાનો સાથ સહકાર પણ મળી રહ્યો હતો. સમગ્ર કામગીરીનું નિરિક્ષણ જિલ્લા કલેક્ટર જે.બી. પટેલ, જિલ્લા વિકાસ અધિકારી પરાગ ભગદેવ, જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારી ડૉ. કતીરા તેમજ પ્રાંત અધિકારીઓ, મામલતદારઓ, તલાટીઓ આ ઉપરાંત ભાજપના ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને અગ્રણીઓ તેમજ કાર્યકરો પણ સમગ્ર કામગીરીમાં સાથ સહકાર આપી રહ્યા હતા.

(9:58 pm IST)