Gujarati News

Gujarati News

News of Thursday, 18th February 2021

અઢારેય વરણમાં ઉકળાટ પરિવર્તનની આગ કમળને કચડી નાખશેઃ પરેશ ધાનાણી

સરકારી શાળા-કોલેજો બંધ થઈ અને ખાનગી શાળા-કોલેજો દ્વારા મસમોટી ફી વસુલાઈઃ ફી માટે વાલીઓને ધમકાવ્યાઃ વિધાનસભા વિરોધ પક્ષના નેતાના પ્રહારો : સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપે નબળા મનના લોકોને ડરાવી-ધમકાવી ફોર્મ પરત ખેંચાવ્યા, આવા લોકોનો આભાર એણે જનતાના પાંચ વર્ષ બચાવ્યાં: કોરોનાકાળમાં સરકારે ૫ રૂ.નું માસ્ક પણ મફત ન આપ્યું અને દંડ ફટકાર્યો

ભાવનગરમાં પરેશ ધાનાણીની ઉપસ્થિતીમાં રેલી : ભાવનગરઃ ભાવનગર શહેર કોંગ્રેસ આયોજીત રેલીના કાર્યક્રમમાં ગુજરાત વિધાનસભા વિપક્ષ નેતા પરેશભાઇ ધાનાણી હાજર રહ્યા હતા. જે તસ્વીરમાં નજરે પડે છે.

રાજકોટ, તા. ૧૮ :. વિધાનસભા વિરોધ પક્ષના નેતા પરેશભાઈ ધાનાણીએ ગુજરાતી ન્યુઝ ચેનલ સાથેની વાતચીતમાં ભાજપ સરકાર સામે આકરા પ્રહારો કર્યા હતા અને જણાવ્યુ હતુ કે અઢારેય વરણમાં ભાજપ સામે ભારે ઉકળાટ છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં રોષ પ્રગટ છે અને પરિવર્તનની આગ કમળને કચડી નાખશે અને ભાજપને અહંકારને ઓગાળી નાખશે.

પરેશભાઈ ધાનાણીએ જણાવ્યુ હતુ કે ભાજપ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં નબળા મનના લોકોને ડરાવી-ધમકાવીને ફોર્મ પરત ખેંચાવે છે. આવા ફોર્મ પરત ખેંચી લેનાર આગેવાનોનો હું આભાર માનુ છું કારણ કે આવા લોકોએ જનતાના ૫ વર્ષ બચાવ્યા છે. કોરોનાકાળમાં રાજ્ય સરકારે ૫ રૂ.નું માસ્ક પણ મફતમાં લોકોને નથી આપ્યું ઉલ્ટાનો લાખો રૂપિયાનો દંડ ફટકારીને કોરોનાકાળમાં પણ જનતાને અન્યાય કર્યો છે. ચૂંટણીમાં જનતા ભાજપ પાસે જવાબ માંગશે કારણ કે ભાજપ માત્ર વાયદાનો વેપાર કરે છે.

પરેશભાઈ ધાનાણીએ વધુમાં જણાવ્યુ કે કેન્દ્ર અને રાજ્યની ભાજપ સરકાર ખેડૂતોને સતત અન્યાય કરે છે. ટેકાના ભાવની ખરીદીમા પણ મોટાપાયે ભ્રષ્ટાચાર થાય છે. કોરોનાકાળમાં યુવાનોની છીનવાઈ છે. ગરીબ મધ્યમ પરિવારના લોકોનું બજેટ ખોરવાયુ છે ત્યારે ચૂંટણીમાં ગુજરાતની પ્રજા લોકશાહીને બચાવશે અને નિષ્ફળ શાસકોને જાકારો આપશે. ભાજપે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં હિસ્ટ્રીશીટરોને ટીકીટ આપી છે જ્યારે કોંગ્રેસે સારા કાર્યકરોને આગળ વધારવા માટે તક આપી છે.

પરેશભાઈ ધાનાણીએ વધુમાં જણાવ્યુ કે સરકારી શાળાઓ અને કોલેજો બંધ થઈ ગઈ છે જ્યારે ખાનગી શાળા-કોલેજો દ્વારા મસમોટી ફી વસુલીને ફી માટે વાલીઓને ધમકાવવામાં આવે છે.

(11:25 am IST)