Gujarati News

Gujarati News

News of Thursday, 18th February 2021

ભાવનગર જ્ઞાનમંજરી ઇન્સ્ટિટયુટ ઓફ ટેકનોલોજીના મિકેનીકલ શાખાના વિદ્યાર્થીઓ દ્વારા પોર્ટેબલ ઇ.સી.જી. મશીનનો આવિષ્કાર

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર તા.૧૮ : વધતી જતી દોડધામવાળી લાઇફસ્ટાઇલ અને અસંતુલીત ખોરાકને લીધે હૃદયને લગતા રોગોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. આવા સમયે નિયમિતપણે હૃદયની સ્થિતિની તપાસ કરાવતા રહેવું એ હિતાવહ છે.  હૃદયની કાર્યક્ષમતા અને તેનું ફંકશન બરાબર છે કે નહિ તે જાણવા માટે ઇસીજી (ઇકો કાર્ડીયોગ્રાફી) પધ્ધતીનો ઉપયોગ થાય છે.

ઇ.સ.૧૮૭૭માં કે જયારે ઇસીજીની શોધ થઇ ત્યારથી લઇ આજસુધી ૧૪૧ વર્ષમાં તેમાં ઘણા બધા ફેરફારો થયા છે અને જે ઇસીજી યુનિટ વપરાય છે તે આપણે આઇસીયુમાં જોતા હોઇએ છીએ પરંતુ તેની મર્યાદા એ છે કે આ રીપોર્ટ કરાવવા માટે દર્દીએ પોતે દવાખાને જવુ પડે છે અને જો દર્દી પોતે દવાખાને જઇ શકે તેમ ન હોય તો તેનો ઇસીજી રીપોર્ટ કરાવવો મુશ્કેલ બને છે તેમજ હાલ ઉપયોગમાં લેવાતા ઇસીજી મશીન ઘણા વજનદાર અને મોંઘા છે. આવા સમયે જો કોઇ એવુ ડીવાઇસ હોય કે જે દર્દી જયા છે તે સ્થળે સરળતાથી પહોચાડી શકાય અને હૃદયનો રીપોર્ટ કાઢી શકાય તો એ દર્દી માટે આશિર્વાદરૂપ સાબિત થઇ શકે.

આવુ જ એક પોર્ટેબલ ઇસીજી મશીન જ્ઞાનમંજરી ઇન્સ્ટીટયુટ ઓફ ટેકનોલોજીના મીકેનીકલ શાખામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ કિરણ અચારી, અનન્થું નાયર, રાગીલ નાયર, ધર્મદીપ પંડયા અને નંદીશ ત્રિવેદી દ્વારા મીકેનીકલ ખાતાના વડા પ્રો.કૃણાલ ખીરયા અને પ્રો.જય ભટ્ટના માર્ગદર્શન હેઠળ તૈયાર કરવામાં આવેલ છે.

વિદ્યાર્થીઓની આ ટીમ પોતાને ગર્વથી ટીમ સ્કોર્પિયોન કઇને ઓળખાવે છે. આ ઇસીજી મશીનને એક સ્થળેથી બીજા સ્થળે ખૂબ જ સરળતાથી લઇ જઇ શકાય છે. તદુપરાંત તે સામાન્ય માણસને પરવડે તેટલા ઓછા ખર્ચમાં ઉપલબ્ધ કરી શકાય છે. આ ડીવાઇસ ખૂબ જ ચોકકસ રીઝલ્ટ આપે છે. જેની પુષ્ટિ ભાવનગર મેડીકલ કોલેજના ડીપા.ઓફ ફીઝીયોલોજી ખાતાના વડા ડો.ચિન્મય શાહે કરેલ છે. તદુપરાંત આ મશીન ૧૦૦% પોર્ટેબલ એટલે કે એક સ્થળેથી બીજા સ્થળે ખૂબ જ ઓછી માત્ર એક બેગ જેટલી જગ્યા રોકે તે રીતે લઇ જઇ શકાય છે.

ભવિષ્યમાં આ પોર્ટેબલ ઇસીજી મશીનમાં બ્લયુટુથની સગવડ ઉમેરવામાં આવશે જેનાથી મોબાઇલમાં પણ ઇસીજી રિઝલ્ટસ જોઇ શકાશે. વિદ્યાર્થીઓ દ્વારા સમાજને ઉપયોગી થાય એવા પ્રયાસોને સંસ્થાના આચાર્ય ડો.એચ.એમ.નિમ્બાર્કએ બિરદાવ્યા હતા.

(10:18 am IST)